સરકારી નોકરીમાં સસ્પેન્ડ અને ડિસમીસ વચ્ચે શું ફરક હોય છે?  જાણો સરળ ભાષામાં કાયદાકીય માહિતી

આપણે અવાર-નવાર છાપાઓમાં કે ટીવીમાં જોતા હોઈયે છીયે કે ફલાણા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. આપણે પણ ઘણીબધી ઘટનાઓમાં સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હોઈયે છીયે. જો કે પ્રજામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોવાના કારણે સરકાર આ બબાતે લોકોને આબાદ રીતે છેતરે છે. બોલે ગુજરાત દ્વારા પ્રજામાં કાયદાકીય જાણકારી પુરી પાડવાનો ઉદ્દેશ્ય સાથે આજે સસ્પેન્ડ અને ડિસમીસ વચ્ચેનો ફરક જાણીશુ.

શુ છે નિયમો?

ભારતના બંધારણની કલમ – ૩૦૯માં કરેલા ઉલ્લેખ મુજબ ગુજરાત મુલ્કી સેવા (વર્તુણક) નિયમો – ૧૯૭૧ તેમજ ગુજરાત મુલ્કી સેવા (શિસ્ત અને અપીલ) નિયમો – ૧૯૭૧ તેમજ ગુજરાત મુલ્કી સેવા (ફરજ પર જોડાવા, પ્રતિનિયુક્તિ, ફરજમોકુફી, બરતરફ અને રૂખસદ) નિયમો – ૨૦૦૨ વગેરે કાયદા દ્વારા ગુજરાત સરકારના દરેક સરકારી કર્મચારી કે અધિકારીને નોકરી વિશેની બાબતોની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બાબતો પોલીસ વિભાગને લાગુ પડતી નથી.

ખાતાકીય તપાસ એટલે શુ?

જ્યારે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી પોતાની કાયદેસરની ફરજ બજાવવામાં બેદરકારી દાખવે, નિષ્કાળજી રાખે, લાંચ લે, અથવા સત્તાનો દુરઉપયોગ કરે અથવા કોઈ કર્મચારી ઉપર પોતાને મળેલી સત્તાના માધ્યમથી કોઈ કામ કરવાનો કે ન કરવાનો ગંભીર આક્ષેપ થાય અથવા કર્મચારી કોઈ ગેરવર્તુણક કરે અથવા તેના વિરૂદ્ધ કોઈ ફરીયાદ કે રજુઆત હોય અથવા તેના વિરૂદ્ધ કોઈ તપાસ ચાલતી હોય અથવા લાંચ લેતા પકડાય ત્યારે જે-તે કર્મચારી ઉપરના આક્ષેપોની ખાતરી કરવા માટે તે કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે. અને ખાતાકીય તપાસના અંતે તેને સજા અથવા ડિસમીસ કરવામાં આવે છે.

સસ્પેન્ડ એટલે શુ?

જે કર્મચારીની વિરૂદ્ધમાં કોઈ ગંભીર પ્રકારના આક્ષેપો હોય તેની સામે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવે છે અને ખાતાકીય તપાસ દરમ્યાન તે કર્મચારી તપાસને પોતાના ફાયદામાં પ્રભાવિત ન કરે તેમજ પોતાની સત્તાથી તપાસના પુરાવાઓ, સાક્ષીઓ કે રેકોર્ડ સાથે છેડછાડ ન કરે એટલા માટે અને સાક્ષીઓ કે ફરીયાદીને સત્તાના માધ્યમથી ડરાવી કે દબાવી ન શકે એટલા માટે કર્મચારીને અમુક નિશ્ચિત સમય માટે સરકારી નોકરીની સત્તાઓ અને ફરજોથી દુર રાખવામાં આવે છે જેને અંગ્રેજીમાં સસ્પેન્ડ અને ગુજરાતીમાં “ફરજ મોકુફી” કહેવામાં આવે છે.

સસ્પેન્ડ થાય પછી શુ?

  • કોઈ કર્મચારી સસ્પેન્ડ (ફરજ મોકુફ) થાય એટલે તેને સરકારી સત્તા, ઓફિસ, હોદ્દો અને કામગીરી છોડવી પડે છે.
  • સસ્પેન્ડ કર્મચારીને જીવનનિર્વાહ માટે ઘરેબેઠા ૫૦% પગાર મળે છે.
  • સસ્પેન્ડ કર્મચારી કોઈ પ્રાઈવેટ નોકરી કરી શકતો નથી, પૈસા વ્યાજે આપી શકે નહી, શેર બજારમાં કામ કરી શકે નહી, રાજકીય બાબતોમાં ભાગ લઈ શકે નહી
  • સસ્પેન્ડ થયેલ કર્મચારી વિરૂદ્ધ તપાસ પુરી ન થાય ત્યા સુધી જ સસ્પેન્ડ ગણાય છે પછી નોકરી પર પાછો લાગી જાય છે.

 

સસ્પેન્ડ થયેલા કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસના પરિણામ

  • ૧) જો કર્મચારીએ ખુબ ગંભીર પ્રકારની ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને ડિસમીસ કરવામાં આવે છે. જેને અંગ્રેજી ભાષામાં ડિસમીસ કે ટર્મિનેટ અને ગુજરાતીમાં ફરજમુક્તિ અથવા બરતરફ કહેવામાં આવે છે. ડિસમિસ થયેલા કર્મચારીને કોઈ સરકારી પગાર મળતો નથી અથવા સરકારી નોકરી મળતી નથી તેમજ નોકરી પર પાછો લેવામાં આવતો નથી.
  • ૨) જો કર્મચારીએ સામાન્ય અથવા નજીવી ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને દંડ, અથવા ઈજાફો અટકાવવાનુ અથવા અન્ય કોઈ નાની સજા કરીને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે.
  • ૩) જો કર્મચારી કોઈ ગેરવર્તુણક કર્યાનુ સાબિત ન થાય તો તેને સરકારી નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે.
  • ૪) જો ખાતાકીય તપાસ બે વર્ષ સુધી પણ પુરી ન થાય તો કર્મચારીને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે.
  • ૫) સસ્પેન્ડ થયેલા કર્મચારીને બીજી જગ્યાએ ફરજ ઉપર હાજર કરી દેવામાં આવે છે કારણ કે જો Same જગ્યાએ હાજર થાય તો ફરીયાદી અથવા તેના જુનિયર સ્ટાફ સાથે બદલાની ભાવનાથી વર્તન કરી શકે છે.

ટુંકમાં મોટાભાગના કિસ્સામાં સરકારી કર્મચારી ઉપર આક્ષેપ થાય ત્યારે તેને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકુફ કરવામાં આવે છે અને ખાતાકીય તપાસના અંતે સમાન્ય સજા કરીને અથવા નિર્દોષ જાહેર કરીને કર્મચારીને બીજી જગ્યાએ નોકરી પર હાજર કરી લેવામાં આવે છે.

જ્યારે ખુબ જ ઓછા કિસ્સામાં કર્મચારીને ડિસમીસ એટલે કે ફરજમુક્ત – બરતરફ કે રૂખસદ કરવામાં આવે છે જેમાં કર્મચારીને સરકારી નોકરીમાંથી કાયમી ધોરણે કાઢી નાખવામાં આવ્યો ગણાય.

આ લેખ તમને ગમ્યો હોય તો ફેસબુક પર શેર કર્જો, લાઇક કરો અમારૂ પેજ Bole Gujarat

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat