તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવપુર્ણ માહોલ બન્યો છે ત્યારે ટીવીમાં જુની ઘટનના વિડિયો, તેમજ જાતે જ તુટી પડેલા પ્લેનના ફોટાઓ દર્શાવીને બંન્ને દેશના મિડીયા, છાપામાં અને સોશિયલ મિડીયામાં અનેક જુઠી ખબરો અને ખોટી માહિતિ ફેલાયેલી છે. તાજેતરમાં સેના, યુદ્ધ અને આતંકવાદને લઈને અનેક ખોટી માહિતિઓ પણ ફેલાતા પ્રજામાં ગેરસમજણ, ભય અને બિનજરૂરી આક્રોશ વધે છે એવા કારણોસર અનુજા કપુર નામની વ્યક્તિએ સુપ્રિમ કોર્ટમાં ફેક ન્યુઝને લઈને એક જાહેરહિતની અરજી કરી છે.
શું છે આ અરજીમાં?
અરજદાર અનુજા કપુરે અરજીમાં જણાવ્યુ છે કે, મંગળવારના રોજ ભારત પાકિસ્તાનની હવાઈ કાર્યવાહીથી બંન્ને દેશો વચ્ચે અત્યંત તણાવ વધ્યો છે તેમજ આ તણાવના કારણે સોશિયલ મિડીયા યુદ્ધભુમિમાં ફેરવાઈ ગયુ છે અને લોકો ખોટી માહિતિ અને જુઠા સમાચારોથી ઘેરાઈ ગયા છે”
અરજદારે જણાવ્યુ હતુ કે, મિડીયા દ્વારા ફેક ન્યુઝ અને અફવાઓનો ખુબ જ મારો ચલાવવાના કારણે સમાજમાં ટોળા દ્વારા હત્યા (મોબ લિંચિંગ), કોમવાદી હુલ્લડો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ડહોળાય એવા બનાવો અત્યંત વધવા લાગ્યા છે. અરજદારે પોતાની અરજીમાં “બાળકોનું અપહરણ કરવાવાળી ગેંગ” તેમજ “ગૌહત્યા”ના નામે ફેલાયેલી અફવાઓના કારણે બનેલી કેટલીક ઘટનાઓનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. ટીવીમિડિયા, છાપા અને સોશિયલ મિડીયા દ્વારા ફેલાયેલી અફવાઓએ તાજેતરમાં ઘટેલી મોબ લિંચિંગની ઘટનામાં મોટો ભાગ ભજવ્યો છે.
સોશિયલ મિડીયામાં ખોટી માહિતિ અને જુઠા સમાચારો ફેલાવતા લોકોને સજા કરવા કે દંડ કરવા માટે હાલમાં કોઈ જોગવાઈ નથી. વિવિધ સોશિયલ મિડીયામાં ફેલાવવામાં આવતા ફેક ન્યુઝ રોકવા માટે કોઈ જ કાયદો પણ અમલમાં નથી. તેમજ સોશિયલ મિડીયા અને ટીવી મિડીયા ફેક ન્યુઝ માનવતા વિરૂદ્ધના અને ભારતીય બંધારણના મુળભુત અધિકાર વિરુદ્ધના છે. આથી અરજદારે સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી છે કે ફેક ન્યુઝ સામે મજબુત કાયદો બનાવવા માટે સરકાર કમિટી બનાવે અને જલ્દીથી કાયદો લાગુ કરે.