કોઈપણ ઘટના બને અને પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા જાઓ ત્યારે પોલીસ અધિકારીઓ નાગરિકોની ‘પ્રથમ માહિતિ’ એટલે કે F.I.R દાખલ કરવાની ના કહે છે તેવા અનુભવ લગભગ તમામને થાય છે. પોલીસ એફ.આઈ.આર નહી લખવા માટે બહાના કાઢે છે, અથવા ધક્કા ખવડાવે છે અથવા પૈસાની માંગણી કરે છે. પોલીસની હેરાનગતિના કારણે તેમજ પોતાના કાયદાકીય અધિકારોની જાણકારી ન હોવાના કારણે FIR નોંધાવ્યા વગર જ પાછા ફરતા હોય છે. ઘણા કિસ્સામાં FIR લખવાના બદલે પોલીસ ફક્ત સાદી અરજી લખીને ફરીયાદીને કાઢી મુકે છે માટે સમાન્ય નાગરિકોમાં કાયદાની જાણકારી વધે તેવા ઉદ્દેશ્યથી આ લેખમાં પોલીસ દ્વારા FIR ન લખવામાં આવે તો સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલાની જાણકારી આપી છે.
એફ.આઈ.આર (F.I.R) એટલે શું?
એફ.આઈ.આર ને અંગ્રેજીમાં “ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ” તેમજ ગુજરાતીમાં “પ્રથમ માહિતિ અહેવાલ” કહેવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ બનાવ કે ઘટનાની પોલીસ સમક્ષ જાહેરાત કરે અને તે જાહેરાત મુજબ પોલીસ સી.આર.પી.સી કલમ – ૧૫૪ મુજબ ગુન્હાની નોંધણી કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક મકાનમાં ચોરી થાય અને જે વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ચોરી અંગેની પ્રથમ માહિતિ પોલીસને આપે તેને ફરીયાદ કહેવાય અને ફરીયાદ આધારે પોલીસ એના ચોપડામાં ચોરીના ગુનાની નોંધ કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે.
ફરીયાદી, ફરીયાદ અને એફ.આઈ.આર એટલે શું?
કોઈપણ ગુનો/ઘટના/અપરાધ કે બનાવની પોલીસને લેખિતમાં કે મૌખિકમાં જાણ કરનાર વ્યક્તિને ફરીયાદી કહેવાય છે. આ ફરીયાદી પોલીસને લેખિત કે મૌખિકમાં જે જાણ કરે તે ફરીયાદ કહેવાય છે અને ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસ સીઆરપીસી – ૧૫૪ મુજબ પોતાના ફરીયાદ રજીસ્ટરમાં નોંધ કરે તેને એફઆઈઆર કહેવાય છે. જો પોલીસ ફરીયાદને સીઆરપીસી-૧૫૪ મુજબ પોતાના રજીસ્ટરમાં નોંધણી ન કરે એવી ફરીયાદને ફક્ત સાદી અરજી ગણવામાં આવે છે.
એફ.આઈ.આર નોંધવાની પ્રક્રિયા
- કોગ્નિઝેબલ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ પોતે / ઘટનાનો સાક્ષી / ઘટના સંબધિત કોઈ સાક્ષી કે ભોગ બનનાર વતી કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુના વિશેની પોલીસને લેખિત કે મૌખિક ફરીયાદ આપી શકે છે.
- જો વ્યક્તિ લખી શકતી ન હોય તો તેણે ઘટના અંગેની હકીકત પોલીસ અધિકારીને મૌખિક રીતે કહેવી જોઈયે અને આ હકીકત પોલીસે લેખિતમાં નોંધવી જોઈયે.
- ફરીયાદ લખાવનાર વ્યક્તિને જેણે ફરીયાદ લખી હોય તે પોલીસ અધિકારીએ ફરીયાદીએ લખાવેલ માહિતી વાંચી સંભળાવવી જોઈયે.
- ફરીયાદની વિગત વાંચી સંભળાવ્યા બાદ ફરીયાદ કરનાર વ્યક્તિએ ફરીયાદની અંતે સહી/અંગુઠો કરવો જોઈયે.
- ફરીયાદ નોંધનાર અધિકારી દ્વારા ફરીયાદ લખાવનારને એફ.આઈ.આરની એક નકલ વિનામુલ્યે મળવી જોઈયે.
- યાદ રાખો કે પોલીસ સ્ટેશનમાં હેડકોન્ટેબલ અને તેનાથી ઉપરના કોઈપણ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ સાંભળી શકે છે અને એફ.આઈ.આર નોંધી શકે છે.
- ફરીયાદ આપવા માટે પોલીસ સ્ટેશને જવુ ફરજીયાત નથી, ૧૦૦ નંબરના માધ્યમથી પોલીસને જાણ કરીને સ્થળ ઉપર પણ ફરીયાદ આપી શકાય છે.
- દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર થી જ થાય છે જે એફ.આઈ.આર ઉપર જણાવ્યા મુજબ સીઆરપીસી – ૧૫૪ મુજબની હોય છે.
ફરીયાદીએ ફરીયાદ આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
- કોઈપણ ઘટના કે બનાવ બન્યા પછી તરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરીયાદ લખાવવી જોઈયે.
- જો ખબર હોય તો ફરીયાદ બનાવ/ઘટના/ગુનાનું કારણ અને તેનો હેતુ જણાવવો જોઈયે.
- બનાવ અંગે ફક્ત સત્ય હકીકત જ લખાવવી જોઈયે અને શક્ય હોય ત્યા સુધી બનાવ/ઘટના વખતે હાજર સાક્ષીના નામ ફરીયાદમાં જરૂર લખાવવા જોઈયે.
- ચોરી, અકસ્માત, ખુન જેવા કિસ્સામાં પોલીસ ઘટનસ્થળે ન આવે ત્યા સુધી બનાવવાળી જગ્યાને જે – તે હાલતમાં જાળવી રાખવી જોઈયે જેથી પુરાવાનો નાશ ન થઈ જાય.
ગુનાના પ્રકાર વિશે માહિતી
પોલીસ અધિકારીઓ દ્વારા ફરીયાદ નોંધવાની ના પાડવા બદલનું એક કારણ ગુન્હાના પ્રકાર છે. ભારતીય દંડ સંહિતાના કાયદા મુજબ જુદા જુદા ગુન્હાઓને મુખ્ય બે પ્રકારના વિભાગમાં વર્ગિકૃત કરવામાં આવેલ છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની ના પાડી શકે છે.
- કોગ્નિઝેબલ (પોલીસ અધિકારના ગુનાઓ) : પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ જેમા ગુન્હાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ સીઆરપીસી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
- નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારના ગુનાઓ) : પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે.
જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તો?
પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો હોય તો પોલીસે પ્રથમ માહિતી મળે એટલે તુરંત જ ફરીયાદ નોંધવી જોઈયે પરંતુ જે કિસ્સામાં ગુનો કોગ્નિઝેબલ હોવા છતાંય જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તેવા સંજોગોમાં
- અપરાધ/ગુનો/ઘટના કે બનાવ અંગેની લેખિતમાં જાણ જીલ્લા પોલીસ વડા અથવા કમિશનરને રૂબરૂમાં અથવા રજી.પોસ્ટ એડી દ્વારા કરવી.
- જો તમે મોકલેલી માહિતી પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો બન્યા જાહેર કરતી હોય તો પોલીસ વડા / કમિશ્નરે તત્કાલિક પગલા લેવા પડે.
- જો પોલીસ વડા / કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો જે – તે હકુમત વિસ્તરની કોર્ટમાં તમામ પુરાવાઓ સાથે લેખિત ફરીયાદ કરવી જોઈયે જેને કોર્ટ ફરીયાદ કહેવામાં આવે છે.
- જો તમારી ફરીયાદ વ્યાજબી લાગે તો ન્યાયધીશ સમગ્ર કેસની તપાસ જાતે કરી શકે અથવા પોલીસ પાસે અથવા ન્યાયધીશને યોગ્ય લાગે તેની પાસે તપાસ કરાવી શકે.
સારી બાબત જાણ કરી ઉજાગર કરવા બદલ ધન્યવાદ
ખૂબ ઉપયોગી માહિતી મળી રહી છે આપના દ્વાર।,,, ઉમદા કાર્ય કર્યું છે,, સલામ છે,,
aavi mahiti to 99% public pase nathi Khub saras Gopalbhai samaj ne mahiti aapva badal
KHUB KHUB DHANYVAD SAHEB