કાશ્મીર પુલવામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ની દુ:ખદ ઘટના બાદ છેલ્લા ઘણા દિવસથી ભારત – પાકિસ્તાન વચ્ચેના તણાવપુર્ણ માહોલમાં ભારતીય વાયુસેનાએ આતંકી અડ્ડા ઉપર કરેલા હુમલા દરમ્યાન બનેલી એક દુ:ખદ ઘટનામાં ભારતીય વાયુ સેનાના વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાન આર્મી દ્વારા પકડી લેવામાં આવેલ છે અને આ બનાવ પછી યુદ્ધકેદી અંગેની આંતરરાષ્ટ્રીય જીનિવા સંધિ ચર્ચામાં આવી છે. આવો જાણીયે સમગ્ર હકીકતને.
પુર્વ-ઇતિહાસ અને હેન્રી ડનાન્ટ
માનવજાતના યુદ્ધ ઈતિહાસમાં અસંખ્ય હારજીતો સમાયેલી છે. યુદ્ધમાં સૈનિકો અથવા બિન-સૈનિક દેશવાસીઓ દુશ્મન દેશના હાથમાં આવી જાય ત્યા તેમની સાથે અમાનવીય વર્તાવ કરવામાં આવે,ત્રાસ આપવામાં આવે, તેમની હત્યા પણ કરી દેવામાં આવે અથવા કોઈ સંજોગોમાં યુદ્ધમાં પકડાયેલા વ્યક્તિ સાથે સહાનુભુતિપુર્વક પણ વર્તવામાં આવે પરંતુ યુદ્ધ અંગે કોઈ ચોક્કસ નિયમો ન હતા માટે મોટા ભાગે યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પછી અસરગ્રસ્તો માટે માનવીય અભિગમની ખોટ જણાઈ આવતી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઈટાલીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સોલેફેરિનો યુદ્ધ પછી યુદ્ધ અસરગ્રસ્તોની હાલત જોઈને તેનું હદય દ્રવી ઉઠ્યુ. ખુબ જ દુ:ખની સ્થિતિમાં હેન્રી ડનાન્ટે વર્ષ – ૧૮૬૨ માં પહેલીવાર યુદ્ધ પછી યુદ્ધ અસરગ્રસ્તોની કરુણ હાલત ઉપર લખ્યુ હતુ જેને “સોલેફેરિનો મેમરી” કહેવામાં આવે છે. ત્યારબાદ હેન્રી ડનાન્ટે પહેલીવાર યુદ્ધ પછીની અસરગ્રસ્તો માટે એક વિચાર આપ્યો હતો જેમા યુદ્ધ અસરગ્રસ્ત લોકોને માનવતાવાદી મદદ પુરી પાડવા માટે તમામ દેશો ભેગા મળીને પ્રશિક્ષિત(Trained) સ્વયંસેવી રાહત સંગઠનો બનાવે અને યુદ્ધમાં ધાયલ થયેલા સૈનિકો અને બિન-સૈનિકોને તબિબિ તેમજ અન્ય માનવીય મદદ પુરી પાડે એવી વાત મુકવામાં આવી હતી.
રેડ ક્રોસ કમિટી
હેન્રી ડનાન્ટે આપેલા ઉમદા વિચારને ઘણા દેશોએ સ્વિકાર્યો અને આ વિચારને વધુ વ્યાપક રીતે ચર્ચા કરી સારી રીતે અમલમાં મુકવા માટે ડનાન્ટના સભ્યપદ હેઠળ સૌ પ્રથમવાર રેડ-ક્રોસ નામની કમિટિ બનાવવામાં આવી. વર્ષ – ૧૮૬૩માં વિશ્વના કુલ – ૧૨ દેશોના સૈન્ય-તબિબિ પ્રતિનિધિઓ યુદ્ધ સમયે માનવીય મદદ પુરી પાડવા અંગે નિતિનિયમો નક્કી કરવાની બેઠકમાં હાજર રહ્યા અને આ ૧૨ દેશોએ પોતાની સહમતિથી વર્ષ – ૧૮૬૪માં એક સંધી કરી જેને “પ્રથમ જીનિવા સંધી” કહેવામાં આવે છે. યુદ્ધમાં ઘાયલ થયેલા અને યુદ્ધકેદીઓ માટે હેન્રી ડનાન્ટ આજીવન કાર્ય કરતા રહ્યા. તેમને વિશ્વનો સૌ પ્રથમ શાંતિનો નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે.
જીનિવા સંધી શું છે?
જીનિવા સંમેલન (જીનિવા કન્વેન્શન) આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મિટીંગ્સની શ્રેણીઓ હતી જેમાં વિશ્વના દેશો દ્વારા ભેગા મળી યુદ્ધ સમયે તેમજ યુદ્ધ દરમ્યાન અંગે યુદ્ધ પુર્ણ થયા પછીની કેટલીક બાબતો ઉપર સંધી કરી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારમાં ખાસ કરીને “શસસ્ત્ર અથડામણ (યુદ્ધ)માં માનવીય કાયદો”, “ઘાયલ અથવા કબજે થયેલા લશ્કરી કર્મચારીઓ”, ”તબીબી કર્મચારીઓ અને બિન-લશ્કરી નાગરિકોની માનવીય સારવાર” વગેરે બાબતો માટેના આંતરરાષ્ટ્રીય કાયદાઓનો એક જૂથ યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષો. ભારતે આંતરરાષ્ટ્રીય જીનિવા કરાર ઉપર તા.16.12.1949 ના રોજ સહી કરી અને તા.09.11.1950 નો અમલમાં મુક્યુ જ્યારે પાકિસ્તાને તા.12.08.1949 ના રોજ સહી કરી અને તા.12.06.1951થી અમલમાં મુક્યુ.
જીનિવા સંમેલન (૧૮૬૪ થી ૧૯૪૯)
અત્યાર સુધીમાં અલગ અલગ ચાર જીનિવા સંધીઓ કરવામાં આવી છે. જેમા યુદ્ધમાં સામેલ ન થતા લોકો જેવા કે નાગરિકો, તબિબો, અને સહાયરૂપ કામદારો વગેરે અંગે તેમજ યુદ્ધમાં જોડાયેલ પણ યુદ્ધ ન લડી રહેલા જેવા કે ઘાયલ સૈનિકો, માંદા સૈનિકો, વહાણમાં રહેલા સૈનિકો, યુદ્ધના કેદીઓ વગેરે માટે માનવીય અભિગમયુક્ત વર્તન, વ્યવહાર અને મદદની જોગવાઈ કરવામાં આવે છે.
- પ્રથમ જીનિવા સંમેલન (જમીન યુદ્ધ) : વર્ષ – ૧૮૬૪ની આ જીનિવા સંધી જમીન ઉપર “ઘાયલ સૈનિકો તેમજ માંદા સૈનિકોને જમીન ઉપર રક્ષણ” આપવાની પ્રથમ સંઘી હતી જેમાં યુદ્ધ દરમ્યાન જમીન ઉપર ઘાયલ થયેલા સૈનિકો તેમજ બિમાર સૈનિકો સહિત ધાર્મિક અને તબિબિ વ્યક્તિઓને પ્રોટેક્શન આપવાની જોગવાઈ કરવામાં આવી. આ સંધીમાં મેડિકલ ટ્રાન્સપોર્ટેશન અને મેડિકલ યુનિટની અવરજવરને પણ રક્ષણ આપવામાં આવ્યુ. ટુંકમાં યુદ્ધ દરમ્યાન ઘાયલ થયેલા, ધાર્મિક કામ કરતા, બિમાર હોય એવા અને મેડિકલ વ્યવસ્થા સંભાળતા વ્યક્તિઓને સુરક્ષા આપવામાં આવે છે.
- બીજુ જીનિવા સંમેલન (દરીયાઈ યુદ્ધ) : પ્રથમ જીનિવા સંધી અમલમાં મુક્યા પછી તેમા નવા સુધારા અને ઉમેરો કરવા માટે વર્ષ – ૧૯૦૬માં સ્વિસ સરકાર દ્વારા ૩૫ દેશની એક મિટિંગ આયોજિત કરવામાં આવી. આ મિટિંગમાં સમુદ્રમાં રહેલા ઘાયલ, બિમાર અને વહાણમાં હોય એવા સૈનિકોની સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી. આ સિવાય જળયુદ્ધ દરમ્યાન તબિબિ સારવાર ધરાવતા જળજહાજને ટાર્ગેટ ન કરવાની સંધી કરવામાં આવી.
- ત્રીજુ જીનિવા સંમેલન (યુદ્ધકેદી) : વર્ષ – ૧૯૨૯ ની ત્રીજી જીનિવા સંધીથી યુદ્ધ દરમ્યાન જીવતા પક્ડાઈ ગયેલા સૈનિકોના અધિકારો અંગે ઉંડાણપુર્વક ચર્ચા અને જોગવાઈ કરવામાં આવી. યુદ્ધ કેદીને શ્રમ કરાવવા બાબતે, તેના નાણાકિય સંસાધનો બાબતે, તેમને આપવામાં આવતી રાહતો, અને તેમના વિરુદ્ધની ન્યાયિક કાર્યવાહી અંગે વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી. આ સંધીમાં એક ખાસ જોગવાઈ કરવામાં આવી કે યુદ્ધની સમાપ્તિની ઘોષણા થયા પછી વહેલામાં વહેલી તકે યુદ્ધ કેદીને છોડી મુકવો” આમ ત્રીજા જીનિવા સંમેલનની ચર્ચા છેલ્લા બે દિવસથી થઈ રહી છે.
- ચોથુ જીનિવા સંમેલન (નાગરિકો માટે) : અત્યાર સુધીની જોગવાઈઓ યુદ્ધ દરમ્યાન તેમજ યુદ્ધ પછી સૈનિકો માટેની હતી જ્યારે ચોથા જીનિવા સંમેલનમાં સામાન્ય નાગરિકો કે જેઓ યુદ્ધનો ભાગ નથી તેમજ સૈનિક નથી તેમને રક્ષણ આપવાની જોગવાઈ છે.
કેટલીક અગત્યની કલમો :
- કલમ ૩ મુજબ : મુળભુત અધિકાર છે કોઈપણ વ્યક્તિનુ અપમાન કરી શકાતુ નથી તેમજ દુશ્મનના હાથમા આવેલા તમામ સૈનિક અને બિન-સૈનિક વ્યક્તિને માનવીય અભિગમ સાથે જ વર્તન કરવમાં આવે એવી જોગવાઈ છે.
- કલમ ૯ મુજબ : આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થા યુદ્ધ દરમ્યાન ઘવાયેલા કે બિમાર પડેલા સૈનિકોને માનવીય મદદ પુરી પાડે શકે છે.
- કલમ ૧૨ મુજબ : તેમા ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે યુદ્ધ દરમ્યાન પકડાયેલા ઘાયલ કે બિમાર સૈનિકોને માનસિક શારિરિક ત્રાસ આપી શકાય નહી, તેમની હત્યા કરી શકાય નહી, કે તેના શરીર ઉપર કોઈ વૈજ્ઞાનિક પરિક્ષણો કરી શકાય નહી.
- કલમ ૧૩ મુજબ : યુદ્ધકેદીનું સ્વાસ્થ્ય જોખમાય તેવી કોઈપણ પ્રવૃતિ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. યુદ્ધકેદીને લોકોની જિજ્ઞાસાનો વિષય બનવા દેવા ઉપર તેમજ તેના ઉપર હિંસક હુમલો ન થાય વગેરે બાબતથી તેનું રક્ષણ કરવુ.
યુદ્ધકેદી એટલે શુ?
ત્રીજા જીનિવા સંમેલન સંધી મુજબ જાહેર કરેલું યુદ્ધ અથવા અન્ય સશસ્ત્ર અથડામણમાં સૈન્ય દળનો જે વ્યક્તિ દુશ્મન દેશના હાથમા આવી જાય તે યુદ્ધકેદી અથવા યુદ્ધઅટકાયતી કહેવાય. યુદ્ધમાં ભાગ લેવા બદલ યુદ્ધકેદી ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકાય નહી પરંતુ આવા યુદ્ધકેદીને પકડવાનું કારણ તેમને યુદ્ધની કામગીરીમાં ભાગ લેતા રોકવાનું હોય છે અને યુદ્ધ સમાપ્તિની ઘોષણા પછી આવા વ્યક્તિને છોડી મુકવાનો હોય છે.
શું કમાન્ડર અભિનંદન યુદ્ધકેદી છે?
ભારતાના વિદેશ મંત્રાલયએ કરેલ જાહેરાત મુજબ ભારતના એક પાયલોટ ગુમ છે જ્યારે પાકિસ્તાનના મેજર જનરલ ગફુરે કરેલી જાહેરાત મુજબ ભારતના એક પાયલોટ તેમના કબજામાં છે. ટુંકમાં બંનેમાંથી એક પણ દેશે કમાન્ડર અભિનંદનને યુદ્ધકેદી જાહેર કર્યા નથી.
જો કમાન્ડર અભિનંદન યુદ્ધકેદી જાહેર થાય તો?
જો કમાન્ડર અભિનંદનને યુદ્ધકેદી જાહેર કરવમાં આવે તો જીનિવાના ત્રીજા સંમેલનની સંધીની કલમ ૧૧૮ મુજબ યુદ્ધ કે સશસ્ત્ર અથડામણ સમાપ્તિની ઘોષણા પછી યુદ્ધ અભિનંદનને વહેલી તકે છોડી મુકવા પડે, તેમજ જો છોડવામાં મોડુ કરે તો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય વિશેષાધિકારોનો ભંગ કર્યો ગણાય.
જો કે હમણા જ થયેલી જાહેરાત મુજબ વિંગ કમાંડર અભિનંદનને છોડી મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા દેશોમાં યુદ્ધભુમિમાં અત્યંત ધૃણાસ્પદ અને ક્રુર વર્તન કરવામાં આવતુ હોય છે માટે પોતાના દેશના નાગરિકોને સલામત રાખવા તેમજ જરૂરી તબિબિ અને નાગરિક વ્યવસ્થાને દુશ્મનોથી બચાવવા માતે દુનિયાના ૧૯૦ જેટલા દેશ આ જીનિવા સંધી સાથે જોડાયેલ છે.