સરકારી શાળાને મળતી ગ્રાન્ટ વિશે માહિતી મેળવવા માંગો છો? તો જાણો શાળા વ્યવસ્થાપન કમિટીના કાયદા વિશે.

આજકાલ ખાનગી શાળાનો ઉદ્યોગ ફાટી નિકળ્યો છે અને શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરીયાતની વસ્તુનો પણ વેપાર થવા લાગ્યો છે જેનાથી સૌ વાલીઓ પરેશાન છે. બીજી બાજુ સરકારી શાળાની હાલત દિવસે દિવસે સાવ ખરાબ બનતી જાય છે અને ગરીબ પરિવારના બાળકો માટે શિક્ષણ સપનુ બની રહ્યુ છે. આપણે આપણા કાયદાકીય અધિકારો જાણતા ન હોવાના કારણે ખુબ હેરાન થવુ પડે છે ત્યારે બોલે ગુજરાત પ્રજામાં કાયદાકીય જાગૃતિ આવે એવા પ્રયત્ન કરી રહ્યુ છે જે અનુંસંધાનમાં આજના લેખમાં શાળા મેનેજમેન્ટ સમિતી વિશે આપણે ચર્ચા કરવાના છીયે.

શાળા વ્યવસ્થાપન સમિતી (SMC) એટલે શું?

શાળા વ્યવસ્થાપન સમિતીને અંગ્રેજીમા School Management Committee કહેવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ શાળાની દરેક પ્રવૃતિ ઉપર કાયદેસર રીતે નજર રાખી શકે તેમજ શાળાની જાળવણી, ઘટતા ઓરડાનુ બાંધકામ, ઓરડાનું રીપેરિંગ વગેરે જેવા કાર્યો તેમજ મધ્યાહન ભોજન ઉપર દેખરેખ અને નિયંત્રણ તથા અન્ય શાળાકીય પ્રવૃતિમાં વાલીઓ કાયદેસર રીતે ભાગીદારી લઈ શકે એવા સારા ઉદ્દેશ્યથી શાળા વ્યવસ્થાપન સમિતીની રચના કરવામાં આવે છે. ટુંકમાં જેમ જિલ્લાનો વહિવટ કરવા માટે જિલ્લા પંચાયત અને તેના સભ્યો હોય. તાલુકાનો વહિવટ કરવા તાલુકા પંચાયત અને તેના સભ્યો અને ગામનો વહિવટ કરવા ગ્રામ પંચાયત અને તેના સભ્યો હોય એમ શાળાનો વહિવટ કરવા માટે S.M.C હોય છે.

શાળા વ્યવસ્થાપન સમિતીના સભ્ય કોણ હોય?

શાળા વ્યવસ્થાપન સમિતી કુલ – ૧૨ સભ્યોની બનેલી હોય છે જેમા ૭૫% સભ્યો એટલે કે નવ સભ્યો શાળામાં અભાસ કરતા બાળકોના માતા-પિતા કે વાલી હોય છે. આ ૭૫% સભ્યોમાં સમાજના નબળા અને પછાત વર્ગના બાળકોના વાલીઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાનુ રહેશે. આ સિવાય બાકી વધતા ૨૫% એટલે કે ૩ સભ્યોમાં

  • એક સભ્ય સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયત અથવા નગર શિક્ષણ સમિતી નક્કી કરે એવા ચુંટાયેલા સભ્ય હોવા જોઈયે.
  • એક સભ્ય શાળાના શિક્ષકો નક્કી કરે તે શિક્ષક હોવો જોઈયે.
  • એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ અથવા શાળાના બાળકોના વાલી કે જેઓ સમિતીમાં સમાવિષ્ટ હોય તે નક્કી કરે તે વ્યક્તિ

જેવી રીતે ગ્રામ પંચાયતના કે તાલુકા પંચાયતમાં સરપંચ-તલાટી અને તાલુકા પ્રમુખ – તાલુકા વિકાસ અધિકારી હોય એવી જ રીતે શાળા વ્યવસ્થાપન સમિતીમાં સમાવિષ્ટ સભ્યોમાંથી એક સભ્યને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવે છે. શાળાના આચાર્ય અથવા જ્યા આચાર્ય ન હોય તેવી શાળામાં હોદ્દાની રૂઈયે એક્સ-ગ્રેશિયા શિક્ષક સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે. ટુંકમાં જેમ સરપંચ અને તલાટી હોય એમ S.M.Cમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ હોય છે તેમજ જેવી રીતે ગામના વિકાસનુ આયોજન કરવા ગ્રામ સભા ભરાય છે એવી જ રીતે દર ત્રણ મહિને શાળા મેનેજમેન્ટ કમિટીની બેઠક બોલવવાની હોય છે અને આ બેઠક બોલાવવાનુ તેમજ બેઠકમાં થયેલ કાર્યવાહીની લેખિત નોંધ રાખવાનુ કામ સભ્ય સચિવનુ છે.

શાળા વ્યવસ્થાપન સમિતી(SMC)ના કાર્યો

  • શાળાની સંપૂર્ણ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને નિયંત્રણ રાખવું જેમાં ગામની શાળામાં બાળકો અને શિક્ષકોની હાજરી અંગે ધ્યાન રાખવું શિક્ષકો સાથે ચર્ચા કરી એમની મૂંઝવણો અને સમસ્યાઓમાં ઉકેલ કરવામાં મદદરૂપ બનવું તેમ જ શાળા નિયમિત અને વ્યવસ્થિત ચાલે એ માટે ધ્યાન આપવું.
  • શાળા વિકાસની યોજના તૈયાર કરી તેની ભલામણો કરવી જેમાં ગામની શાળાનું આગામી સમયનું લક્ષ નક્કી કરવુ. અમુક વર્ષો પછી શાળા કેવી હશે તે અંગે આયોજન કરવું દાખલા તરીકે આવતા વર્ષમાં દરમિયાન શાળાના દરેક વર્ગમાં કમ્પ્યૂટર હશે વગેરે પ્રકારનુ જરૂરી આયોજન કરવું અને તેના અમલીકરણ માટેની કાર્યવાહી કરવી.
  • શાળામાં આગામી વર્ષે કઈ પ્રવૃત્તિઓ ક્યારે અને કેવી રીતે કરવાની છે તેનું આયોજન કરવું. જેમ કે શિક્ષણ દિનની ઉજવણી કરવા સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવી 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે શાળામાં પ્રદર્શન રાખવું. વેકેશનમાં બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું.

  • શાળાની ભૌતિક સુવિધાઓ માટે પણ આયોજન કરવું જેમ કે ઓરડાનું બાંધકામ રીપેરીંગ, રંગરોગાન વગેરે કામ વેકેશન દરમિયાન કરવું જેથી બાળકોનો અભ્યાસ ન બગડે.
  • આ સિવાય શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર અથવા બીજા કોઈ સ્ત્રોતમાંથી શાળાને મળેલ ગ્રાન્ટના રૂપિયાના વપરાશ કે ખર્ચ ઉપર દેખરેખ રાખવી અને નિયંત્રણ રાખવું.
  • સર્વ શિક્ષા અભિયાન દ્વારા અને અન્ય વિભાગો દ્વારા શાળાના વિકાસ માટે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી શાળા વ્યવસ્થાપન સમિતિની છે.
  • કોઈપણ પ્રકારની ગ્રાન્ટ ક્યાં હેતુ માટે કોના દ્વારા અને કેવી રીતે વાપરવાની છે તેની વિગતવાર ચર્ચા કરવા માટે એસ.એમ.સી ની બેઠક બોલાવી આ બેઠકમાં નક્કી થયા મુજબ જ ગ્રાન્ટનો સમયસર ઉપયોગ થાય એની દેખરેખ રાખવી.

  • SMCના સભ્ય તરીકે શાળા અને ગામ વચ્ચે સેતુ બનાવવો. શિક્ષણના અધિકાર કાયદા વિશે ગામલોકોને જણાવવું અને ગામના અન્ય જાહેર સામૂહિક પ્રસંગો મહોત્સવ કે ગ્રામસભામાં શિક્ષણના અધિકાર વિશે ચર્ચા કરવી.
  • જે વાલીઓના બાળકો શાળાએ નથી જતા એમને સમજાવીને તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલે તે માટે પ્રોત્સાહિત કરવા સમજાવવા તેમજ ગામના પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા સહકારીમંડળી વગેરેમાંથી જરૂરી સહકાર મળી રહે તેવા પ્રયત્નો કરવા.
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ ની કલમ ૨૪ (ક)(ગ) અને કલમ ૨૮ મુજબ સોમવારથી શુક્રવાર દરમિયાન શાળાના કામના કલાકો આઠ કલાક છે અને શનિવારે પાંચ કલાક છે. ધોરણ ૧ થી ૫ માં દરરોજ ઓછામાં ઓછું ૪ કલાક અને ધોરણ ૬ થી ૮ માં ઓછા માં ઓછું પાંચ કલાક શૈક્ષણિક કાર્ય ચાલુ જોઈએ જે બાબતે SMCના સભ્યો તરીકે દેખરેખ રાખવી.
  • શાળામાં શિક્ષકો પૂરતો સમય હાજર રહે તેનું ધ્યાન રાખવું જરૂર જણાય શાળાના આચાર્ય સાથે વ્યક્તિગત ચર્ચા કરવી અને શાળાના વાર્ષિક શૈક્ષણિક આયોજન મુજબ શિક્ષક અભ્યાસક્રમ ચલાવે અને પૂર્ણ કરે તેની કાળજી રાખવી.

  • આ સિવાય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ – ૨૦૦૯ ની કલમ ૨૭માં જોગવાઈ કર્યા મુજબની સરકારી ફરજો સિવાય અન્ય કોઈપણ બિનશૈક્ષણિક ફરજો શિક્ષકને સોંપવામાં આવે નહીં તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખવું તે શાળા વ્યવસ્થાપન સમિતિની મહત્વની જવાબદારી છે.
  • મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ – ૨૦૦૯  ની અનુસૂચિમાં જણાવ્યા મુજબ ધોરણ ૧ થી ૫ માં 60 બાળકો હોય તો બે શિક્ષકો ૬૧ થી ૯૦ બાળકો હોય તો ત્રણ શિક્ષકો એકાણુ થી ૧૨૦ બાળકો હોય તો ચાર શિક્ષકો ૧૨૦ થી ૨૦૦ બાળકો હોય તો પાંચ શિક્ષક હોવા જોઈએ અને ૧૫૦ થી વધુ બાળકો હોય તો પાંચ શિક્ષકો ઉપરાંત એક આચાર્ય હોવા જોઈએ આમ વિદ્યાર્થીદીઠ શિક્ષક નો ગુણોત્તર ૪૦:૧ વધુ વધવો જોઈએ જેની કાળજી રાખવાની જવાબદારી એસ.એમ.સી.સભ્યોની છે.
  • ધોરણ ૬ થી ૮ માં પ્રત્યેક ૩૫ બાળક દીઠ એક શિક્ષક હોવા જોઈએ વર્ગ દીઠ ઓછામાં ઓછો એક શિક્ષક હોવો જોઈએ જેમાં એક શિક્ષક ગણિત વિજ્ઞાન, એક શિક્ષક સામાજિક વિજ્ઞાન અને એક શિક્ષક ભાષાઓ માટે હોવું ફરજીયાત છે જે અંગેની દેખરેખ શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્ય કરવી.

  • દરેક શિક્ષક માટે ઓછામાં ઓછો એક વર્ગખંડ હોવો જોઈએ. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની સુવિધા હોવી જોઈએ પીવાના પાણીની સગવડ હોવી જોઈએ રમત-ગમતના મેદાન ની સગવડ હોવી જોઈએ દરેક શાળામાં પુસ્તકાલય ની સુવિધા હોવી જોઈએ અને શાળામાં શિક્ષક માટે દર અઠવાડિયે કામકાજના ઓછામાં ઓછા ૪૫ કલાક હોવા જઈએ.
  • આ સિવાય બાળકોના શિક્ષણના અધિકારોના ઉલ્લંઘન ખાસ કરીને બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત અથવા શાળા પ્રવેશ નિષેધ કરવો અને આરટીઈ એક્ટ ૨૦૦૯ ની કલમ-૩૨ માં જણાવ્યા મુજબની મળવાપાત્ર નાણાકીય સહાય સમયસર ન ચૂકવવા જેવી બાબતો SMC સભ્યો સ્થાનિક સત્તાતંત્રને ધ્યાને લાવવી.
  • શાળામાં બાળકો માટેની મધ્યાહન ભોજન યોજનાની અમલવારી ઉપર દેખરેખ અને નિયંત્રણ કરવું જેમાં બાળકોને દરરોજ ગરમ અને તાજો જમવાનું મળે તેની કાળજી રાખવી જે – તે દિવસના મેનુમાં જણાવ્યા મુજબની વાનગી બાળકોને મળે તેની ખાતરી રાખવી અને મધ્યાન ભોજન સંચાલક દ્વારા વાપરવામાં આવતી ભોજનસામગ્રી પોષક અને ગુણવત્તાયુક્ત હોય તેની ખાતરી કરવી.
  • શાળાના આવક અને ખર્ચના વાર્ષિક હિસાબો તૈયાર કરવા તેમજ મફત અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત પોતાના કર્તવ્યો અને ફરજો બજાવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિને મળનાર નાણા માટે અલગથી હિસાબો ચાલવા અને તે દરેક વર્ષે ઓડિટ માટે બતાવવાના રહેશે.

આમ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – ૨૦૦૯થી મળેલી સતાની જોગવાઈઓ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતી(SMC)ના સભ્યો શાળાની તમામ પ્રવૃતિ ઉપર સંપુર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખી શકે છે અને શાળાની કામગીરીમાં ભાગ લઈ શકે છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો ફેસબુકમાં શેર કરો અને બોલે ગુજરાત લાઈક કરો તેમજ તમારા ગામની શાળામાં જઈને આજે જ શાળા વ્યવસ્થાપન સમિતીના સભ્યોની માહિતી મેળવો અને તેમની કામગીરી તેમજ ગ્રાન્ટ વિશે પુછપરછ કરો.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat