આ ભારતીય વ્યક્તિના આંદોલનના કારણે રવિવારે રજા હોય છે,  જાણો રવિવારની રજા અંગેની રસપ્રદ ઐતિહાસિક જાણકારી

આખુ અઠવાડીયુ શારિરીક અને માનસિક શ્રમ કર્યા પછી દરેક વ્યક્તિને રવિવારની રાહ હોય છે. રવિવારની ખુબ જ આતુરતા પુર્વક રાહ જોવામાં આવતી હોય છે અને સોમવારે ફરી પાછા રાબેતા મુજબ કામે ચડવામાં થોડીક આળસ થાય એ આપણા તમામનો સ્વઅનુભવ છે. રવિવારે સરકારી કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો, સ્કુલ, કોલેજ સહિત અનેક જગ્યાઓ ઉપર રજા હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે રવિવારને જ રજા તરીકે કેમ ગણવામાં આવે છે અને કેવા કારણોસર રવિવારે રજા મનાવવામાં આવે છે?

રવિવારની રજાનો ઈતિહાસ

આઝાદી પહેલા ભારતમાં જ્યારે અંગ્રેજોનુ શાસન હતુ ત્યારે મીલમાં મજુરોને સાતેય દિવસ કામ કરવુ પડતુ હતુ અને મીલ મજુરોને એકપણ દિવસની રજા મળતી ન હતી કે આરામ કરવા મળતો ન હતો. જો કે અંગ્રેજો દર રવિવારે ચર્ચામાં જઈને પોતાની ધાર્મિક પ્રક્રિયામાં હાજરી આપતા હતા પણ ભારતીય મજુરો માટે રજાની કોઈ વ્યવસ્થા ન હતી. ખાસ નોંધનીય છે કે રજાને અંગ્રેજીમાં “Holiday” કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં હોલી એટલે પવિત્ર અને ડે એટલે દિવસ એમ હોલીડે એટલે પવિત્ર દિવસ એવું અંગ્રેજો માનતા હતા માટે તેઓ રવિવારે પોતાના ધાર્મિક સ્થળ ચર્ચમાં જવા માટે રવિવારે રજા રાખતા હતા.

મીલ મજુરોનું અઠવાડીક રજા માટેનું આંદોલન

એ સમયમાં ભારતીય મીલ મજુરોના પ્રતિનિધી નેતા શ્રી નારાયણ મેઘાજી લોખંડે હતા તેમણે અંગ્રેજોને રજુઆત કરી કે છ દિવસ કામ કર્યા પછી મજુરોને અઠવાડીયામાં એક દિવસ પોતાના દેશ અને સમાજની સેવા કરવા માટે રજા મળવી જોઈયે. વધુમાં તેઓએ જણાવ્યુ કે, રવિવાર એટલે હિંદુ દેવતા “ખંડોબા”નો દિવસ છે માટે રવિવારને રજાના દિવસ તરીકે જાહેર કરવો જોઈયે. જો કે અંગ્રેજોએ શ્રી નારાયણ મેઘાજી લોખંડેની આ રજુઆતનો અસ્વિકાર કર્યો હતો. શ્રી નારાયણે હાર માની ન હતી અને સતત તેમની લડાઈ ચાલુ રાખી હતી. આખરે સાત વર્ષના સંઘર્ષ બાદ ૧૦-જુન-૧૮૯૦ માં બ્રિટીશ સરકારે રવિવારને રજાના દિવસ તરીકે જાહેર કર્યો.

કોણ હતા શ્રી નારાયણ મેઘાજી લોખંડે?

  • શ્રી લોખંડેને ભારતમાં ૧૯મી સદીની કાપડ મીલોમાં મજુરોની કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવનાર મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે.
  • તેઓ શ્રમ આંદોલનના મુખ્ય નેતા હતા અને તેઓને મીલ યુનિયન આંદોલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
  • શ્રી નારાયણ લોખંડે મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલેના સહયોગી હતા જેમણે ભારતનું પહેલું કામદાર સંગઠન “બોમ્બે મીલ સંગઠન”ની શરૂઆત કરી હતી.
  • તેમના ઐતિહાસિક યોગદાનને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ૨૦૦૫માં તેમના ફોટાવાલી એક ટપાલ ટીકિટ બહાર પાડી હતી.

આમ, શ્રી નારાયણ મેઘાજી લોખંડેના પ્રયત્નોના કારણે દેશના મજુરોને રવિવારે રજા મળતી થઈ તેમજ બપોરે અડધો કલાક જમવાની રજા અને મહિનામાં દર પંદર દિવસે પગાર મલતો થયો હતો. અત્રે ખાસ નોંધવાલાયક છે કે, ભારત સરકારે ક્યારેય રવિવારની રજાની બાબતમાં કોઈ આદેશ કરેલ નથી.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat