આજે આઠમી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ સમગ્ર વિશ્વની મહિલાઓની સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઉપલબ્ધિઓને ઉજવવા તેમજ સમાજમાં મહિલાઓના નોંધપાત્ર યોગદાનને સ્વિકારવા માટેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જાણીયે છીયે કે પુરી દુનિયાની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વ્યવસ્થા પુરુષપ્રધાન રહી છે માટે દુનિયાના દરેક દેશોમાં વત્તાઓછા અંશે મહિલાઓ સાથે અનેક પ્રકારના ભેદભાવ થઈ રહ્યા છે. મહિલાઓ સાથે થતા ભેદભાવને અટકાવવા માટે તેમજ સમાન અધિકાર આપવા માટે તમામ દેશોએ પોતપોતાને અનુરૂપ કાયદાઓ પણ બનાવ્યા છે.
મહિલાઓના અધિકારોની લડાઈ ખુબ જ લાંબી છે ત્યારે ઉલ્લેખનીય છે કે દેશમાં અસંખ્ય મહિલા સંગઠનો અને એનજીઓ મહિલાઓના ઉત્કર્ષ અને અધિકાર માટે વિવિધ રાજ્યોમાં કાર્ય કરી રહ્યા છે. આ સિવાય સમયે સમયે મહિલાઓએ વિવિધ મુદ્દે આંદોલનો કરી પોતાની વાત સરકાર સમક્ષ રાખવાના પણ અનેક ઉપાયો કર્યા છે ત્યારે ભારતમાં મહિલાઓના અધિકારો અને હક્કોને સત્તાના માધ્યમથી અવાજ અને સમાધાન આપવા માટે ભારતની સૌપ્રથમ મહિલા રાજકીય પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે.
શું છે આ મહિલા રાજકીય પક્ષ? : હૈદરાબાદના જાણીતા સામાજિક કાર્યકર્તા અને વ્યવસાયે ડોક્ટર એવા ડૉ.શ્વેતા શેટ્ટી (ઉ.વ.૩૬) નાઓએ ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાની મહિલાઓ માટેની રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ “નેશનલ વુમન પાર્ટી” રાખવામાં આવ્યુ છે અને આ પાર્ટીનું સુત્ર “માતાઓની પાર્ટી” એવુ રાખવામાં આવ્યુ છે. બે હાથ જોડીને પ્રણામ મુદ્રામાં રહેલી મહિલા એ પાર્ટીનું નિશાન છે.
પાર્ટી બનાવવા પાછળ શું ઉદ્દેશ્ય? : ડૉ. શ્વેતા શેટ્ટીએ જણાવેલ કે આપણી રાજકીય વ્યવસ્થા પણ પુરુષ પ્રધાન છે માટે મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં ખુબ જ તકલીફ પડે છે. તમામ પાર્ટીઓમાં મહિલા પ્રભાગ હોય છે પરંતુ કોઈ પાર્ટી મહિલાઓની વાત સાંભળતી નથી માટે મહિલાઓને પુરતુ રાજકીય પ્રતિનિધિત્વ મળે તે સારૂ લોકસભામાં ૫૦% અનામત મળે એ મુખ્ય લક્ષ છે. આ સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટાયેલી મહિલાના પતિ દ્વારા કરવામાં આવતા વહીવટને રોકવા માટે તેમજ મહિલાઓ વિરુદ્ધના અત્યાચારમાં તેમજ તેમના સામાજિક અને શૈક્ષણિક અધિકારો માટે દેશવ્યાપી એક મજબુત મહિલા રાજકીય સંગઠન બને એવા શુભ ઈરાદાઓ સાથે આ પાર્ટી બનાવવામાં આવી છે.
લોકસભા – ૨૦૧૯માં શું ભુમિકા રહેશે? : નેશનલ વુમન્સ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.શ્વેતા શેટ્ટીએ જણાવ્યા મુજબ મહિલાઓના અવાજને દેશની સંસદમાં રજુ કર કરવા માટે તેઓ આગામી લોકસભા ચુંટણીમાં કુલ – ૫૪૫ માંથી અડધો-અડધ સીટ ઉપર ચુંટણી લડશે. આમ મહિલાઓની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી મહિલાઓના સામાજિક, રાજકિય અને શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ઉત્થાન માટે સક્રિય અને કટીબદ્ધ છે.