પોલીસ તમારી ફરીયાદ લખવાની ના પાડે તો તેને બે વર્ષની સજા થઈ શકે છે, જાણો ભારતીય દંડ સંહિતા કલમ – ૧૬૬ વિશે સંપુર્ણ માહિતી.

કોઈપણ ઘટના બને અને પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા જાઓ ત્યારે પોલીસ અધિકારીઓ નાગરિકોની ‘પ્રથમ માહિતી’ એટલે કે F.I.R દાખલ કરવાની ના કહે છે તેવા અનુભવ લગભગ તમામને થાય છે. પોલીસ એફ.આઈ.આર નહી લખવા માટે બહાના કાઢે છે, અથવા ધક્કા ખવડાવે છે અથવા પૈસાની માંગણી કરે છે. પોલીસની હેરાનગતિના કારણે તેમજ પોતાના કાયદાકીય અધિકારોની જાણકારી ન હોવાના કારણે FIR નોંધાવ્યા વગર જ પાછા ફરતા હોય છે. ઘણા કિસ્સામાં FIR લખવાના બદલે પોલીસ ફક્ત સાદી અરજી લખીને ફરીયાદીને કાઢી મુકે છે માટે સમાન્ય નાગરિકોમાં કાયદાની જાણકારી વધે તેવા ઉદ્દેશ્યથી આ લેખમાં પોલીસ દ્વારા FIR ન લખવામાં આવે તો સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલાની જાણકારી આપી છે.

એફ.આઈ.આર (F.I.R) એટલે શું?

એફ.આઈ.આર ને અંગ્રેજીમાં “ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ” તેમજ ગુજરાતીમાં “પ્રથમ માહિતી અહેવાલ” કહેવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ બનાવ કે ઘટનાની પોલીસ સમક્ષ જાહેરાત કરે અને તે જાહેરાત મુજબ પોલીસ સી.આર.પી.સી કલમ – ૧૫૪ મુજબ ગુન્હાની નોંધણી કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સ્થળે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થાય અને આ ઘટના અંગે જેને માર વાગ્યો હોય એ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને પ્રથમ માહિતિ પોલીસને આપે તેને ફરીયાદ કહેવાય અને ફરીયાદ આધારે પોલીસ એના ચોપડામાં મારામારીના ગુનાની નોંધ કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે.

ફરીયાદી, ફરીયાદ અને એફ.આઈ.આર એટલે શું?

કોઈપણ ગુનો/ઘટના/અપરાધ કે બનાવની પોલીસને લેખિતમાં કે મૌખિકમાં જાણ કરનાર વ્યક્તિને ફરીયાદી કહેવાય છે. આ ફરીયાદી પોલીસને લેખિત કે મૌખિકમાં જે જાણ કરે તે ફરીયાદ કહેવાય છે અને ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસ સીઆરપીસી – ૧૫૪ મુજબ પોતાના ફરીયાદ રજીસ્ટરમાં નોંધ કરે તેને એફઆઈઆર કહેવાય છે. જો પોલીસ ફરીયાદને સીઆરપીસી-૧૫૪ મુજબ પોતાના રજીસ્ટરમાં નોંધણી ન કરે એવી ફરીયાદને ફક્ત સાદી અરજી ગણવામાં આવે છે.

ગુનાના પ્રકાર વિશે માહિતી

પોલીસ અધિકારીઓ દ્વારા ફરીયાદ નોંધવાની ના પાડવા બદલનું એક કારણ ગુન્હાના પ્રકાર છે. ભારતીય દંડ સંહિતાના કાયદા મુજબ જુદા જુદા ગુન્હાઓને મુખ્ય બે પ્રકારના વિભાગમાં વર્ગિકૃત કરવામાં આવેલ છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની ના પાડી શકે છે.

  1. કોગ્નિઝેબલ (પોલીસ અધિકારના ગુનાઓ) : પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ જેમા ગુન્હાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ સીઆરપીસી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
  2. નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારના ગુનાઓ) : પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે.

સીઆરપીસી ૧૫૪ શુ છે?

ફોજદારી કાર્યરિતી સંહિતા જેને અંગ્રેજીમા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કહેવામાં આવે છે જેને ટુંકમાં સીઆરપીસી કહેવામાં આવે છે. સીઆરપીસીની કલમ ૧૫૪માં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારના એટલે કે કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ નોંધવા અંગે પોલીસની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કલમ ૧૫૪(૧) : માં જણાવ્યા મુજબ કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ લેખિતમાં અથવા મૌખિકમા પોલીસ સ્ટેશને આપવામાં આવે તો થાણા અધિકારીએ વહેલામાં વહેલી તકે ફરીયાદ નોંધવી જોઈયે. પોલીસ સ્ટેશનના થાણા અધિકારી સામાન્ય રીતે પોલીસ ઈન્સ્પેક્ટર કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગણાય છે. કલમ-૧૫૪(૧) મુજબ ફરીયાદી કોઈ મહિલા હોય અને બલાત્કાર, છેડતી, માનહાની કે મહિલાના ગૌરવભંગની ફરીયાદ હોય તો પોલીસે આવી ફરીયાદ નોંધતી વખતે વિડિયોગ્રાફી કરવી પડે અને પોલીસે ફરીયાદી વ્યક્તિનુ સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવુ જોઈયે. ટુંકમાં કોઈપણ પોલીસ અધિકારના ગુનાની જાણ પોલીસને લેખિત કે મૌખિકમાં કરવામાં આવે તો કલમ – ૧૫૪(૧) મુજબ ફરીયાદ નોંધવી પોલીસની ફરજ છે પરંતુ જો પોલીસ ફરીયાદ ન લખે તો

