આઝાદીના આટલા વર્ષ પછી પણ નાગરીકો દેશના બંધારણથી માહિતગાર નથી. બંધારણ બાબતે જાણકારીનાં અભાવના કારણે હજારો પ્રકારની ગેરસમજણો અને વિવાદો થયા કરે છે. લોકશાહી વ્યવસ્થામાં બંધારણ સર્વોચ્ચ હોય છે ત્યારે બંધારણને સમજવું એ આપણી ફરજ છે. નેતાઓ દ્વારા બંધારણનાં ગેરઉપયોગને લઈને પણ પ્રજાનો બંધારણ ઉપરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે ત્યારે બંધારણને જાણવું અને સમજવું અગત્યનું થઈ પડે છે.
લોકશાહી શાસન વ્યવસ્થાના મુખ્ય ત્રણ આધારસ્તંભ છે ૧) વિધાયિકા ૨) કારોબારી ૩) ન્યાયતંત્ર અને આ ત્રણેય સ્તંભો કઈ રીતે કાર્ય કરશે? શું ફરજ બજાવશે? કોણ કોની નિમણુક કરશે? નિમણુકની શરતો અને ફરજો શું હશે? ત્રણેય પ્રકારના તંત્રોની રચના કેવી હશે? એની જવાબદારી સંભાળનાર વ્યક્તિની કેવી લાયકાતો જરૂરી છે? એ સ્થાન કે હોદ્દા માટે માણસોની નિયુક્તિ કોણ, કેવી રીતે કરશે? એ તંત્ર કેવી રીતે કામ કરે છે? અને તેમની સત્તા તેમજ ફરજો કેટલી વિસ્તરેલી છે વગેરે તમામ બાબતો નક્કી કરતા નિયમોના સમૂહને બંધારણ અથવા બંધારણીય કાયદો કહેવામાં આવે છે. ટૂંકમાં બંધારણ એટલે દેશનું વ્યવસ્થાતંત્ર ચલાવવાની અને નાગરીકોની સુખાકારી માટે કાયદાઓ બનાવવાની સર્વોચ્ચ માર્ગદર્શિકા.
દેશ આઝાદ થાય પછી દેશનું સંવિધાન બનાવવા માટેની સંવિધાન સભાનું નિર્માણ કરવા બ્રિટીશ સરકાર દ્વારા ૧૯૪૬માં કુલ ૨૯૬ સીટની ચુંટણી રાખવામાં આવી જેમાં કોંગ્રેસને ૨૦૮ અને મુસ્લિમ લીગને ૭૩ બેઠકો પર જીત મળી. અખંડ ભારતના બંધારણનાં નિર્માણ માટે સંવિધાન સભાની પહેલી બેઠક ૯ ડીસેમ્બર ૧૯૪૬નાં રોજ મળી હતી. ૧૧ ડીસેમ્બર ૧૯૪૬નાં રોજ ડૉ.રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી.
બંધારણ લખવા માટે ૨૯ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ બંધારણની ડ્રાફ્ટિંગ (ખરડા) કમિટીની રચના કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે ડૉ.બી.આર.આંબેડકરની નિમણુક કરવામાં આવી. ખરડા સમિતિએ વિશ્વના દેશોના બંધારણમાંથી જરૂરી પ્રેરણા લઈ કુલ ૩૧૫ આર્ટીકલ, ૨૨ ભાગ અને ૮ પરિશિષ્ટ સહિતનો અસલ મુસદ્દો પૂરો કરી ૧૯૪૮માં બંધારણ સભા સમક્ષ રજુ કર્યો.
સંવિધાનનો અસલ મુસદ્દો તૈયાર થઈ ગયા બાદ સંવિધાન સભામાં ચર્ચા માટે મુકવામાં આવ્યો હતો. ડૉ.રાજેન્દ્રપ્રસાદનાં અધ્યક્ષસાથે બંધારણના મુસદ્દા ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમ્યાન સંવિધાન સભાના સભ્યો દ્વારા ૭૬૩૫ જેટલા સુધારા/વધારા રજુ કરવામાં આવ્યા હતા જે પૈકી ૨૪૭૩ સુધારાઓ મતદાન માટે મુકાયા હતા અને ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસની ચર્ચા – વિચારણાનાં અંતે હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બંધારણ ઉપર બંધારણસભાના સભ્યો સહી કરી તેનો સ્વીકાર કરવામાં આવ્યો. આમ, સમગ્ર સુદીર્ઘ પ્રકારીયાના અંતે ૩૯૫ આર્ટીકલ, ૨૨ ભાગ અને ૮ અનુસૂચી સાથેનું સંવિધાન ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજથી અમલ કરવામાં આવ્યું.
સંવિધાન બનાવવાની કાર્યવાહી દરમ્યાન ૫૩,૦૦૦ લોકોએ કાર્યવાહી સાંભળવા હાજરી આપી હતી અને બંધારણ બનાવવાનો કુલ ખર્ચ રૂ.૬૩,૯૬,૭૨૯ જેટલો થયો હતો. મૂળ બંધારણમાં ૩૯૫ આર્ટીકલ, ૨૨ ભાગ અને ૮ અનુસૂચી હતી જ્યારે ૧૯૫૦થી લઈને ૨૦૧૮ સુધામાં અલગ અલગ ૧૨૩ જેટલા બંધારણીય સુધારાઓ સાથે ૪૪૮ આર્ટીકલ, ૨૫ ભાગ અને ૧૨ પરિશિષ્ટ સાથેનું અદ્યતન બંધારણ અમલમાં છે.