જો તમે ન જાણતા હોય તો તમને જણાવી દઈયે કે જમ્મુ અને કાશ્મીરમાં બે બંધારણ લાગુ પડે છે જેમા એક ભારતનું બંધારણ અને બીજુ જમ્મુ કાશ્મીર રાજ્યનુ પોતાનું બંધારણ. ફક્ત અમુક બાબતોને બાદ કરતા ભારતનું બંધારણ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતુ નથી કેમ કે કલમ – ૩૭૦ અને ૩૫(એ) ના માધ્યમથી જમ્મુ કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો અને કેટલાક વિશેષાધિકારો પ્રાપ્ત થયેલ છે. આથી જમ્મુ કાશ્મીર સરકાર પાસે પોતાના રાજ્યના અલગ કાયદાઓ ઘડવાની તમામ સત્તાઓ છે.
જમ્મુ કાશ્મીરને વિશેષાધિકારો શા માટે?
વર્ષ – ૧૯૪૭માં ભારત જ્યારે આઝાદ થયુ તે વખતે અંગ્રેજો દ્વારા પાકિસ્તાન અને ભારત એમ બે ભાગ પાડવામાં આવ્યા. આ સમયે દેશમાં દેશી રજવાડાઓનું શાસન હતુ અને અંગ્રેજો દ્વારા રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટે અથવા સ્વતંત્ર રહેવા માટેના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. દેશના મોટાભાગના રજવાડાઓ ભારત દેશમાં પોતાનું રાજ્ય ભેળવી દેવાનો નિર્ણય કર્યો હતો પણ તત્કાલિન કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાનમાં જોડાવાના બદલે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યુ હતુ. આથી ભારત કે પાકિસ્તાનમાં ન જોડાયેલા સ્વતંત્ર કાશ્મીર ઉપર પાકિસ્તાને હિંસક હુમલો કરાવ્યો. આ હુમલાના કારણે ભયભીત થઈ મહારાજા હરિસિંહે ભારત સરકાર પાસે લશ્કરી મદદ માંગી, જે મદદ પુરી પાડવા પહેલા ભારત સરકાર વતી એક શરત મુકવામાં આવી કે જો હરિસિંહ ભારત સાથે પોતાનું રાજ્ય જોડે તો ભારત લશ્કરી સહાય કરે. રાજા હરિસિંહે પણ સામે ભારતમાં જોડાવા માટે ભારત સરકાર સામે કેટલીક શરતો મુકી અને જો ભારત સરકાર શરતો માને તો જ ભારતમાં જોડાય. આમ આઝાદી સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારતમાં પોતાનું રજવાડુ ભેળવવા માટે ભારત સરકાર સમક્ષ મુકેલી શરતો સ્વિકારવામાં આવી. આ શરતોના અનુસંધાનમાં આજનું કાશ્મીર ભારતના અન્ય રાજ્યો કરતા વિશેષ અધિકારો અને સત્તા ભોગવી રહ્યુ છે.
ભારતનું બંધારણ અને કાશ્મીર
આઝાદી પછી ભારતની સંવિધાન સભાએ ભારતના બંધારણનું નિર્માણ કર્યુ જે બંધારણમાં મહારાજા હરિસિંહની શરતો મુજબ કાશ્મીરને વિશેષ અધિકારો આપવાની જોગવાઈ અંતર્ગત જમ્મુ કાશ્મીરને પોતાનુ અલગ બંધારણ પ્રાપ્ત થયેલ છે. ભારતના બંધારણની કલમ – ૩૭૦ થી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાને ભારતના કાયદાઓ લાગુ ન પાડવાની સત્તા ધરાવે છે. આ સિવાય કલમ – ૩૫(અ) મુજબ જમ્મુ કાશ્મીરનુ નગરિકત્વ અને સરકારી નોકરીઓ બાબતના નિર્ણય લેવાની સત્તા ફક્ત જમ્મુ કાશ્મીર વિધાનસભાને જ છે. ભારતના બંધારણના આર્ટીકલ – ૧(૨) સાથે બંધારણની અનુસુચિ – ૧ ના ક્રમ નંબર – ૧૫ થી જમ્મુ કાશ્મીર ભારતનુ રાજ્ય માનવામા આવે છે.
કાશ્મીર બંધારણની રચના
જમ્મુ કાશ્મીરનુ બંધારણ બનાવવા માટે જમ્મુ કાશ્મીરના પુખ્ત મતદારો દ્વારા મતદાન કરાવીને સંવિધાન સભાના સદસ્યોને ચુંટવામાં આવ્યા. બંધારણસભામા ચુંટાયેલા સભ્યો દ્વારા ૩૧ ઓક્ટોબર ૧૯૫૧માં પહેલીવાર બેઠક યોજવામાં આવી ત્યારબાદ લગાતાર પાંચ વર્ષ પછે જમ્મુ કાશ્મીરનું બંધારણ બનાવવામાં આવ્યુ અને ૧૭ નવેમ્બર ૧૯૫૭ ના રોજ સંવિધાનસભા દ્વારા અપનાવવામાં અને તા.૨૬ જાન્યુઆરી ૧૯૫૭ ના રોજ સમગ્ર જમ્મુ કાશ્મીર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યુ.
કાશ્મીરના બંધારણની જોગવાઈઓ
- કાશ્મીરના બંધારણના ભાગ – ૨ ની કલમ ૩ માં ઉલ્લેખ કર્યા મુજબ જમ્મુ અને કાશ્મીર સાર્વભૌમ ભારતનુ રાજ્ય છે.
- ભારતના બંધારણની જેમ જ કાશ્મીરના બંધારણમાં પણ કાશ્મીરના નાગરીકોને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, અને બંધુત્વના સિદ્ધાંતને સ્વિકારવામાં આવ્યો છે.
- કાશ્મીરના બંધારણ ભાગ – ૨ કલમ – ૩ માં કરેલ ઉલ્લેખ મુજબ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ કાશ્મીરના રાજાની હકુમતમા જેટલી જમીન હતી તે તમામ વિસ્તાર કાશ્મીરની હદ છે. મતલબ કે પાકિસ્તાનના કબજાનુ ભારત (PoK) પણ કાશ્મીરની જ હદ છે.
- કાશ્મીરના બંધારણની કલમ – ૧૪૪ મુજબ જમ્મુ કાશ્મીરના ભારતના રાષ્ટ્રધ્વજ સિવાય એક રાજ્યધ્વજ પણ હોય છે જે લંબચોરસ આકારનો, લાલ કલરનો જેની વચ્ચે ત્રણ સફેદ ઉભા પટ્ટાઓ અને તેની સામે એક સફેદ રંગનુ હેંડલ હોય છે.
- બંધારણ મુજબ બે ધ્વજ રાખવાની છુટ છે પરંતુ ફક્ત રાજ્યના ધ્વજને એકલા ફરકાવી શકાતો નથી તેમજ ભારતના રાષ્ટ્રધ્વજને પણ બાકીના ભારતમાં મળે એટલો જ સન્માનીય ગણવામાં આવે છે.
- કાશ્મીરના બંધારણની કલમ – ૨૦(અ)ની જોગવાઈ મુજબ કાશ્મીરના નાગરિકોને યુનિવર્સિટિ સુધી મફત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
- બંધારણની કલમ – ૨૨(બ) મુજબ સરકારી કે પ્રાઈવેટ નોકરી કરતી મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન તમામ પ્રકારની મેડિકલ સારવાર મેળવવાનો બંધારણીય અધિકાર છે.
- કલમ – ૨૫ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યનુ બંધારણ રાજ્યમાં અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, કટ્ટરવાદ તેમજ સાંસ્કૃતિક પછાતપણા સામે લડે છે અને સમાજમાં સમાનતા અને ભાઈચારા માટે બિનસાંપ્રદાયિક્તા સાથે આગળ વધે છે. ટુંકમાં ભારતના બંધારણની જેમ કાશ્મીરનું બંધારણ પણ બિનસાંપ્રદાયિક્તા સ્વિકારેલ છે.
- કલમ – ૪૯ મુજબ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં અનુસુચિત જાતિ માટે સીટ અનામત રાખવાની જોગવાઈ છે.
- કલમ – ૪૮ ની જોગવાઈ મુજબ કાશ્મીર વિધાનસભા ૧૧૧ સદસ્યોની બનેલી છે જે પૈકી ૨૪ જગ્યાઓ પાકિસ્તાનના કબજાના કાશ્મીરના લોકો માટે ખાલી છોડી દેવામાં આવે છે.
- કાશ્મીરના બંધારણ મુજબ કાશ્મીરના રાજ્યપાલને “સદર-એ-રીયાસત” અને મુખ્યમંત્રીને “વઝીર-એ-આઝમ” કહેવામાં આવતુ હતુ જે વર્ષ – ૧૯૬૫માં બદલીને ગવર્નર અને મુખ્યમંત્રી કરી દેવામાં આવ્યુ.
- કાશ્મીરના બંધારણમાં સંશોધન, સુધારો, વધારો કે ઘટાડો કરવા માટે વિધાનસભા વિધાનપરિષદ બને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતિની જરૂર પડે છે.
- આ બંધારણ મુજબ કાશ્મીરનો વ્યક્તિ ભારતનો અને કાશ્મીરનો બંન્નેનો નાગરીક ગણાય છે અને કાશ્મીરમાં રહેવાનો, શિક્ષણ લેવાનો, મિલકત ખરીદવાનો અધિકાર ફક્ત કાશ્મીરી નાગરિકોને જ છે.
- જમ્મુ કાશ્મીર અનામત અધિનિયમ – ૨૦૦૪ની જોગવાઈ મુજબ SC-8%, ST-10%, OBC-25% (જેમા નબળી પછાત જ્ઞાતિઓ માટે ૨%, પાકિસ્તાની સીમાવર્તી વિસ્તારોમા રહેતા પછાત વર્ગ માટે ૩% અને પછાત વર્ગ માટે ૨૦%) તેમજ તમામ કેટેગરીમાં એક્સ-આર્મી માટે 6% વિકલાંગ માટે 3% અનામતની જોગવાઈ છે.