સામાન્ય રીતે આપણે બૉલીવુડ ફિલ્મોમાં જોયું છે કે કોર્ટમાં સાક્ષી આપવી પહેલા વ્યક્તિ પાસે ગીતા કે કુરાન જેવા ધર્મગ્રંથ ઉપર હાથ મૂકીને સોગંદ લેવડાવવામાં આવે છે કે જે બોલશે તે સાચું જ બોલશે, પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક અલગ જ છે જે આપણે જાણીએ.
અદાલતમાં સોગંદ ખાવાનો ઈતિહાસ
ભારતમાં મોગલો અને અન્ય શાસકોના સમયમાં ધાર્મિક પુસ્તક ઉપર હાથ રાખીને શપથ લેવાની પ્રથા ચલણમાં હતી. જો કે આ ફક્ત એક દરબારી પ્રથા હતી જેના માટે કોઈ કાયદો ન હતો પરંતુ સોગંદ લેવાની પ્રક્રિયાને અંગ્રેજોએ કાયદાનું સ્વરૂપ આપ્યુ અને “ઈન્ડિયન ઓથ એક્ટ – 1873” બનાવી ભારતની અદાલતો ઉપર લાગુ કર્યો હતો. ભારત આઝાદ થયા પછી પણ વર્ષ 1957 સુધી કેટલીક શાહી અદાલતો જેવી બોમ્બે હાઈકોર્ટ વગેરેમાં હિન્દૂ, મુસ્લિમ કે અન્ય માટે તેમના ધાર્મિક પુસ્તક ઉપર હાથ મૂકીને સોગંદ લેવાની પ્રથા અમલમાં હતી.
ધાર્મિક પુસ્તક ઉપર હાથ રાખીને સોગંદ લેવાની પ્રથા સમાપ્ત થઈ.
ભારતના કાયદા પંચ (લૉ કમિશન) ના 28મા રીપોર્ટમાં સરકારને અંગ્રેજોએ બનાવેલ કાયદો “ઈન્ડિયન ઓથ એક્ટ – 1873″માં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી જે આધારે ભારતીય સંસદે “ઑથ્સ એક્ટ – 1969” પસાર કરીને સમગ્ર ભારત દેશમાં એકસમાન સોગંદની પ્રક્રિયા અમલમાં લાવવામાં આવી. આ કાયદાના અમલ સાથે ભારતમાં સોગંદ લેવાની પ્રથાના સ્વરૂપમાં ફેરફળ થયો એ મુજબ હવે સોગંદ ફક્ત એક સર્વશક્તિમાન ઈશ્વરના નામ ઉપર જ લેવડાવવામાં આવે છે.
અર્થાત વિવિધ ધાર્મિક પૂસ્તકો આધારે સોગંદ લેવાના બદલે અદાલતી કાર્યવાહી દરમ્યાનની સોગંદવિધીને બિનસાંપ્રદાયિક બનાવવામાં આવી અને હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી વગેરે માટે અલગ અલગ ધાર્મિક પુસ્તકોની સોગંદ બંધ કરવામાં આવી.
હવે તમામ લોકો માટે અદાલતમાં આ મુજબ સોગંદ લેવડાવવા આવે છે
“હું સર્વશક્તિમાન ઈશ્વરના નામે સોગંદ લઉં છું / ઈમાનદારીથી પ્રમાણિત કરું છું કે હું જે કંઈ પણ કહીશ તે સત્ય, સંપૂર્ણ સત્ય અને સત્ય સિવાય કાંઈપણ નહીં કહું”
જો કે અત્રે એક અગત્યની વાત ઉલ્લેખનીય છે કે ભારતીય સંસદે પસાર કરેલા નવા કાયદા “ઓથ એક્ટ – 1969″માં એક એવી પણ જોગવાઈ છે કે જો સાક્ષી 12 વર્ષથી નીચેના ઉંમરના તો તેને સોગંદ લેવડાવવામાં નથી આવતા કેમ કે એવું માનવામાં આવે છે કે બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે.
અદાલતમાં સોગંદ શા માટે લેવડાવવા આવે છે?
જ્યાં સુધી અદાલતમાં કોઈ વ્યક્તિએ સોગંદ નથી લીધા ત્યાં સુધી તે સત્ય બોલવા માટે બંધાયેલો નથી પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદ લીધા પછી વ્યક્તિ અદાલતમાં સત્ય જ બોલવા બંધાયેલો છે. એટલે જ વ્યક્તિ જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદ લે છે ત્યારે તે કાનૂની રીતે સત્ય બોલવા બંધાયેલ છે અને જો સોગંદ લીધા પછી ખોટું બોલશે હોય તે પકડાઈ જાય તો સજા થઈ શકે છે.
વ્યક્તિ બે પ્રકારે પોતાનુ નિવેદન આપી શકે છે.
1. સોગંદ (ઓથ) લઈને
2. સોગંદનામું (એફિડેવિટ) આપીને
જો કોઈ વ્યક્તિ સોગંદ ખાઈને કે સોગંદનામું આપીને ખોટું બોલે તો “ભારતીય દંડ સંહિતા – 1860” ની કલમ – 193 મુજબ ખોટું બોલવાવાળાને 7 વર્ષની સજા થઈ શકે છે. આ સાથે વ્યક્તિ ખોટી સાક્ષી પૂરે કે કોઈ ન્યાયિક પ્રક્રિયામાં રજૂ કરવા ખોટા સાક્ષી કે ખોટા દસ્તાવેજ બનાવે તો સજા સાથે દંડ પણ કરી શકાય છે.
ટૂંકમાં સમજીએ તો પહેલાના સમયમાં લોકો ખૂબ જ ધાર્મિક હતા અને ધાર્મિક મૂલ્યોને ખૂબ જ મહત્વ આપતા હતા એટલે તત્કાલીન રાજાઓએ અને અંગ્રેજોએ ધાર્મિક આસ્થાનો ઉપયોગ સત્ય બહાર લાવવામાં કરી જેથી સમાજમાં અપરાધ ઓછા થાય તેમજ અપરાધીને દંડ કરી શકાય.
ભારતીય કાયદામાં ગીતા, કુરાન, બાઈબલ વગેરે કોઈપણ પ્રકારના ધર્મગ્રંથનો ઉલ્લેખ નથી. જો ફિલ્મોમાં ધર્મગ્રંથ ઉપર હાથ રાખીને સોગંદ લેતા દર્શાવવામાં આવે છે પણ વાસ્તવિક રીતે કોર્ટમાં એવી પ્રક્રિયા અમલમાં નથી. જો કે સમજવા જેવી વાત એ છે કે, જો લોકો ધર્મગ્રંથ ઉપર હાથ રાખીને સાચું બોલતા હોત તો આજે ભારતની અદાલતોમાં 4 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ ન હોત”.
ખુબ જ સરસ જાણકારી