જાતિવાદ નાબુદ કરવા માટેની આ સરકારી યોજના વિશે તમે ક્યારેય નહી સાંભળ્યુ હોય, દરેક રાજ્યમાં આ યોજના લાગુ કરવી જોઈયે.

છેલ્લા ઘણા દિવસથી દલિત અત્યાચારની અનેક ઘટના સામે આવી છે. આ સિવાય દેશભરમાં છાશવારે જાતિ આધારિત અત્યાચારની અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને થોડાક દિવસ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને પક્ષ-વિપક્ષના બુમબરાડા વચ્ચે નવી ઘટના ન બને ત્યા સુધી સન્નાટો ફેલાઈ જાય છે. જાતિવાદ ફક્ત દલિતોને જ નહી પરંતુ તમામ જાતિઓના વિકાસ માટે બાધારૂપ છે. જાતિની ભાવના એક વૈચારિક સ્વરૂપ છે અને આ વૈચારિક સુગ દુર કરવાનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રયત્ન દક્ષિણ ભારતમાં જાહેર કરેલી યોજના વિશે તમે ક્યારેય નહી સાંભળ્યુ હોય.

કોણ હતા રામાસ્વામી પેરિયાર?

ઈરોડે વેંકટપ્પા રામાસ્વામી પેરિયાર દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ સમાજસુધારક હતા. તેઓ તામિલ રાષ્ટ્રવાદી, રાજનેતા હતા અને તેમના ચાહકો તેને માનથી પેરિયારના નામથી બોલાવતા હતા. પેરિયારનો મતલબ પવિત્ર આત્મા અથવા સમ્માનિત વ્યક્તિ થાય છે. રામાસ્વામી પેરિયારે ‘આત્મસમ્માન આંદોલન’  અને ‘દ્રવિડ આંદોલન’ શરૂ કર્યું હતું. તેને જસ્ટિસ પાર્ટી બનાવી, જેનુ બાદમાં નામ ‘દ્રવિડ કડગમ’ થઈ ગયું. આત્મસન્માનના આંદોલનથી દલિતો અને મહિલાઓના આત્મગૌરવ અને જીવનધોરણ સુધારવાની લડાઈ લડતા હતા અને તેઓ સામાજિક સમાનતામાં માનતા હતા.

શું સમાથુવાપુરમ યોજના?

સમાથુવાપુરમ એટલે સમાનતાયુક્ત ગામડુ,  રામાસ્વામી પેરિયારના સમાનતાલક્ષી આદર્શો અને વિચારોને આગળ વધારવા માટે તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કરુણાનિધિ દ્વારા વર્ષ ૧૯૯૭-૯૮માં “સમાથુવાપુરમ” નામની એક યોજના બનાવી. આ યોજના અનુસાર સરકાર દ્વારા ગામડાઓમાં સરકારી જમીન પર મોડેલ વસાહતો (સોસાયટી) બનાવે છે અને આ વસાહતોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, વિજળી વગેરે જેવુ પુરુ પાડે છે. અને આ સોસાયટીના મકાનો તમામ સમાજના મકાનવિહોણા લોકોને ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા બાંધવામાં આવેલી સોસાયટીને સમાથવાપુરમ કહેવામાં આવે છે અને સૌથી પહેલી સમાથુવાપુરમ ૧૭/ઓગસ્ટ/૧૯૯૮ના રોજ ઉદઘાટન કરવામાં આવેલ અને અત્યાર સુધીમાં ૧૪૫ જેટલી સમાથુવાપુરમ વસાહતો બનાવવામાં આવી છે.

આ યોજનાની વિશેષતા શું છે?

આ યોજના અંતર્ગત ૧૦૦ મકાનોની એક વસાહત બનાવવામાં આવે છે જેમાં સ્ટ્રીટ લાઈટ, સસ્તા અનાજની દુકાન, દરેક ઘરમાં શૌચાલય સહિતની સુવિધા હોય છે અને આ પ્રકારે બનેલા મકાન ફાળવણીમાં અનુસુચિત જાતિ(SC)-40, પછાત વર્ગ(BC)-25, અતિપછાત(MBC)-25 અને અન્ય(other)-10 આવી રીતે મકાનની ફાળવણી કરવામાં આવે છે તેમજ દરેક કેટેગરિમાં વિકલાંગ વ્યક્તિને ત્રણ ટકા અનામત મળે છે. જે વ્યક્તિ સામેચાલીને આ સામાથુવાપુરમમાં રહેવા માટે તૈયાર થાય તેની પાસેથી પ્રતિજ્ઞાપત્ર લઈ તેનુ સિલેક્શન કરવામાં આવે છે.  સમાજિક ન્યાયના સિદ્ધાંતને અને સમાજની વૈચારિક સુગ દુર થાય તેવા ઉદ્દેશ્યથી તમામ જ્ઞાતિના લોકોને ત્યાં મકાન આપવામાં આવે છે જેથી લાંબા ગાળે લોકોમાં એકબીજા પ્રત્યેના ઉંચનીચના ભેદભાવ દૂર થાય.

