માણસને માણસ સાથે જોડવાનું સૌથી મહત્વનું પાસું ભાષા છે. ભાષાના ઉપયોગ દ્વારા વ્યક્તિ પોતે પોતાની વાત કહી શકે છે, સામેવાળાને સમજાય તે રીતે વર્ણવી શકે છે, ભાષાથી માણસ દેશ-દુનિયા સાથે જોડાઈ શકે છે. આપણા દેશમાં ભૌગોલિક વિસ્તાર આધારિત અને ધાર્મિક માન્યતા આધારિત અનેક ભાષાઓ અસ્તિત્વમાં છે અને કેટલીય ભાષાઓ હોવાના કારણે જ આપણે ત્યાં કહેવત છે કે “બાર ગાઉએ બોલી બદલાય”.
અબુધાબીમાં શુ નિર્ણય લેવાયો?
અબુધાબી સરકારે એક મહત્વનો નિર્ણય લઈને હિન્દી ભાષાને ત્યાંની કોર્ટમાં ઓફિશિયલ ભાષાનો દરજ્જો આપ્યો છે. આ સાથે જ અબુધાબી (UAE)માં અરેબિક, અંગ્રેજી પછી હિન્દી ત્રીજી સરકાર માન્ય ભાષા થઈ ગઈ છે.
સરકારના નિર્ણય બાબતે અબુધાબી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી યુસુફ સઈદ અલ આબરી એ જણાવ્યું હતું કે, અબુધાબીમાં ત્રીસ લાખ કરતા પણ વધુ ભારતીયો વસવાટ ધરાવે છે જેઓ મુખ્યત્વે હિન્દી ભાષા બોલનારા અને સમજનારા છે. હિન્દી ભાષી ભારતીયોના હિતાર્થે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હવેથી અબુધાબીની અદાલતોમાં હિન્દીમાં નિવેદન આપી શકાશે તેમજ હિન્દીમાં રજુઆત પણ કરી શકાશે. ન્યાયની પ્રક્રિયાને સુદ્રઢ કરવા માટે તેમજ અદાલતી કાર્યવાહીમાં પારદર્શકતા લાવવા માટે તેમજ કાયદાને લોકો સમજી શકે, વાંચી શકે એટલા માટે હિન્દી ભાષાને કોર્ટમાં માન્યતા આપવામાં આવી છે.
ભારતમાં શુ સ્થિતિ છે?
ભારતમાં હાલમાં કેન્દ્ર સરકારના “ઓફિશિયલ લેન્ગવેજ એક્ટ – 1963” ની જોગવાઈ મુજબ તેમજ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખ કર્યા મુજબ 22 ઓફિશિયલ ભાષાઓ છે.
જો કે ભારતનો બહુમતી જનસમુદાય હિન્દી ભાષા બોલતો હોવા છતાંય અને હિન્દી સરકાર માન્ય ઓફિશિયલ ભાષાઓ પૈકીની એક ભાષા હોવા છતાંય દેશની હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટ તેમજ જિલ્લા કોર્ટની કાર્યવાહી હિન્દીમાં થાય છે. દેશમાં માન્ય 22 ભાષાઓમાંથી ફક્ત અંગ્રેજી ભાષામાં જ કોર્ટ કાર્યવાહી થાય છે.
ભાષાની અજ્ઞાનતાના કારણે દેશનો સામાન્ય માનવી ન્યાયની પ્રક્રિયામાં કે કાયદાની બાબતમાં ભાગ લઈ શકતો નથી. અંગ્રેજી ભાષા ન જાણતા વ્યક્તિ માટે કોર્ટના દરવાજા બંધ જેવા જ થઈ જાય છે પરિણામે વ્યક્તિએ બીજા ઉપર આધારિત રહેવું પડે છે. આ સિવાય ભાષા અજ્ઞાન ના કારણે ઘણીવાર વ્યક્તિ પોતાને વ્યવસ્થિત રીતે અભિવ્યક્ત ન કરી શકે અથવા જે રજુઆત કરી હોય તેમાં ગેરસમજણ થવાની સંભાવના વધે છે. આમ, હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં ન્યાયની ભાષા અંગ્રેજીની અજ્ઞાનતાના પરિણામે સામાન્ય માણસ માટે ન્યાય મેળવવાનું મુશ્કેલ બને છે, મોંઘું બને છે, જટિલ બને છે.
ખરેખર જોઈએ તો ભારતમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયની ભાષા અંગ્રેજી સાથે સાથે હિન્દી પણ હોવી જોઈએ તેમજ જીલ્લા કક્ષાની અદાલતોમાં અંગ્રેજી સાથે પ્રાદેશિક ભાષા પણ હોવી જોઈએ જેથી છેવાડાનો માણસ પણ અદાલતમાં પોતાનો અવાજ રજૂ કરી શકે.
અબુધાબી સરકારે પોતાના નાગરિકોને ન્યાયની પ્રક્રિયામાં સામેલ કરવા તેમજ અદાલતી કાર્યવાહીને પારદર્શક બનાવવા માટે કોર્ટની ભાષામાં ઉમેરો કર્યો હવે ભારત સરકાર પોતાના નાગરિકોના હિતમાં ક્યારે નિર્ણય લે છે તે રાહ જોવી રહી.