કલમ ૧૫૪(૩) : માં જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં તમારી લેખિત ફરીયાદ આપ્યા પછી પણ એફ.આઈ.આર નોંધવામાં ન આવે તો તેને જિલ્લા પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરીયાદ આપી શકો છો અને જિલ્લા પોલીસ અધિક્ષક અથવા કમિશ્નરને એવુ લાગે કે કોઈ કોગ્નિઝેબલ ગુનો બનેલ છે તો પોતે એની તપાસ કરે અથવા પોતાના તાબાના પોલીસને એફ.આઈ.આર નોંધવાના આદેશ કરી શકે છે. ટુંકમાં કોઈ કોગ્નિઝેબલ ગુનામાં ૧૫૪(૧) ફરીયાદ ન નોંધવામાં આવે તો તમે ૧૫૪(૩) મુજબ એસ.પી કે કમિશ્નરને ફરીયાદ આપી શકો છો અને જો કમિશ્નર કે એસ.પી પણ તમારી ફરીયાદ ન લખે તો

કલમ ૧૫૪ અને કલમ ૩૬ : માં જણાવ્યા મુજબ કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરીયાદ ડીવાયએસપી, આઈજી, ડીઆઈજી, કે ડીજીને કરી શકો છો અને આ અધિકારીએ તમારી લેખિત ફરીયાદ આધારે કોગ્નિઝેબલ ગુનાની એફ.આઈ.આર નોંધવાનો આદેશ કરવાનો રહે છે પરંતુ જો આ અધિકારી પણ તમારી ફરીયાદ ન લખે તો

કલમ ૧૫૬(૩) : માં જણાવ્યા મુજબ જે – તે પોલીસ સ્ટેશન સંબંધિત જ્યુડિશયલ મેજીસ્ટ્રેટને લેખિતમાં ફરીયાદ કરી શકો છો અને મેજીસ્ટ્રેટ સંબંધિત ગુના બાબતે આગળના આદેશ આપે છે.

જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તો?

  1. દરેક પોલીસ અધિકારીએ કલમ ૧૫૪(૧) મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ નોંધવાની જવાબદારી છે પરંતુ જો કોઈ પોલીસ અધિકારી ગુનો ન નોંધે તો તેના વિરૂદ્ધમાં ભારતીય દંડ સંહિતા કલમ – ૧૬૬(એ)(સી) મુજબ બે વર્ષની સજાને પાત્ર ગુનો નોંધી શકાય છે.
  2. કલમ – ૧૬૬(એ) : માં જણાવ્યા મુજબ “કોઈ સરકારી નોકરને ગુનાની તપાસના કામે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર ગુનાના કામે હાજર રાખવાનો પ્રતિબંધ હોવા છતા જાણીજોઈને કાયદાના દિશાનિર્દેશની અવગણના કરે, અથવા
  3. કલમ – ૧૬૬(સી) : માં જણાવ્યા મુજબ પોલીસ અધિકારીને સીઆરપીસી કલમ-૧૫૪(૧) મુજબ આઈપીસી કલમ ૩૨૬(એ), ૨૩૬(બી), ૩૫૪, ૩૫૪(બી), ૩૭૦, ૩૭૦(એ), ૩૭૬, ૩૭૬(એ), ૩૭૬(એ)(બી), ૩૭૬(બી), ૩૭૬(સી), ૩૭૬(ડી), ૩૭૬(ડી)(એ), ૩૭૬(ડી)(બી), ૩૭૬(ઈ) કે ૫૦૯ મુજબના કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ આપવામાં આવે અને પોલીસ એ ફરીયાદ ન નોંધે તો તે કલમ ૧૬૬(એ)(સી) મુજબ બે વર્ષનો સજાને પાત્ર ગુનો કરે છે.

આમ, પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો હોય તો પોલીસે પ્રથમ માહિતી મળે એટલે તુરંત જ ફરીયાદ નોંધવી જોઈયે પરંતુ જે કિસ્સામાં ગુનો કોગ્નિઝેબલ હોવા છતાંય જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તેવા સંજોગોમાં

  • અપરાધ/ગુનો/ઘટના કે બનાવ અંગેની લેખિતમાં જાણ જીલ્લા પોલીસ વડા અથવા કમિશનરને રૂબરૂમાં અથવા રજી.પોસ્ટ એડી દ્વારા કરવી.
  • જો તમે મોકલેલી માહિતી પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો બન્યા જાહેર કરતી હોય તો પોલીસ વડા / કમિશ્નરે તત્કાલિક પગલા લેવા પડે.
  • જો પોલીસ વડા / કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો જે – તે હકુમત વિસ્તરની કોર્ટમાં તમામ પુરાવાઓ સાથે લેખિત ફરીયાદ કરવી જોઈયે જેને કોર્ટ ફરીયાદ કહેવામાં આવે છે.
  • જો તમારી ફરીયાદ વ્યાજબી લાગે તો ન્યાયધીશ સમગ્ર કેસની તપાસ જાતે કરી શકે અથવા પોલીસ પાસે અથવા ન્યાયધીશને યોગ્ય લાગે તેની પાસે તપાસ કરાવી શકે.
  • અને જો ફરીયાદ ન નોંધાય તો કલમ ૧૬૬ મુજબ પોલીસ વિરૂદ્ધમાં કાયદાની અવજ્ઞા કરવા બદલનો ગુનો નોંધી શકાય છે.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat