આપણે અવારનવાર મીડિયામાં, છાપામાં રાષ્ટ્રીય ચિહ્નો વિશે જોયું અને વાંચ્યું હશે. આપણા ઘરે રહેલા કોઈપણ સરકારી કાગળ જેવા કે નેતાઓ કે અધિકારીઓના લેટરપેડ, કોઈ કચેરીના પત્રવ્યવહારમાં કે આપણા ખિસામાં રહેલ સરકારી કાર્ડસ જેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વગેરે તમામ ઉપર પણ રાષ્ટ્રીય ચિહ્ન અંકિત છે પરંતુ આપણે તેના વિશે કોઈ જાણકારી ધરાવતા નથી તો આજે તમને રાષ્ટ્રીય ચિહ્ન અંગે સંપૂર્ણ જાણકારી મળશે.
ચાર સિંહો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચહેરાવાળી આકૃતિ આપણા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે. 26 જાન્યુઆરી 1950ના રોજ આ રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વિકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ વિવિધ સરકારી પત્રો સહિત ભારતની ચલણી નોટોમાં કરવામાં આવે છે.
રાષ્ટ્રીય ચિહ્ન શુ છે?
ઈસવીસન પૂર્વે 3જી સદીમાં મૌર્ય શાસનના મહાન રાજા સમ્રાટ અશોક થયા જે સમ્રાટ અશોકે પોતાના રાજ્યમાં સમાનતા, શાંતિ, કરુણા અને સહનશીલતા અને ક્ષમા વગેરેનો પ્રચાર કરવા કેટલાક સ્થાપત્યો બાંધ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન સમ્રાટ અશોકે બનાવેલા સ્તંભ ઉપરની પ્રતિકૃતિ છે. સમ્રાટ અશોકે પોતાના રાજ્યકાળ દરમ્યાન આવા અનેકવિધ સ્તંભો બનાવ્યા હતા. અશોકસ્તંભ રેતીના પથ્થરોમાંથી બનેલ છે. ભારતના ઉત્તરીય વિસ્તારમાં આજે પણ 19 જેટલા સ્તંભ ઉભા છે. અશોકના સ્તંભોમાં સારનાથ (ઉત્તરપ્રદેશ)નો સ્તંભ ખૂબ જ પ્રખ્યાત છે જે હાલમાં આપણું રાષ્ટ્રીય ચિહ્નન છે. આ સ્તંભનું ઐતિહાસિક મહત્વ પણ છે. આ સ્થળે ભગવાન બુદ્ધે સૌ પ્રથમવાર તેમના પાંચ શિષ્યોને ધર્મનો ઉપદેશ આપ્યો હતો અને પછી આ શિષ્યોએ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આખા વિશ્વમાં કર્યો હતો.
અશોક સ્તંભમાં શુ છે?
- અશોક સ્તંભમાં ચાર દિશા તરફ મોઢું રાખીને બેઠેલા ચાર સિંહની આકૃતિ તેમજ નીચે ચાર દિશામાં હાથી, ઘોડા, આખલો અને સિંહની આકૃતિ છે. આ તમામ આકૃતિ વચ્ચે અશોકચક્ર છે અને તેની નીચે સત્ય મેવ જયતે લખેલ છે.
આ તમામ પ્રતિકૃતિ શુ દર્શાવે છે?
- એકસરખી ઊંચાઈ ધરાવતા ચાર સિંહો સમાજમાં ન્યાય અને સમાનતાનું પ્રતિક તેમજ સમાજની ચારેય દિશામાં સુરક્ષા-સુપરવિઝનનું પ્રતિક પણ છે.
- અશોકસ્તંભમાં રહેલા આ ચાર સિંહ બુદ્ધની મુખ્ય ચાર ફિલોસોફી શક્તિ, બહાદુરી, આત્મવિશ્વાસ અને ગૌરવને પ્રદર્શિત કરે છે.
- ચાર સિંહોની નીચે ચાર દિશામાં હાથી, આખલો, ઘોડો અને સિંહની આકૃતિ છે.
- હાથી બુદ્ધના ગર્ભાધાનનું (બુદ્ધના ગર્ભાધાન વખતે એમની માતાને સપનું આવેલું કે એક સફેદ હાથી બુદ્ધની માતાના ગર્ભમાં આવી રહ્યો છે).
- આખલો એ બુદ્ધની ઝોડિયાક (જ્યોતિષી) ચિહ્નન છે.
- ઘોડો એ બુદ્ધના ઘોડાનું પ્રતીક છે (જ્યારે બુદ્ધ પોતાનો રાજપાટ છોડી જીવનની શોધમાં નીકળેલા ત્યારે ઘોડો લઈને નીકળ્યા હતા એ ઘોડો).
- સિંહની આકૃતિ સ્વંયસિદ્ધિ કે સ્વયંજ્ઞાનપ્રાપ્તિનું પ્રતીક છે. આમ અશોકસ્તંભમાં અંકિત કરેલ ચાર સિંહના ચહેરા, હાથી, ઘોડા, આખલો, સિંહ વગેરેનું એક મહત્વ છે.
- આ સિવાય અશોકસ્તંભમા અશોકચક્રની આકૃતિ પણ કોતરવામાં આવી છે. આ ચક્રને ધર્મચક્ર કહેવામાં આવે છે. આ અશોકચક્રનો ઉપયોગ ભારતના રાષ્ટ્રધ્વજના મધ્યમાં કરવામાં આવ્યો છે.
- રાષ્ટ્રીય ચિહ્નની નીચે અથર્વવેદમાં ઉલ્લેખિત મુંડકોપનિષદનો એક શ્લોક “સત્ય મેવ જયતે” લખવામાં આવ્યો છે. સત્ય મેવ જયતે એ દેશની સત્ય પ્રત્યેની નિષ્ઠા અને નિકટતાનું પ્રતીક છે.
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સવા સો કરોડ દેશવાસીઓના ગૌરવ અને ગર્વનું પ્રતિક છે. રાષ્ટ્રીય ચિહ્ન ભારત સરકારની ઓથોરિટી હોવાથી તેનો અયોગ્ય ઉપયોગ કે દૂરઉપયોગ રોકવા માટે સરકારે “રાષ્ટ્રીય ચિહ્નોનો અયોગ્ય ઉપયોગ પ્રતિબંધ અધિનિયમ – 2005” બનાવેલ છે. આ કાયદા મુજબ ભારત રાષ્ટ્રીય ચિહ્નનો વ્યવસાયિક, ધંધાદારી કે વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી. રાષ્ટ્રીય ચિહ્નોનો દૂરઉપયોગ કરે કે તેનું અપમાન કરે તેને 2 વર્ષની સજા અને 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
રાષ્ટ્રીય ચિહ્નમા આગળ દેખાતા ત્રણ સિંહોની આકૃતિ દેશને શાંતિ, ન્યાય અને સમાનતાનું વચન આપે છે.