સમાથુવાપુરમમાં સોસાયટી અને મકાનની સુવિધાઓ

સમાથુવાપુરમમાં બનેલા મકાનમાં એક બેડરૂમ, એક હોલ, રસોડુ, અને બાથરૂમ તેમજ ચોકડી વાળુ મકાન આપવામાં આવે છે. રસોડામાં ધુમાડો ન થાય તેવી ચિમની તેમજ ગેસ મુકવાનું સ્ટેન્ડ પણ આપવામાં આવે છે. આ સિવાય સમગ્ર સમાથુવાપુરમ વસાહતમાં ઓવરહેડ પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ, રોડ, પ્રાથમિક આરોગ્યની સુવિધા, સસ્તા અનાજની દુકાન, શાળા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા, અપડાઉન કરતા વ્યક્તિઓ માટે બસસ્ટેશન કે છાપરાની વ્યવસ્થા, ટપાલ નાખવા માટેનુ પોસ્ટબોક્સ, કચરાપેટીઓ, સમાથુવાપુરમ વસાહત ફરતે કંપાઉન્ડ દિવાલ કે તાર ફેન્સિંગ, સંયુક્ત સ્મશાન, સમાજિક અને ધાર્મિક કાર્યક્રમો કરવા માટે કોમ્યુનિટી હોલ, મનોરંજન માટે ટીવી રૂમ, બાળકો માટે ક્રિડાંગણ, બગિચો, વગેરે સહિતની સુવિધા સરકાર દ્વારા આ સમાથુવાપુરમમાં પુરી પાડવામાં આવે છે.

 

સમાથુવાપુરમ વસાહતના કેટલાક નિયમો

આ યોજનામાં મકાન લેવા ઈચ્છુક વ્યક્તિએ સરકારને લેખિતમાં પ્રતિજ્ઞાપત્ર આપવું પડે છે કે હુ સમાથુવાપુરમમાં રહેવા ઈચ્છુ છુ અને હુ સમાનતા, ગૌરવ અને સન્માન જાળવીશ તેમજ જ્ઞાતિ કે ધર્મના આધાર પર કોઈપણ પ્રકારનો પક્ષપાત કરીશ નહી. સમાથુવાપુરમમાં રહેવા ઈચ્છુક વ્યક્તિ વસાહતમાં પોતાનુ અલગ ધર્મસ્થાન બનાવી શકતો નથી કે પોતાના તહેવારો અલ રીતે ઉજવી શકે નહી. તમામ તહેવારો અને પુજા-પ્રાર્થના-ઈબાદત એક જ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવે. કોઈપણ મરણ પ્રસંગે અલગ સ્મશાન એક જ ધર્મમાં અલગ અલગ પ્રકારની મૃત્યુક્રિયા કરી શકાય નહી. સમાથુવાપુરમ વસાહતમાં કોઈપણ સામાજિક કે ધાર્મિક વ્યક્તિનું પુતળુ મુકી શકાય નહી. જે વ્યક્તિને મકાન મળે તે વ્યક્તિ ૧૫ વર્ષ સુધી મકાન ભાડે આપી શકે નહી, ખાલી કરી શકે નહી કે વેચી શકે નહી અને દરેક મકાનધારકે ઓછામાં ઓછા બે વૃક્ષ ઉછેરવા ફરજીયાત છે. સમાથુવાપુરમમાં કોઈપણ વ્યક્તિ પડતર જમીન દબાણ કરી શકતો નથી.

 

આ સિવાય દરેક મકાનની આગળના ભાગમાં દિવાલ ઉપર સુત્રો લખવાના હોય છે જેમા ૧) ચાલો ધાર્મિક સંવાદિદતા જાળવીયે ૨) ચાલો અસ્પૃશ્યતા નાબુદી કરીયે ૩) ચાલો સમાનતા તરફ આગળ વધીયે અને કોમવાદ તેમજ જ્ઞાતિવાદ દૂર કરીયે ૪) ચાલો માનવતા વધારીયે ૫) ચાલો નશો/વ્યસન છોડીયે અને આપના પરિવારની કાળજી લઈએ ૬) અસ્પૃશ્યતા એ પાપ છે અને સમાથુવાપુરમના માધ્યમથી જ્ઞાતિવાદ દૂર કરીયે. આવા સુત્રો દરેક મકાનની દિવાલ ઉપર લખીને નવી પેઢીના મનમાંથી ભેદભાવના વિચારો દુર કરવાનુ પણ સરકારનું આયોજન છે.

સરકારના એક રિપોર્ટ અનુસાર ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલી વસાહતમાં આજે પણ લોકો એકબીજાની સાથે હળીમળીને રહે છે અને ત્યા લાઈબ્રેરી, દુધમંડળી, સ્કુલ, બગીચા જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. આ સિવાય સમાથુવાપુરમ ગામમાં જ્યારે કોઈ મરણ થાય ત્યારે ગામના ગેટ ઉપર કાળો ઝંડો ફરકાવવામાં આવે છે અને તમામ માટે એક સંયુક્ત સ્મશાનમાં જ અંતિમક્રિયા કરવામાં આવે છે. દરેક તહેવારો સૌ સાથે મળીને ઉજવે છે.

 

રોટી કપડા અને મકાન એ દરેક માણસની પ્રાથમિક જરૂરીયાત છે ત્યારે રોટી અને કપડા તો માણસ ગમે તેમ કરીને મેળવી લે છે પણ મકાન લેવા માટે જીંદગી પણ પુરી થઈ જાય છે. આમ, મકાન મેળવવા માટે માણસ પોતાની દંભી, રૂઢીગત કે પરંપરાગત માન્યતા છોડવા તૈયાર થઈ જાય એવા અભિગમથી દરેક રાજ્યોમાં ખાસ કરીને ગામડાઓમાં આવી સમાનતાયુક્ત યોજના કરવી જોઈયે જ્યા લોકો પોતાની ઈચ્છાથી એકબીજાની સાથે રહે અને પેઢી-બે-પેઢી સાથે રહેવાથી તમામ પ્રકારની માનસિક સુગથી માણસ દુર થઈ અને સૌ સાથે હળીમળીને રહી શકે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat