આજે ૨૩/જુન “વિશ્વ વિધવા દિવસ” નિમિત્તે વિધવા મહિલાના કાયદાકીય અધિકારો વિશે જાણકારી.

જે મહિલાનો પતિ મરણ પામે તેને આપણે વિધવા તરીકે ઓળખીયે છીયે. ભારતીય સમાજ વ્યવસ્થા હજારો વર્ષોથી કેટલાય પ્રકારની અસમાનતા અને ભેદભાવ ભરેલી રહી છે. આપણી સમાજ વ્યવસ્થામાં વિધવા મહિલા પ્રત્યે તિરસ્કાર અને ધૃણા જોવા મળે છે. આ સિવાય વિધવા મહિલાઓને અન્ય મહિલા કરતા પણ  નિમ્ન દરજ્જાથી જોવામાં આવે છે. જેનો પતિ મૃત્યુ પામે તે સ્ત્રીએ પતિ પાછળ સતી થઈ જવાની અમાનવીય પ્રથાથી લઈને આજની સમાજ વ્યવસ્થા સુધી ઘણા બદલાવ પણ આવ્યા છે. જો કે સમાજ ભલે ગમે તેટલો અન્યાય કરે પણ ભારતનું બંધારણ અને કાયદાઓ મહિલાઓના અધિકારનું રક્ષણ કરે છે. આજે વિશ્વ વિધવા દિવસ (૨૩/જુન/૨૦૧૯) છે અને આજના બોલે ગુજરાતમાં આપણે વિધવા મહિલાઓના અધિકાર વિશે માહિતી મેળવીએ.

તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટના એક ચુકાદાના કારણે વિધવા સ્ત્રીના અધિકારની ચર્ચાનો ઉદભવ થયેલ છે. આ કેસમાં એક સ્ત્રી પોતાન પતિ સાથે સાસરીમાં રહેતી હતી. તેનો પતિ અને બનેવી બંન્ને સંયુક્ત ભાગીદારીમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા. અચાનક તેનો પતિ મરી જાય છે અને તેની સાસરીવાળા મહિલાને તેમજ તેના બાળકોને સાસરીના ઘરમાં રહેવા દેવા માંગતા નથી આથી મહિલા કોર્ટમાં જાય છે. નીચલી કોર્ટ દ્વારા મહિલાને ૪૦૦૦ તેમજ બાળકોને ૨૦૦૦ ચુકવવાનો આદેશ કરે છે જેને હાઈકોર્ટ પણ માન્ય રાખે છે અને છેલ્લે મેટર સુપ્રિમ કોર્ટ જાય છે જ્યા સુપ્રિમ કોર્ટ પુરુષના બનેવીને મહિલાનો નિભાવ ખર્ચ આપવાનો ઓર્ડર કરે છે.

શુ છે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને કાયદો?

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ અને જસ્ટીસ હેમંત ગુપ્તા બંનેની બેચે ચુકાદ આપતા જણાવેલ કે, હિંદુ અવિભક્ત કુંટબના કિસ્સામાં જ્યારે વિધવા મહિલાને પોતાના પતિના ઘરે રહેવા દેવામાં ન આવે ત્યારે વિધવા મહિલાને સુરક્ષિત અને મજબુત બનાવવા માટે “મહિલાને ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો કાયદો – ૨૦૦૫”ની કલમ – ૨(ક્યુ) મુજબ પતિના પરિવારવાળા કે સગાઓ કે ભાગીદારો પાસેથી રાહત મેળવી શકાય છે. આમ કલમ – ૨(ક્યુ) આધારે સુપ્રિમ કોર્ટે પતિના બનેવીને વિધવા મહિલાનુ ભરણપોષણ કરવાનો ઓર્ડર કર્યો હતો. જસ્ટીસ ધનંજય ચંન્દ્રચુડે પોતાના ચુકાદામાં કહ્યુ કે, “ લગ્નની સંબંધમાં જોડાયેલી અથવા લગ્ન જેવા જ સંબંધમાં રહેતી કોઈ દુ:ખી પત્ની અથવા મહિલા પોતાન પતિ અથવા પુરુષ અથવા પુરુષ ભાગીદારના સંબંધી સામે ફરિયાદ નોંધાવી શકે છે.

શુ છે કલમ – ૨(ક્યુ)?

કોઈપણ મહિલાને પોતાના પરિવારમાં કે સાસરીમાં માનસિક કે શારીરિક કનડગત ન થાય તે સારૂ એક કાયદો બનાવવામાં આવ્યો છે જેને અંગ્રેજીમાં The Protection of Women from Domestic Violence Act 2005 જેને ગુજરાતીમાં ઘરેલુ હિંસા (રક્ષણ) અધિનિયમ – ૨૦૦૫ કહેવામાં આવે છે. આ કાયદાની કલમ – ૨(ક્યુ) માં જણાવ્યા મુજબ. “આ કાયદા મુજબ જવાબદાર એટલે કોઈપણ પુખ્ત ઉંમરનો પુરુષ જે દુ:ખી વ્યક્તિ સાથે કોઈપણ ઘરેલુ સંબંધથી જોડાયેલ હોય અથવા હતો તેની સામે દુ:ખી વ્યક્તિએ રાહતની માંગણી કરી હોય તે વ્યક્તિ. લગ્ન સંબંધ કે અન્ય કોઈ ઘરેલુ સંબંધથી જોડાયેલી દુ:ખી મહિલા કે પત્ની તેના પતિ કે પતિના સગાઓ અથવા પુરુષ ભાગીદાર સામે ફરીયાદ કરી શકે છે.

આ સિવાય વિધવા મહિલાઓને તેમના અધિકાર આપવા માટે બીજા ઘણા કાયદાઓ  છે જેમા “The Hindu Succession Act 1956” ગુજરાતીમાં “હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956”ની કલમ – ૮ મુજબ વિધવા મહિલાને તેના મૃતક પતિની તમામ મિલકતમાં પુરતો ભાગ મેળવવાનો અધિકાર છે. પતિના મૃત્યુ પછી પણ મહિલાની આર્થિક સલામતી અને અધિકારોની જાળવણી માટે આ જોગવાઈ કરવામાં આવી છે.

ભારતના બંધારણની જોગવાઈઓ દ્વારા મહિલાઓને વધુમાં વધુ અધિકારો આપી તેમનુ શોષણ અટકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહિલાઓના અધિકાર માટે “The Hindu Adoptions and Maintenance Act 1956” ગુજરાતીમાં “ધ હિંદુ દત્તકગ્રહણ અને સારસંભાળ અધિનિયમ – ૧૯૫૬”ની કલમ – ૧૯માં જણાવ્યા મુજબ, “જો વિધવા મહિલા પોતાની કમાણીથી અથવા મિલકતથી પોતાનુ ભરણપોષણ કરવા સક્ષમ ન હોય અથવા મહિલા પાસે પોતાની મિલકત ન હોય અથવા મહિલા પોતાના પતિની મિલકતમાંથી કે પોતાના પિયરમાંથી ભરણપોષણ ન મેળવી શકતી હોય તેવા સંજોગોમાં મૃતક પતિના પિતા એટલે કે સસરાએ વિધવા મહિલાની કાળજી લેવી જોઈયે.

અત્રે ખાસ નોંધવા લાયક છે કે “ધ હિંદુ દત્તકગ્રહણ અને સારસંભાળ અધિનિયમ – ૧૯૫૬”ની કલમ – ૨૧(૩)માં જણાવ્યા મુજબ મહિલા જ્યા સુધી બીજા લગન ન કરે ત્યા સુધી જ વિધવા ગણવામાં આવે છે. તેમજ કલમ – ૨૨ મુજબ “જો કોઈ વિધવા કે આશ્રિત મહિલાને મૃત વ્યક્તિની મિલકતમાં કોઈ હિસ્સો પ્રાપ્ત થયો નથી, તો મૃત વ્યક્તિના કાયદેસર વારસદારોની જવાબદારી છે કે જ્યારે મિલકતની વહેંચણી કરે ત્યારે આશ્રિત વ્યક્તિ માટે પણ યોગ્ય ભાગ કાઢવો જોઈશે.

જો કે ભારતમાં મહિલાઓ માટે ઘણા બધા કાયદાઓ છે પણ વિધવા મહિલાઓ માટે અલગથી કોઈ કાયદો નથી. ઉલ્લેખનીય છે કે વિધવાઓના અધિકારોને સુરક્ષિત કરવા માટે છેલ્લે વર્ષ – ૨૦૧૫માં સંસદમાં “The Widows (Protection And Maintenance) Bill, 2015” ગુજરાતીમા “ધ વિધવા (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2015” રજુ થયુ હતુ. આ બિલમાં વિધવા તેમજ ત્યક્તા મહિલાઓને અધિકાર આપવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. આ બિલ જો કાયદો બને તો દેશમાં સૌ પ્રથમવાર “રાષ્ટ્રીય વિધવા કલ્યાણ બોર્ડ” બનાવવાની તેમજ “વિધવા કલ્યાણ ફંડ” ઉભુ કરવાની જોગવાઈ હતી પરંતુ દુર્ભાગ્યપુર્ણ રીતે આ બિલ હજુ સુધી આગળ વધી શક્યુ નથી.

મહિલાઓનો દરજ્જો સુધરે, સમાજની માનસિકતા બદલાય, વિધવાઓ સ્ત્રીઓને પોતાના અધિકાર મળે અને સમાજમાં સન્માનપુર્વક રહી શકે એ દિશામાં આપણે કાનૂની રીતે તેમજ સામાજિક રીતે ઘણુ અંતર કાપવાનુ બાકી છે.

બોલે ગુજરાત નો આ લેખ ફેસબુક પર શેર કરો અને અમારૂ પેજ લાઈક કરો, કાયદાકીય માહિતી મેળવો.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat