આપણે ટીવીમાં છાપામાં અને રાજકીય ભાષણોમાં આપણે અવારનવાર આફસ્પા(AFSPA) કાયદાની વાતો સાંભળી છે. આ કાયદો ઘણી બધી વખત ચર્ચામાં પણ આવ્યો છે અને કેટલીય વાર વિવાદમાં પણ આવ્યો છે. લોકસભામાં અને રાજ્યસભામાં પણ આ સશસ્ત્ર સૈન્ય વિશેષાધિકાર કાયદા અંગે ઉગ્ર ચર્ચાઓ થયેલી છે આ સિવાય સુપ્રિમ કોર્ટથી લઈને સમાજમાં એક્ટિવિસ્ટો દ્વારા કાયદાની વિરુદ્ધામાં અને તરફેણમાં ચર્ચાઓ થઈ છે. આફસ્પા કાયદાની વિરુદ્ધમાં મણીપુરની ઈરોમ શર્મિલા નામની મહિલાએ ૧૬ વર્ષ સુધી ઉપવાસ કર્યા હતા ત્યારે ખરેખર આ કાયદો શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું.
શું છે આ સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાયદો (AFSPA)?
દાયકાઓ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને ઉપદ્રવનો ખુબ જ વધારો થતા રાજ્ય સરકારો દ્વારા આવી હિંસાને રોકવાની અસમર્થતા જાહેર કરવામાં આવી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહીને મદદરૂપ થવા માટે સંસદ દ્વારા 11મી સપ્ટેમ્બર 1958 ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કોઈપણ વિસ્તારમાં કાયદો ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા તે વિસ્તારને “અશાંત ક્ષેત્ર” અથવા “ડિસ્ટર્બ એરિયા” જાહેર કરવામાં આવે છે. આ આફસ્પા કાયદો ફક્ત એ ક્ષેત્રોમાં જ લાગુ પડે છે જેને સરકાર દ્વારા અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય જે વિસ્તારમાં આ કાયદો લાગુ પાડવામાં આવે ત્યાં સેના અથવા સશસ્ત્ર સૈનિક દળ મોકલવામાં આવે છે. ટુંકમાં આફસ્પા કાયદા દ્વારા સૈન્ય દળોને અશાંત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની સત્તા આપવામાં આવે છે.
અશાંત ક્ષેત્ર એટલે શું? કોણ જાહેર કરે?
સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાયદો (AFSPA) ની કલમ-૩ મુજબ જાહેરનામુ બહાર પાડીને કોઈપણ ક્ષેત્ર/વિસ્તારને અશાંત જાહેર કરવામાં આવે છે. કોઈપણ ક્ષેત્રમાં કે વિસ્તારમાં જ્ઞાતિ, વંશ, ભાષા, ધર્મ કે વિસ્તાર આધારે બે સમુહોમાં સામસામે ઉપદ્રવ વધે અને હિંસાઓ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામાના માધ્યમથી તે ક્ષેત્રને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે અશાંત વિસ્તાર નક્કી કરવાની સત્તા રાજ્ય, કેંદ્ર અને કેન્દ્ર શાસિતપ્રદેશને છે પરંતુ અમુક વિસ્તારો પુરતુ કેન્દ્રએ રાજ્યો ઉપર આ જવાબદારી છોડી છે. એક વખત કોઈ ક્ષેત્રને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ત્યા સ્પેશિયલ ફોર્સની હાજરી રહે છે અને જો કોઈ રાજ્ય સરકાર એવી જાહેરાત કરે કે હવે રાજ્યમાં શાંતિ છે તો આ કાયદો પોતાની રીતે જ સમાપ્ત થઈ જાય છે અને સેનાને ત્યાંથી હટાવી લેવામાં આવે છે.
આ કાયદા મુજબ સેનાને શુ સત્તા મળેલી છે?
આ કાયદો અમલમાં આવ્યાથી લઈને આજદિન સુધી ઘણો જ વિવાદમાં રહ્યો છે. આ કાયદાથી સૈન્ય દળોને આપવામાં આવેલી અમુક સત્તાઓ બાબતે વિવિધ સંગઠનોએ પણ ઘણો જ વિરોધ નોંધાવ્યો છે.
- આ કાયદા મુજબ સૈન્ય દળ કોઈપણ વ્યક્તિની ફક્ત શંકાના આધાર ઉપર ધરપકડ કરી શકે છે.
- આ કાયદા મુજબ સૈન્ય દળ કોર્ટની મંજુરી વગર કોઈપણ ઘરની ઝડતી-તપાસ કરી શકે છે અને તપાસ કરવામાં બળપ્રયોગ કરવો પડે તો કરી શકે છે.
- જો કોઈ વ્યક્તિ અશાંતિ ફેલાવી રહ્યો છે અને વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે તો સૈન્ય દળ તેનુ મૃત્યુ થાય ત્યા સુધીનો બળપ્રયોગ કરી શકે છે.
- જો સૈન્ય દળને એવી શંકા હોય કે કોઈ વિદ્રોહી અથવા ઉપદ્રવી વ્યક્તિ કોઈ મકાનમાં છુપાયો છે તો સૈન્ય દળો એ મકાનને બોમ્બથી ઉડાવી શકે છે.
- સૈન્ય દળો કોઈપણ વાહને ઉભા રખાવી તેની તલાશી કરી શકે છે.
- સૈન્ય દળોને શંકા થાય કે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરી શકે છે તો સૈન્ય દળ તેને ગોળી મારી શકે છે.
- સૈન્ય દળો પાંચથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવી શકે છે.
- જો સૈન્ય દળો દ્વારા આ કાયદાનો દુરઉપયોગ કરવામાં આવે, ખોટો ઉપયોગ કરવામા આવે કે ખોટી કાર્યવાહી કરવામાં આવે તો પણ સૈન્ય દળ ઉપર કોઈપણ કોઈપણ કયદેસરની કાર્યવાહી થઈ શકે નહી.
આ કાયદો ક્યાં-ક્યાં લાગુ પડે છે?
સશસ્ત્ર સેના વિશેષાધિકાર અધિનિયમની જરૂર અને વર્ષ 1989માં જ્યારે જમ્મુ અને કાશ્મીરની આસપાસના વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ વધવા લાગી ત્યારે વર્ષ 1990માં આસપાસ કાયદાને કાશ્મીરમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો જે આજે પણ ચાલુ છે. ત્યારબાદ તબક્કાવાર રીતે આસામ, નાગાલેન્ડ મણિપુર (ઈમ્ફાલની સાત વિધાનસભા બેઠક બાદ કરતા) અને અરુણાચલ પ્રદેશના ત્રણ જિલ્લા જેમાં તિરપ ચામલાંગ અને લોંગડીંગમાં કાયદો લાગુ છે. કેન્દ્ર સરકારે ૧/એપ્રિલ/૨૦૧૮માં મેઘાલયમાં આ કાયદો રદ્દ કર્યો હતો. અરુણાચલ પ્રદેશના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ત્રિપુરામાં ૨૦૧૫માં આ કાયદો સમાપ્ત કરવામાં આવ્યો.
આફસ્પા કાયદાની તરફેણમાં દલીલો
- આફસ્પા કાયદાથી મળેલી સત્તાઓના કારણે સશસ્ત્ર દળો હિંસક પ્રવૃત્તિ સામે લડી શકે છે અને દેશની એક્તા અને અખંડિતતા જાળવી શકે છે.
- આફસ્પા કાયદાની શક્તિઓના કારણે જ દેશના અશાંત વિસ્તારો જેવા કે જમ્મુ કાશ્મીર અને પુર્વોત્તર રજ્યોના આતંકી સંગઠન તેમજ ઉલ્ફા જેવા ઉગ્રવાદી સંગઠનો સામે લડવાની સૈન્ય દળોનુ મનોબળ વધ્યુ છે.
- આફસ્પા કાયદાના કારણે જ દેશના અશાંત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાનુ શાસન જાળવી શકાયુ છે.
આફસ્પા કાયદાની વિરુદ્ધમાં દલીલો
- આ કાયદાના કારણે સૈન્ય દળો દમનકારી સત્તા પ્રાપ્ત કરે છે જેનો તેઓ દુરઉપયોગ કરે છે અને નકલી એન્કાઉન્ટર, યૌનશોષણ વગેરે પ્રકારની ઘટનાઓ બને છે.
- આ કાયદો માનવઅધિકારોનુ ઉલ્લંઘન કરે છે.
- આ કાયદાની સરખામણી અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા “રોલેટ એક્ટ” સાથે કરવામાં આવે છે જેમા કોઈપણ વ્યક્તિને ફક્ત શંકાના આધાર ઉપર પકડી લેવામાં આવે છે.
- આ કાયદો નાગરિકોના સંવૈધાનિક મુળ અધિકારોનો ભંગ કરે છે.
આમ આ કાયદો શરૂઆતથી જ વિવાદીત રહ્યો છે. માનવઅધિકાર સંગઠનો આ કાયદનો વિરોધ કરી રહ્યા છે અને એવી દલીલ રજુ કરી રહ્યા છે કે આ કાયદો લાગુ થયાને ૬૦ વર્ષ પછી પણ તેના ઉદ્દેશ્યો સિદ્ધ કરી શક્યો નથી માટે આ કાયદાની સમીક્ષા કરવામાં આવે. અત્રે ઉલ્લેખનિય છે કે, મણીપુરના મલોમ ટાઉનમાં બસની રાહ જોઈ રહેલા ૧૦ લોકોને ગોળીબાર કરી મારી નાખવામાં આવતા આ કાયદાની વિરૂદ્ધમાં મણીપુરની ઈરોમ શર્મિલાએ વર્ષ-૨૦૦૦ થી લઈને વર્ષ-૨૦૧૬ સુધી ઉપવાસ કર્યા હતા.