ભારતનુ સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે ભારતરત્ન. તાજેતરમાં જ કેંદ્ર સરકારે બે નવા ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ગાયક ભુપેન હઝારીકાને વર્ષ – ૨૦૧૯ ના ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત થઈ ચુકી છે. ભારતરત્ન વિશે ટીવી-છાપાઓ ઘણીવાર વાંચ્યુ હશે પણ આ એવોર્ડ મેળવનાર સરકાર તરફથી શુ મળે છે તેની માહિતિ આજે લઈયે.
કલા, સાહિત્ય, વિજ્ઞાન કે રમતગમત ક્ષેત્રમાં તેમજ જાહેર સેવામાં અસાધારણ પ્રદાન કરનાર મહાનુભવને ભારત રત્ન આપવામાં આવે છે. “ભારત રત્ન” એ ભારત દેશના નાગરિકને સરકાર તરફથી મળતુ સર્વોચ્ચ સન્માન છે જેની શરૂઆત વર્ષ – ૧૯૫૪ થઈ હતી. ભારતમાં સૌ પ્રથમ ભારત રત્ન પ્રખ્યાત વૈજ્ઞાનિક સી.વી.રામનને આપવામાં આવ્યો હતો ત્યારબાદ ૨૦૧૯ના વર્ષની જાહેરાત સહિત આજ સુધીમાં અલગ અલગ ક્ષેત્રના કુલ – ૪૮ એવોર્ડ આપવામાં આવ્યા છે.
એવોર્ડ આપવાની પ્રક્રિયા :
કોઈપણ વ્યક્તિને ભારત રત્ન આપવા માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિને નામોની ભલામણ મોકલવામાં આવે છે. સામાન્ય લોકો રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરી શકતા નથી તેમજ એવોર્ડના નિયમો મુજબ કોઈ એક વર્ષમાં ત્રણથી વધુ લોકોને ભારત રત્ન આપી શકાય નહી.
એવોર્ડ મેળવનારને શું મળે?
ભારત રત્ન સન્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળી સનદ (સર્ટીફિકેટ) તેમજ એક મેડલ મળે છે. આ મેડલ પીપળાના પાનના આકારનુ હોય છે જે ૫.૮ સેમી લંબાઈ તેમજ ૪૭ સેમી પહોળાઈ અને ૩.૧ મીમીની જાડાઈ ધરાવે છે. આ મેડલને બ્રોંઝમાંથી બનાવવામાં આવે છે અને તેના ઉપર ૧.૬ સે.મીની સુર્યની પ્રતિકૃતિ ઉપસાવેલી હોય છે. સુર્યની ઉપસાવેલી પ્રતિકૃતિ નીચે દેવનાગરી લીપિમાં ભારત રત્ન ઉપસાવેલુ હોય છે. આ મેડલની પાછળના ભાગે દેશનુ રાષ્ટ્રીય ચિહ્ન ઉપસાવેલુ હોય છે જેની નીચે દેવનાગરી લિપિમાં સત્ય મેવ જયતે લખેલુ હોય છે. આ મેડલ કલકત્તામાં આવેલ ભારતીય ટંકશાળમાં બને છે અને ૨૦૧૪ ના આંકડા મુજબ મેડલ બનાવવાની તેમજ તેના ઉપર સિમ્બોલ ઉપસાવવાની તેમજ મેડલના બોક્ષ સહિત એક મેડલની કિંમત રૂ.૨,૫૭,૭૩૨ છે.
એવોર્ડ મેળવનારને કેટલા રૂપિયા મળે?
દેશમાં તેમજ વિદેશમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકપ્રિય એવોર્ડ આપવામાં આવે છે જેમા એવોર્ડ મેળવનારને નાણાકિય લાભ પણ આપવામાં આવતો હોય છે પરંતુ ભારત રત્ન મેળવનાર મહાનુભવને કોઈ રકમ આપવામાં આવતી નથી. ભારત રત્ન મેળવનાર વ્યક્તિ પોતાના નામની આગળ કે પાછળ વિશેષણ તરીકે ભારત રત્ન લગાડી શકતા નથી પરંતુ જો તેઓ પોતાના લેટરપેડ ઉપર કે બાયોડેટામાં કે વિઝિટીંગ કાર્ડ ઉપર તેમના નામની આગળ કે પાછળ લખવુ હોય તો “રષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન” અથવા “ભારત રત્ન પ્રાપ્ત કરનાર” એટલુ લખી શકે છે.
એવોર્ડ મેળવનારને શું સુવિધા મળે છે?
ભારત રત્ન મેળવનારને કોઈ આર્થિક લાભ આપવામાં આવતો નથી પરંતુ આ એવોર્ડ મેળવનારને અમુક વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. જે મુજબ ભારત રત્ન મેળવનારને ભારતના કોઈપણ રાજ્યમાં “રાજ્ય અતિથિ” (સ્ટેટ ગેસ્ટ)નો દરજ્જો આપવામાં આવે છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, તમામ રાજ્યોના ગવર્નર, પુર્વ રાષ્ટ્રપતિ, પુર્વ ઉપ રાષ્ટ્રપતિ, પુર્વ વડાપ્રધાન આટલા લોકોને રાજ્ય અતિથિનો દરજ્જો મળેલો છે. જે વ્યક્તિને રાજ્ય અતિથિનો દરજ્જો મળેલો હોય તેના માટે રાજ્યમાં આગમન તેમજ વિદાય સમયે વ્યવસ્થા, રહેવા, જમવા, ફરવા, તેમની સુરક્ષા, એસ્કોર્ટ, તેમજ ફ્રી ફોન કોલિંગ જેવી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
એવોર્ડ મેળવનારને રાજદ્વારી પાસપોર્ટ મળે છે.
ભારત રત્ન પ્રાપ્ત કરનાર મહાનુભવને ભારતીય રાજદ્વારી પાસપોર્ટ મળે છે જે મરૂન કલર નો હોય છે. આ પ્રકારનો પાસપોર્ટ સરકારના ઉચ્ચત્તમ અધિકારીઓ, જાસૂસી સંસ્થાઓ તેમજ ઉચ્ચત્તમ મહાનુભવોને મળે છે. આ મરૂન રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા વ્યક્તિને એરપોર્ટ પર અલાયદુ ઈમિગ્રેશન કાઉન્ટર પ્રાપ્ત થાય છે તેમજ એરપોર્ટ પર વીઆઈપી સુવિધાઓ મેળવી શકે છે. વિદેશ પ્રવાસ દરમ્યાન ભારતીય વિદેશી દુતાવાસો મહાનુભવોને પુરતી મદદ કરે છે. આ સિવાય ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિને સરકારી એરલાઇન્સમાં આજીવન મફત હવાઈ મુસાફરીનો લાભ મળે છે.
Nice &Use Full Information