આગોતરા જામીન એટલે શું? આગોતરા જામીન અંગે અગત્યની કાયદાકીય માહિતી અને જાણકારી.

આપણા દેશમાં કાયદાના શિક્ષણનો સદંતર અભાવ છે અને શિક્ષણમાં કાયદો ન હોવાના કારણે લોકોમાં કાયદાનું જ્ઞાન નથી. કાયદાની સામાન્ય જાણકારી ન હોવાના લીધે સામાન્ય નાગરિક કાયદાની જોગવાઈનો ભોગ બને છે, ભ્રષ્ટાચાર કરવો પડે છે અને અન્યાય સહન કરવો પડે છે. રાજ્યના નાગરીકો સુધી કાયદાની સામાન્ય અને રોજબરોજમાં ઉપયોગી એવી માહિતી પહોચાડી શકાય એ માટે બોલે ગુજરાતના માધ્યમથી એક પ્રયત્ન કરવામાં આવે છે.
આપણે અવાર નવાર છાપાઓમાં અને ટીવીમાં આગોતરા જામીન અંગે વાંચ્યું તેમજ સાંભળ્યું જ છે. મોટા નેતાઓ, અધિકારીઓ, સેલિબ્રિટીઓ વગેરેના કિસ્સામાં આગોતરા જામીનનાના સમાચારો સતત ટીવીમાં આવતા હોય છે પરંતુ આગોતરા જામીન શું છે તેની આપણને ખબર નથી, આગોતરા કોને મળે? કોણ આપે? કયા કાયદા મુજબ આગોતરા મળે? વગેરે જાણકારી આજે આપણે મેળવીશું.

ગુનો એટલે શું?

  • એવું કૃત્ય જેને કોઈપણ કાયદા દ્વારા ગુનો ગણવામાં આવેલ હોય તેવા કૃત્યને ગુનો કહેવાય. એવું કોઈપણ કૃત્ય જે બીજાનાં અધિકારોનો ભંગ કરે અથવા બીજાને નુકશાન કે ઈજા પહોચાડે અથવા સમાજ ઉપર જેની ખારાબ અસર પડે એવા તમામ કૃત્યોને ગુનો ગણવામાં આવે છે. સીઆરપીસીમાં જણાવેલ ગુનાની વ્યાખ્યા મુજબ “કોઈ વિદ્યમાન કાયદા દ્વારા સજાપાત્ર ગુનો ગણવામાં આવેલું કોઈ કૃત્ય અથવા ભૂલ કે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે”

ગુના અંગે કયો કાયદો છે?

  • ભારત દેશના કાયદા મુજબ કોઈપણ પ્રકારના ગુનાની વ્યાખ્યા તેમજ ગુનાની સજાની જોગવાઈનો કાયદો “ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦”નો કાયદો અમલમાં છે. ચોરી. લુંટ, મારામારી, છેતરપીંડી, નકલી નોટો, બલાત્કાર, ખૂન જેવા અનેક ગુનાઓની વ્યાખ્યા અને તેની સજાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. આ કાયદાને ટૂંકમાં આઈપીસી કહેવામાં આવે છે. આ સિવાય કોઈ વિશેષ બાબતો અંગેના ગુનાઓ જેવા કે એટ્રોસીટી, હથોયારબંધી, દારૂબંધી, બાળશોષણ વગેરે માટે અલગથી કાયદાઓ અમલમાં છે.

ગુના અંગે પોલીસ / કોર્ટ કાર્યવાહી ચલાવવા માટે?

  • કોઈપણ ગુનો બને તેમાં પોલીસ ફરિયાદથી લઈને તપાસ, પંચનામું, ઝડતી, નિવેદન, મેડીકલ તપાસ, મુદ્દામાલ જપ્તી અને ચાર્જશીટ સુધીની પોલીસની સત્તા તેમજ ચાર્જશીટથી લઈને આરોપીને જામીન ઉપર છોડવા, સજા કરવા કે નિર્દોષ છોડવા સુધીની તમામ અદાલતી કાર્યવાહી જે કાયદા મુજબ કરવામાં આવે છે તે કાર્યવાહી માટે “ફોજદારી કાર્યરીતી સંહિતા – ૧૯૭૩”નો કાયદો અમલમાં છે. આ કાયદાને ટૂંકમાં સીઆરપીસી કહેવામાં છે. સીઆરપીસીનાં કાયદામાં ફરિયાદી, આરોપી, પોલીસ, કોર્ટ અને વકીલને મળેલી સત્તાઓ, અધિકારો અને તેમની ફરજોનો તેનો ઉલ્લેખ છે.

ગુનાઓનાં પ્રકાર

  1. જામીનપાત્ર ગુનાઓ : જામીનપાત્ર ગુનાઓ પ્રમાણમાં ઓછા ગંભીર હોય છે જેમાં આરોપીને જામીન ઉપર છૂટવાનો અધિકાર છે. જામીનપાત્ર ગુનામાં ધરપકડ થયેલ વ્યક્તિ દ્વારા અદાલતમાં જામીન રજુ કર્યે વ્યક્તિ જામીન ઉપર છૂટી શકે છે તેમજ પોલીસને પણ જામીન આપવાની સત્તા હોય છે. આવા ગુનાઓમાં સામાન્ય મારામારી, બોલાચાલી, જાહેરનામાંભંગ, ચોરી, વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
  2. બિન-જામીનપાત્ર ગુનાઓ : બિન-જામીનપાત્ર ગુનાઓ પ્રમાણમાં ગંભીર ગુનાઓ હોય છે અને આવા ગુનામાં આરોપીને જામીન ઉપર છુટવાનો અધિકાર નથી પરંતુ આવા ગુનાઓમાં આરોપી જામીન એ ન્યાયાધીશની વિવેકબુદ્ધિને આધારિત હોય છે. આવા ગુનાઓમાં ખૂન, બલાત્કાર, ખૂનની કોશિષ, લુંટ, ઘાડ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

જામીન એટલે શું?

  • ઉપર જણાવ્યા મુજબ જામીનપાત્ર ગુનાઓમાં કોર્ટ અથવા પોલીસ જામીન આપે છે. જામીન એટલે એવી પ્રક્રિયા કે જેમાં કોર્ટ જ્યારે ઈચ્છે ત્યારે વ્યક્તિને હાજર રહેવાનું ફરમાન. સીઆરપીસીનાં કાયદા મુજબ વ્યક્તિને જામીન મળે છે પણ આ કાયદામાં જામીનની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. ટૂંકમાં જામીન એટલે આરોપી અને અદાલત વચ્ચેનો લેખિત કરાર કે જેમાં અદાલત જ્યારે ઈચ્છે ત્યારે આરોપી અદાલત સમક્ષ હાજર રહે તેવું કબુલાતનામું. વ્યક્તિને એક વખત જામીન આપવામાં આવે તેનો મતલબ આરોપી ગુનામાંથી હંમેશા માટે છૂટી ગયો એવો થતો નથી. વ્યક્તિ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહીથી નિર્દોષ અથવા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેણે કોર્ટમાં આવવું પડે છે.

જામીન કેટલા પ્રકારના હોય?

  1. રેગ્યુલર બેઈલ (નિયમિત જામીન) : એટલે કોઈપણ જામીનપાત્ર ગુનામાં ધરપકડ થયેલા વ્યક્તિને અદાલત દ્વારા અથવા પોલીસ દ્વારા આપવામાં જામીન અથવા ધરપકડ થયેલા વ્યક્તિ જેલમાં હોય તેનું ચાર્જશીટ થયા પછી આરોપીને આપવામાં જામીનને રેગ્યુલર જામીન કહેવામાં આવે છે.
  2. એન્ટીસીપેટરી બેઈલ (આગોતરા જામીન) : એટલે જ્યારે કોઈ વ્યક્તિએ બિન-જામીનપાત્ર ગુનો કર્યો હોય અથવા કોઈ બિન-જામીનપાત્ર ગુનામાં પોલીસ તેની ધરપકડ કરશે તેવો પાક્કો અંદાજ હોય અથવા વ્યક્તિએ જે ગુનો કર્યો નથી તે ગુનામાં પોલીસ પકડશે એવી શંકા હોય ત્યારે શંકાનાં આધારે આરોપી વ્યક્તિ પોતાની ધરપકડ ટાળવા માટે અદાલત પાસે આગોતરા જામીન માંગી શકે છે. આગોતરા જામીન એટલે કોઈ બિનજામીનપાત્ર ગુનામાં વ્યક્તિની ધરપકડ ઉપર ન્યાયિક પ્રતિબંધ મુકવો અથવા ધરપકડ સ્થગિત કરવી.

આગોતરા જામીનમાં શું હોય?

  1. કોઈપણ ગુનામાં અદાલત આરોપીને આગોતરા જામીન આપી શકે છે.
  2. આગોતરા જામીન આપવાની સત્તા ફક્ત જીલ્લા અને સત્ર અદાલત (સેશન્સ કોર્ટ) તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટને જ છે.
  3. આગોતરા જામીન આપતી વખતે અદાલતને યોગ્ય લાગે તેવી શરતો અને બંધનો આરોપી ઉપર લાગુ કરી શકે છે.
  4. અદાલત જ્યારે ઈચ્છે ત્યારે આગોતરા જામીન મેળવનાર વ્યક્તિ અદાલત સમક્ષ હાજર રહે એવો આદેશ કરી શકે છે.
  5. આગોતરા જામીન ઉપર છુટ્યા બાદ આરોપી ફરિયાદ પક્ષને કે સાક્ષીઓને ડરાવી, ધમકાવી, લલચાવી કે પુરાવાઓને નુકશાન પહોચાડે નહિ તેવા આદેશો કરવામાં કરવામાં આવે છે.
  6. આગોતરા જામીન ઉપર છુટેલ વ્યક્તિએ પોલીસ સ્ટેશન જઈ પોતાની ધરપકડ કરવાની રહે છે અને પોલીસ તરત જ તેને જામીન ઉપર છોડી મુકે છે.
  7. જો સેશન્સ કોર્ટને યોગ્ય લાગે તો આગોતરા જામીન અરજી નામંજૂર પણ કરી શકે છે અને આરોપી ઈચ્છે તો સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારી શકે છે.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

10 COMMENTS

  1. Bahuj saras bole gujarat…
    Decent chhe…tamaru kaam..
    Developers tame tamara aa blog ne android app ma convert karavo evi mari ichha chhe..

  2. I want to know some act about unofficially use simbol four lion with satyamevjate witch act punishment

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat