નજરકેદ એટલે શું? જાણો નજરકેદ રાખવાના નિયમો અને કાયદા વિશે.

Source : Google

તાજેતરમાં જ બનેલ ભીમાકોરેગાંવ ઘટના પછી મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના પાંચ બુદ્ધિજીવી એક્ટિવિસ્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ આ તમામ પાંચેયને જામીન ઉપર મુક્ત કરતા નજરકેદ રાખવાનો હુકમ કર્યો હતો. આ સિવાય ઘણીવાર રાજ્યમાં કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે પણ પોલીસ આંદોલનકારીઓને નજરકેદ કરી લેતી હોય છે ત્યારે નજરકેદ વિશે જાણકારી લેવી જરૂરી છે.

ધરપકડ વોરંટ અથવા ધરપકડનો આદેશ

કોઈપણ વ્યક્તિને એરેસ્ટ કરવા માટે કોર્ટ ધરપકડ કરવાનો વોરંટ એટલે કે આદેશ કરી શકે છે. એરેસ્ટ વોરંટ આધારે વ્યક્તિની મિલકતની ઝડતી કરી શકાય છે અને જપ્તી પણ કરી શકાય છે. ગુનાના પ્રકાર આધારે વોરંટ નક્કી થાય છે ત્યારે વોરંટ બે પ્રકારના હોય જામીનપાત્ર વોરંટ અને બિન-જામીનપાત્ર વોરંટ. ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે છે.

સર્ચ વોરંટ

સર્ચ વોરંટ એક કાયદાકીય અધિકાર છે જેના દ્વારા પોલીસ અથવા તપાસ એજન્સીને કોઈ વ્યક્તિના ઘર કે મિલકતની કે વ્યક્તિની ઝડતી તપાસ કરવાના આદેશ આપી શકાય છે. પોલીસ આ ઝડતી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) કે જિલ્લા કોર્ટ પાસે મંજૂરી માગે છે.

હાઉસ એરેસ્ટ અથવા નજરકેદ

કોઈપણ કોર્ટ જ્યારે કેસ ચલાવીને કોઈ વ્યક્તિ આરોપી છે કે નથી એ નક્કી ન કરી લે ત્યાં સુધી આરોપીને જામીન ઉપર છોડવાની જોગવાઈ અમલમાં છે. અમુક સંજોગોમાં આરોપીને જામીન ઉપર છોડ્યા પછી તેને ખુલ્લામાં ફરતો રોકવામાં માટે કોર્ટ દ્વારા તેને નજરકેદ રાખવાનો આદેશ કરવામાં આવે છે. આવો નિર્ણય લેવા પાછળનો હેતુ ફક્ત આરોપીને ઘરની બહાર જતો રોકવા માટે નો હોય છે. જો કે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે “ભારતના કાયદામાં ક્યાંય નજરકેદ શબ્દનો ઉલ્લેખ નથી” મતલબ કે વ્યક્તિને પોલીસ સ્ટેશન કે જેલમાં રાખવાના બદલે તેના ઘરે જ કેદ રાખવામાં આવે છે. હાઉસ એરેસ્ટ દરમ્યાન વ્યક્તિ કોની સાથે વાત કરી શકે અને કોની સાથે ન કરી શકે તે બાબતે પાબંદી પણ લગાડી શકે છે.

નજરકેદ અંગે

1. જો આરોપી અત્યંત ગંભીર ગુનાનો ન હોય તો આરોપીને તેના રોજિંદા કામો જેવા કે સ્કૂલ જવું, દવાખાને જવું, સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવી અથવા કોર્ટ દ્વારા જે આદેશ થયો હોય તે કામ કરવું વગેરેની છૂટછાટ આપવામાં આવે છે. નજરકેદ દરમ્યાન આરોપી જ્યાં જાય ત્યાં પોલીસ સાથે આવે અને આરોપીએ એક ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ પહેરી રાખવું પડે છે.

2. નજરકેદ એ આરોપીને આરોપી સાબિત કરવાની કોર્ટ પ્રક્રિયા પહેલાની પ્રક્રિયા છે એટલે નજરકેદમાં વ્યક્તિને જેલમાં મોકલ્યા સિવાય જેલ જેવી સ્થિતિમાં રાખવાની પ્રક્રિયા છે.

3. સામાન્ય રીતે નજરકેદના આરોપીને યાત્રા-પ્રવાસ કરવા ઉપર પ્રતિબંધ હોય છે પણ વિશેષ સંજોગોમાં કોર્ટ યાત્રા-પ્રવાસ કરવાની છૂટ આપી શકે છે.

4. કોઈ વિશેષ સંજોગોમાં આરોપી માટે જેલ સુરક્ષિત ન હોય ત્યારે તેને નજરકેદ રાખવાનો આદેશ કરી શકાય છે.

5. નજરકેદ આરોપી વ્યક્તિ ઉપર સતત નજર રાખવા માટે તેને એક ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ પહેરાવવામાં આવે છે.

6. નજરકેદની હાલતમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને તેના મોનિટરિંગનો ખર્ચો આરોપીએ ઉઠાવવાનો હોય છે.

7. નજરકેદના આરોપીને ઘરમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે અથવા તો કોર્ટના આદેશથી પોલીસની દેખરેખ નીચે ઉપયોગ કરી શકાય.

8. હાઉસ એરેસ્ટથી સૌથી મોટો ગેરફાયદો એ છે કે આમાં આરોપીની સારી વર્તુણકના કારણે આરોપીને સજામાંથી માફી નથી મળતી. સામાન્ય રીતે જેલમાં રહેલા કેદીને સારા વર્તન બદલ સજામાંથી માફી આપવામાં આવે છે જે માફી નજરકેદમાં નથી મળતી.

નજરકેદ થયેલ વ્યક્તિના અધિકારો

ચાહે તમે પુખ્ત ઉંમરના હોય, કે સિનિયર સીટીઝન હોય કે ભારતના નાગરિક ન હોય તેમ છતાં આરોપી તરીકે ધરપકડ થયેલા વ્યક્તિના અમુક અધિકારો નિશ્ચિત છે. ધરપકડ થયેલા વ્યક્તિના શુ શુ કાયદાકીય અધિકારો છે તે પોલીસે વ્યક્તિને બતાવવાની ફરજ છે.

1. હાઉસ એરેસ્ટ સમયે કોઈપણ અધિકારી આરોપીની પૂછપરછ કરવા માંગે તો આરોપી પૂછપરછ દરમ્યાન પોતાના વકીલને સાથે રાખી શકે છે. જો આરોપી વકીલ રાખવાના પૈસા ન હોય તો સરકારી વકીલ પણ મેળવી શકે છે.

2. હાઉસ એરેસ્ટ આરોપીને અધિકાર છે કે તે વ્યક્તિ તપાસ અધિકારીને પોતાના નામ સરનામાં અને ઓળખ ચિહ્નો સિવાયના કોઈપણ સવાલોના જવાબ આપવાની ના પાડી શકે છે.

3. હાઉસ એરેસ્ટ દરમ્યાન આપેલ નિવેદન આરોપી વિરુદ્ધ પુરાવા તરીકે કોર્ટમાં માન્ય છે.

ઉપરોક્ત લખેલા ત્રણ અધિકારો નજરકેદ થયેલા આરોપીના બંધારણીય અધિકારો છે. જો તપાસ અધિકારી આરોપીને તેના અધિકારો જણાવ્યા વગર જ તેનું નિવેદન લે તો આરોપીનું નિવેદન તેના જ વિરુદ્ધમાં કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહી.

આમ ઉપરોક્ત તમામ બાબતો આધારે કહી શકાય કે હાઉસ એરેસ્ટ એટલે કે નજરકેદ એ જેલની તુલનામાં થોડીક રાહતયુક્ત સજા ગણાય છે તેમજ ઓછી ખર્ચાળ દંડાત્મક કાર્યવાહી છે જે ગુનાઓ બનતા અટકાવવા માટે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

  1. પોલિસ વાહન વ્યવાર ક્યા ગુના નો કેટલો દંડ લય સકે તે માહિતી આપો ને

    દા.ત. પિયુસી સાથે ન હોઇ તો કેટલો દંડ થાય તે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat