આ રહ્યા સુરતના અગ્નિકાંડની ઘટનાના અસલી દોષીતો, જાણો.

સુરતની ઘટનામાં આપણે બધાએ ખુબ જ દુઃખ વ્યક્ત કર્યું પરંતુ જવે આ ઘટનાના અસલી આરોપી જાણવા હોય તો આખો લેખ છેલ્લે સુધી વાંચવો રહ્યો.

મારા અંગત અંદાજ મુજબ ભારતમાં દરેક દુર્ઘટના પાછળ 80% કારણો પ્રજામાં જનજાગૃતિનો અભાવ અને 10% સરકારની નીતિઓ તેમજ 10% અધિકારીઓનો ભ્રષ્ટાચાર કે મનમાની..

આપણામાંથી જ હજારો લોકોએ સુરતની ઘટનાના વિડીયો એકબીજાને મોકલ્યા,

કોઈ રાજ નામના વ્યક્તિના સ્ક્રીનશોટ એકબીજાને મોકલીને ગાળો આપી

પછી ફાયર વાહન અંગે સાચી ખોટી અફવા ફેલાવતા મેસેજો ખૂબ જ મુક્યા

સરકારને, વિપક્ષને અને સામાજિક આગેવાનો વગેરે ઉપર માછલાં ધોવાનું કામ પણ કરી લીધું.

મીણબત્તી અને પ્રાર્થનાસભાઓ કરીને ફોટા પણ પાડ્યા..

આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, આને પકડવો જોઈએ વગેરે પ્રકારની કારણ વગરની સલાહો આપી

પરંતુ શુ આપણામાંથી કોઈએ પોતાના વિસ્તારની ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, મામલતદાર ઓફીસ, સસ્તા અનાજની દુકાન, પેટ્રોલપંપ, નગરપાલિકા, બેન્ક, મહાનગરપાલિકા, વીજળી કચેરી, સરકારી શાળાઓ, રેલવે, પોસ્ટ ઓફીસ, પોલીસ સ્ટેશન, જિલ્લા પંચાયત, બસ સ્ટેન્ડ, સરકારી દવાખાના, કલેકટર ઓફીસ, જનસુવિધા કેન્દ્ર, પુસ્તકાલયો, વગેરે જેવી સાર્વજનિક જગ્યાઓ જ્યાં સતત ભીડભાડ રહેતી હોય એવી સરકારી જગ્યાઓમાં ફાયર સેફટીની સુવિધા કેટલી છે તે અંગે રૂબરૂ મુલાકાત લીધી? કોઈ અરજી કરીને ફાયર સુવિધા બાબતે રજુઆત કરી? ..ના

  • જે સુવિધા ઉપલબ્ધ છે તે પૂરતી છે કે નહીં?
  • આ સુવિધાનું છેલ્લે ટેસ્ટિંગ કે ચેકીંગ ક્યારે કરવામાં આવ્યું હતું
  • આકસ્મિક બહાર નીકળવાના દરવાજા, બારી કે રસ્તા છે કે નહીં?
  • જે સુવિધા છે તે સરકારી નિયમો પ્રમાણે છે કે નહીં?
  • છેલ્લે મોક ડ્રિલ ક્યારે થઈ હતી?
  • તારીખ પુરી થઈ છે કે નહીં? રીન્યુ ક્યારે થયું?

આ બધા જ પ્રશ્નો જાણવાનો આપણામાંથી કોઈએ કોઈ જ પ્રયત્ન કર્યો નથી. આપણે બધાએ દુઃખ વ્યક્ત કર્યું પણ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીની સુવિધા નથી તેના વિશે પોતપોતાના વિસ્તારમાં આવેલી કચેરીની રૂબરૂ મુલાકાત લઈ, અરજી આપવાનો આપણી પાસે ટાઈમ નથી…માટે આપણે ભવિષ્યમાં આવી જ કોઈ દુર્ઘટનામાં મરવાનું થઈ શકે છે.

ટૂંકમાં નાગરિક તરીકે આપણે જાગૃત નથી, અને વિશેષમાં આપણે જાગૃત થવા માંગતા પણ નથી. આપણે કોઈ ઘટના ઉપર પ્રતિક્રિયા આપીને આપણી ફરજ બજાવ્યાનો સંતોષ માની લઈએ છીએ..

સરકાર આપણામાંથી જ બને છે અને અધિકારીઓ પણ આપણામાંથી જ બને છે. સમાજનો હિસ્સો મોટો એટલે કે 80% છે જ્યારે આપણામાંથી 10% લોકો સરકાર બને છે અને 10% લોકો સિસ્ટમ બને છે. ઓલઓવર રીતે જોઈએ તો સરકાર અને સિસ્ટમ આપણી વૈચારિક અને વ્યવહારિક સ્થિતિનું પ્રમાણપત્ર અથવા અરીઓ છે.

ધારો કે આ સરકાર, અથવા આ અધિકારી, અથવા આ મેયર કે આ ફાયર સ્ટાફ ન હોત અને કોઈ બીજું હોત તો શુ ઘટના ન બની હોત?? ..ઓફ કોર્સ બની જ હોત પરંતુ જો આપણે સૌ નાગરિક તરીકે જાગૃત હોત, ફાયર કે અન્ય બાબતે બધી જ કાળજી લેતા હોત તો ૧૦૦% ઘટના બનતી નહિ.

ખેર…રાજ ચાવડાના સ્ક્રીનશોટમેં પોસ્ટ કરીને તેને ગાળો દેવાવાળા હજારો લોકોએ પોતે જે બિલ્ડીંગમાં રહે છે અને જે બિલ્ડીંગમાં કામ કરે છે ત્યાં ફાયર સેફટી સુવિધા બરાબર છે કે નહીં? એના વિશે કોઈ જ ધ્યાન નહિ આપ્યું હોય..મૂળમાં આપણે બેદરકાર અને આળસુ પ્રજા છીએ એવું પ્રતિત થાય છે.

આટલી મોટી હોનારત બન્યા પછી પણ લાખો યુવાનો એવા છે જેને ગુજરાત અને ભારતમાં ફાયરના કાયદા અને નિયમોની કોઈ જાણકારી નહિ હોય તેમજ ઘટના બન્યા પછી પણ એને કાયદો જાણવાની જિજ્ઞાસા નહિ થઈ હોય..ફેસબુકમાં સરકારની ટીકા કરતા હજારો યુવાનોને ફાયર સેફટી બાબતે ક્યાં અરજી કરવી, કોને કરવી, અરજીમાં શુ લખવું આવી કાંઈ જ ગતાગમ નહિ પડતી હોય.

હું તમને યાદ કરાવું કે થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ પાસે નાળા ઉપરથી ટ્રક નીચે પડવાના કારણે 45 જેટલા જાનૈયાઓના મરણ થયા હતા. આ ઘટનામાં હકીકતે નાળુ બનાવવાવાળી સરકારી કામગીરીમાં ફોલ્ટના કારણે બની હતી છતાંય એ ઘટના પછી કેટલા સરકારી કામોમાં લોકોએ પ્રજાની સુરક્ષા અંગે સાવચેતી રાખવાનું કામ કર્યું??

આ અગાઉ સુરતની જ એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ત્યાં અકસ્માત થતા 10 જેટલા બાળકોમાં મોત થયા હતા પછી ખબર પડી કે બસના કિલોમીટર પુરા થઈ ગયા હતા, ડ્રાયવર નશામાં હતો વગેરે…પણ એ ઘટના બન્યા પછી કેટલા લોકોએ જાગૃત બનવાની કોશિષ કરી??

ટૂંકમાં સુરતની ઘટના પછી હજારો લોકોએ પ્રતિક્રિયા આપી પણ લગભગ જ કોઈ હશે જેણે આગ લાગે, ભૂકંપ આવે, પુર આવે, કે આકસ્મિક સંજોગોમાં જીવ બચાવવા માટે શુ શુ કરી શકાય તેની જાણકારી મેળવવાની કોશિષ કરી હશે.. આપણે કોઈપણ સારી મોળી ઘટનામાંથી કોઈ સબક લેતા જ નથી અને વારંવાર ઘટનાના શિકાર બનતા જઈએ છીએ.

દરેક ઘટના પછી આપણે સરકારને ભીંસમાં લઈયે છીએ પણ કોઈ ઘટના બનતા પહેલા સરકાર શુ કરે છે છે? કેટલા રૂપિયા કઈ વસ્તુ પાછળ વાપરે છે? કેવી રીતે કટકી થાય છે? બજેટ કેમ થાય છે એ અંગે કોઈ રસ દાખવતા નથી. આપણે ક્ષણિક જાગૃત લોકો છીએ જે દરેક ગંભીર ઘટના વખતે બે દિવસ દેકારો કરીને પછી નવી ઘટના સુધી સુઈ જવાવાળા.

મૂળમાં પ્રજા તરીકે આપણે આપણા હકક, અધિકાર, કાયદો, નિયમો, કે બંધારણને જાણવું નથી એટલા આળસુ છીએ માટે વારંવાર આપણે કમોત મરીયે છીએ અને મરતા રહેવાના છીએ.

સુરતની ઘટના પછી શિખામણ લેવી હોય તો જેટલા લોકો ફેસબુક પર કે ચાર રસ્તા પર મીણબત્તી કરવાથી કાંઈ નહિ થાય પરંતુ દરેક વ્યક્તિ પોતાના રેસિડેન્ટ અને પોતાના કામના સ્થળની એમ બે અરજી કરે તો સિસ્ટમ ઉપર કામ કરવાનું પ્રેશર બને…

સુરતની ઘટના તો બની ગઈ પણ હજુ આખા રાજ્યમાં હજારો જગ્યાએ વીજળીના તાર, ટ્રાન્સફોર્મર, સીએનજી ગાડીઓ, મનફાવે તેવી જગ્યાએ હોટલો-રેસ્ટોરન્ટ, કોઈપણ ફાયર સેફટી વગરની દાબેલી-વડાપાઉં-ચા નાસ્તાની હજારો લારીઓ, આપણા મોતનો સામાન બનીને ઉભી છે અને આપણે પણ ક્યારે આવી ઘટનામાં હોમાઈ જઈએ શુ ખબર? આપણી પાસે ક્યાં ટાઈમ છે જીવવાનો?

છેલ્લે, અઠવાડિયું અઠવાડિયું કથાઓમાં બેસીને ટાઈમ બગાડવાનો ટાઈમ છે પણ જો આપણી પાસે અરજી લખવાનો, ફરિયાદ કરવાનો, રજુઆત કરવાનો, બે ધક્કા ખાઈને કામ કરાવવાનો, કે કાયદા જાણવાનો, નિયમોના અભ્યાસ કરવાનો ટાઈમ નથી તો આપણે ગમે ત્યારે બે મોત મરી શકીએ છીએ…

જાગૃત બનો…કાયદો જાણો

બોલે ગુજરાતના જય ભારત.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat