છેલ્લા કેટલાય દિવસથી દલિત અત્યાચારની એક પછી એક અમાનવીય ઘટનાઓ સામે આવી રહી છે. સમાજમાં એક ભયંકર સન્નાટો છવાયેલો છે અને દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારના જવાબદાર કોણ એ પ્રશ્નાના પાયામાં જવાનો સમય તો ઘણા સમયથી આવી ગયો હોવા છતાંય આપણો સમાજ, આપણી સરકાર, અને ધર્મના ઠેકેદારો અને સમાજના કહેવાતા ચોખલીયાઓ આ બાબતે કોઈ ફોડ પાડતા નથી.
અવાર નવાર દલિત-આદિવાસી કે પછાત અત્યાચારનો ભોગ બને અને વિપક્ષ દ્વારા સરકાર ઉપર માછલા ધોવાય, થોડા દિવસ ટીવી-છાપામાં આવે અને વળી કોઈ નવી ઘટના બને ત્યાં સુધી બધા લોકો પોતાના કામે વળગી જાય છે પણ સવાલ હજુ એ જ છે કે શુ આ દેશમાં સરકાર જ હતી નહી ત્યારે અત્યાચાર ન થતા હતા? સવાલ એ છે કે કઈ સરકારમાં અત્યાચાર ઓછા થયા છે? સવાલ એ છે કે અત્યાચાર શા માટે થાય છે?
અમુક અપવાદો બાદ કરતા હજારો ગામડામાં દલિતોને ગામના સમુહિક જમણવારમાં કે સામુહિક ધાર્મિક કાર્યક્રમમાં કે અન્ય બાબતોમાં સામેલ કરવામાં આવતા નથી. ઉંચનીચના ભેદભાવ તો દરેક સમાજમાં છે અને દરેક ઘરમાં છે પણ જ્યારે દલિતોની વાત આવે ત્યારે તમામ બિન-દલિતો એક થઈને દલિતોના વિરોધમાં આવી જાય છે. ચોખલીયા લોકો અને એમના દ્વારા ચાલતી સરકારો ભારતના લોકોને વિશ્વગુરૂના ગાજર બતાવે છે પણ વિશ્વ આખામાં ન હોય હોવી આભડછેટની પ્રથા વિશે ક્યારેય ચર્ચા કરવામાં નથી આવતી.
મે કેટલાય લોકોને દલિતો અને આભડછેટ વિશે સવાલો કર્યા છે પણ કોઈની પાસે એનો જવાબ નથી, બધાય લોકો બસ આગે સે ચલી આતી હૈ મુજબ અમાનવીય વર્તન કરતા જાય છે. ગામડાઓમાં આનો ખાસ પ્રભાવ છે પણ કોઈને ખબર નથી કે આભાડછેટ શા માટે છે? બધા જ લોકો સાવ વાહિયાત જેવા બહાનાઓ આપીને પોતાની દંભી અને અહંકારી વૃત્તિ છતી કરતા હોય છે.
હુ પણ ગામડામાં જ રહ્યો છુ અને આપણે બધા જાણીયે છીયે કે ગામડામાં રોડ, વિજળી, પાણી, શિક્ષણ, ખેતી, રોજગારી, આરોગ્ય સહિત તમામ પ્રકારની હજારો તકલીફો છે છંતાય ગામડુ પોતાની પાયાની સમસ્યા તરફ ધ્યાન આપવાના બદલે દલિતોના વરઘોડા અટકાવવા જેવી બાબતોમાં વધુ સક્રિય રીતે રસ લે છે જે દર્શાવે છે કે સમસ્યા વૈચારિક છે. ગામડામાં જેટલા લોકો જે ઝનુનથી દલિતોના વિરોધમાં એકઠા થાય છે એટલા લોકો ગામની શાળા. દવાખાનુ, ખેતી કે રોડ, ગટરની સુવિધા માટે ક્યારેય ભેગા નથી થતા.
ધર્મની દુહાઈ આપીને કરોડો રૂપિયાના આલિશાન મંદિરો અને ફાઈવસ્ટાર મંડપના કથાની લવારી કરતા ઠેકેદારોએ પણ સ્પષ્ટ કરવુ જોઈયે કે દલિતો હિંદુ છે કે નહી? અને હિંદુ જ હોય તો એમનું સન્માનજનક સ્થાન ક્યારે મળશે? બિન-દલિતોમાં હજારો લોકો નોન-વેજ ખાય છે, દારૂ પીવે છે, ગામડામાં તો કોણ કોણ શુ કરે છે એ બધાને ખબર હોવા છંતાય આભડછેટ ફક્ત દલિતો સાથે જ રાખવામાં આવે છે? જો મેલુ સાફ કરવાથી જ કોઈ અસ્પૃશ્ય થઈ જતુ હોય તો દરેક મા પોતાના બાળકનુ અને દરેક પરિવાર પોતાના કુંટુંબના બિમાર કે વૃદ્ધ વ્યક્તિનું મેલુ સાફ કરે છે તો મા કેમ અભડાઈ નથી જતી?
દલિતોએ મજુરી કરી હોય તે અનાજ ખાઈ શકાય, દલિતોએ બાંધેલા મંદિરમાં પુજા કરી શકાય, દલિત મજુરોએ ઉભા કરેલા શમિયાણામાં બેસીને કથાની લવારી સાંભળી શકાય અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે મોઢુ ચડી જાય? અરે દલિત દાનપેટીમાં ૧૦ની નોટ નાખે તો ચાલે પણ સાથે બેસી ન શકે?? વાહ! ખરેખર તો જે ગામમાં કોઈ કથા હોય ત્યા દલિતોને જ રસોડા વિભાગમાં કામે રાખી આખા ગામના મનમાંથી આભડછેટની ગંદકી ઉલેછવી જોઈયે પણ ધર્મના ઠેકેદારો જ ભેદભાવના સંરક્ષક અને સંવર્ધક છે.
ચોખલીયા અને કહેવાતા ઉચ્ચ લોકોએ હવે વિચારવુ ખુબ જ જરૂરી બન્યુ છે કે દલિતોને તમે બીજુ તો કાંઈ આપો એમ છો પણ નહી, અને બીજુ માંગી પણ નથી રહ્યુ કોઈ પરંતુ એક સન્માન પણ ન આપી શકો? એક માણસને ઈજ્જ્ત ન આપી શકો? – ગોપાલ ઈટાલિયા