લોકસભા ગૃહમાં સાંસદસભ્યો માટે બેઠક વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવે છે, જાણો સંસદના નિયમો વિશે

ભારતીય લોકશાહી શાસન પ્રણાલીમા લોકસભા એક અગત્યનું અંગ છે. આપણે તમામ જાણીયે છીયે કે પ્રજા દ્વારા મતદાન કરીને સીધા ચુંટવામા આવતા સાંસદસભ્યો લોકસભામા જાય છે જ્યા વિવિધ કાયદાઓ બને છે અને દેશના વિકાસલક્ષી ચર્ચાઓ, અંદાજપત્રો, કમિટીઓ વગેરે બનાવવામા આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત લોકસભા – ૨૦૧૪ની ચુંટણી પછી કોંગ્રેસ પાર્ટીએ તેને ફાળવવામાં આવતી બેઠક ઉપરાંત પ્રથમ હરોળમાં બે વધારાની બેઠકની માંગણી કરી હતી. સદનમાં પ્રથમ હરોળમા બેઠક મેળવવી એ દરેક રાજકીય પાર્ટી માટે હંમેશા પ્રતિષ્ઠાનો સવાલ રહ્યો છે ત્યારે ચુંટાયેલા કે અપક્ષ જીત મેળવેલા જનપ્રતિનિધિઓની લોકસભામા બેઠક ફાળવણી કઈ રીતે કરવામા આવે છે તેના અંગે જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે.

લોકસભાની કુલ બેઠક ક્ષમતા :

લોકસભા ગૃહમા કુલ – ૫૫૦ સદસ્યોની બેઠક વ્યવસ્થા અસ્તિત્વમાં છે. આ તમામ બેઠકોને એક બ્લોકમાં ૧૧ હરોળ એવા છ બ્લોકમાં વહેંચી દેવામાં આવી છે. લોકસભા સ્પીકરના જમણા હાથ તરફ બ્લોક નં.૧ જેમા કુલ – ૯૭ બેઠક તેમજ ડાબા હાથ તરફ બ્લોક નં.૬ જેમા કુલ – ૯૭ બેઠક હોય છે. આ સિવાય અન્ય ચાર બ્લોક જેમા દરેક બ્લોકમાં ૮૯ બેઠક હોય છે. લોકસભા સ્પીકરના જમણા હાથ તરફ શાસક પક્ષના સભ્યો તેમજ ડાબા હાથ તરફ વિરોધ પક્ષના સભ્યો બેસે છે. ડેપ્યુટી સ્પીકર ડાબી તરફથી પ્રથમ હરોળમા બેસે છે.

લોકસભામા ગૃહમાં બેઠક વ્યવસ્થા નક્કી કોણ કરે?

લોકસભાની કાર્યવાહીને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ગૃહના કેટલાક નિયમો બનાવવામાં આવે છે જે નિયમોને “Rules of Procedure and Conduct of Business” કહેવામાં છે. આ નિયમોની કલમ – ૪ મુજબ દરેક સભ્યોએ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે તે પ્રમાણે બેસવાનુ હોય છે. લોકસભાના અન્ય નિયમ Directions by the Speaker ના નિયમ નં.૧૨૨(૧)(a)થી લોકસભાના અધ્યક્ષને સદસ્યોની બેઠક વ્યવસ્થા નક્કી કરવાની સત્તા પ્રાપ્ત થયેલી છે. આ સત્તા મુજબ રાજકીય પાર્ટીની સભ્ય સંખ્યા તેમજ સદનમા કુલ ઉપલબ્ધ સંખ્યાના પ્રમાણમાં અધ્યક્ષ બેઠક વ્યવસ્થા નક્કી કરી શકે છે.

Source : www.Factly.in

લોકસભામાં બેઠક ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે?

આપણે ઉપર જોયુ તેમ સદનમા પ્રથમ હરોળમાં બેસવુ એ દરેક રાજકીય પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે ત્યારે લોકસભાની પહેલી, બીજી, ત્રીજી એમ છેલ્લે સુધી દરેક હરોળમાં કઈ રાજકીય પાર્ટીના કેટલા સદસ્યોને બેઠક મળશે એ નક્કી કરવામાં માટે નીચે મુજબનુ ગાણિતિક સુત્ર ઉપયોગમાં લેવામાં આવે છે.

Source : www.Factly.in

ઉદાહરણ તરીકે આપણે તમામ છ બ્લોકની મળીને પ્રથમ હરોળમાં કુલ – ૨૦ બેઠક હોય છે. ઉપરોક્ત ગણતરી મુજબ જોઇયે તો ભાજપ પાસે હાલમાં ૨૮૦ સીટ તેમજ સાથી પક્ષો NDAની મળીને કુલ ૩૩૦ સીટ છે. માટે ઉપરોક્ત સુત્રની ગણતરી મુજબ ભાજપને બ્લોક ૧ થી ૬ માં પ્રથમ હરોળમાં કુલ – ૨૦ માંથી ૧૨ બેઠકો મળે જ્યારે કોંગ્રેસ પાસે હાલમાં ૪૪ સીટ હોવાથી ગણતરી મુજબ તેને આગલી હરોળમાં ફક્ત બે સીટ મળે, એવી જ રીતે TMC, AIADMK વગેરે પાર્ટીને આગળી લાઈનમાં બે સીટ મળે.

પાર્ટીઓની બેઠક ફાળવણી પછી શું થાય?

ઉપરોક્ત ગાણિતિક સુત્ર દ્વારા લોકસભાગૃહની દરેક હરોળમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે નક્કી કરવામાં આવ્યા બાદ દરેક રાજકીય પાર્ટીની ભલામણ અનુસાર તેમની પાર્ટીના સદસ્યોને જે – તે હરોળની બેઠક પર બેસવાની અધ્યક્ષ દ્વારા મંજુરી આપવામાં આવે છે.

જે પાર્ટીમાં ૫ કરતા ઓછા સભ્યો હોય અથવા અપક્ષ માટે શું?

નાની રાજકિય પાર્ટીઓ અથવા ઓછા સભ્ય ધરાવતી પાર્ટીઓ અથવા અપક્ષોને બેઠક ફાળવણી કરતી વખતે લોકસભાના અધ્યક્ષ નીચે મુજબની બે બાબતો ધ્યાને લઈને બેઠક વ્યવસ્થા નક્કી કરે છે.

  • સદસ્યની લોકસભામાં વરિષ્ટતા (સિનિયોરીટી)
  • જાહેર જીવનમાં પ્રતિષ્ઠા અને સન્માન

આ રીતે જોઈયે તો મુલાયમસિંહ યાદવ અને એચ.ડી.દેવગૌડા પાસે લોકસભામાં પુરતા સભ્યો ન હોવા છતા પણ તેમને લોકસભામાં સિનિયોરીટી અને જાહેરજીવનની પ્રતિષ્ઠાના આધારે પ્રથમ હરોળમાં બેઠક આપવામાં આવતી હતી.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat