બંધારણની કલમ – ૧૯માં આપેલા વાણી સ્વાતંત્ર્યનાં અધિકારો વિશે જાણો

ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે અને બંધારણનાં માધ્યમથી દેશના નાગરીકોને ઘણા-બધા અધિકારો આપવામાં આવ્યા છે. આ કોલમમાં આપણે તબક્કાવાર રીતે બંધારણની અગત્યની જોગવાઈઓ તેમજ અન્ય બાબતો વિશે જાણીશું. આપણે સૌ અવાર નવાર વાણી-સ્વતંત્રતા વિશે વાતો કરતા હોઈએ છીએ પણ તેના વિશે આપણને કોઈ માહિતી હોતી નથી.

ભારતના બંધારણની કલમ – ૧૯માં નાગરીકોને ૬ અધિકારો આપવામાં આવ્યા છે. અગાઉ સાત અધિકારો આપેલ હતા પણ બંધારણનાં ૪૪માં સુધારાથી વર્ષ – ૧૯૭૮માં કલમ – ૧૯(૧)(f)માં આપેલ મિલકત ધારણ કરવાનો અધિકાર રદ્દ કરી દેવામાં આવ્યો એટલે હાલમાં ૬ અધિકારો મળેલ છે.

કલમ – ૧૯(૧)(a) થી વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે.
વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય લોકશાહી માટે સૌથી જરૂરી અધિકાર છે. ભારત દેશનો દરેક નાગરિક પોતાની માન્યતા મુજબનો મત રજુ કરવાનો અધિકાર ધરાવે છે. આ કલમને વિસ્તૃત રીતે સમજીએ તો પોતાના અથવા અન્યનાં મતનો પ્રચાર કરવો, અખબારોનો ફેલાવો કરવો, ધંધાકીય જાહેરાતો આપવી, ટેલીકાસ્ટ કરવું, માહિતી અધિકાર, છાપવું, શાંતિપૂર્વક સરઘસ કે રેલી કાઢવી, વિરોધ પ્રદર્શન કરવાનો હક્ક, ટેલીફોન ટેપ કરવા, બંધ કે હડતાલનું આયોજન કરવું વગેરે તમામ જેવી બાબતો આ કલમ મુજબ નાગરીકોનો અધિકાર છે. જો કે વાણી સ્વાતંત્ર્યનાં અધિકાર ઉપર અમુક નિયંત્રણો પણ મુકવામાં આવ્યા જેમાં અદાલતનો તિરસ્કાર કરવો, દેશની અખંડીતતા ભંગ થાય, વિદેશ સાથે દેશના મૈત્રી સબંધો ઉપર અસર થાય, રાષ્ટ્રની સલામતી જોખમાય, ગુનાની ઉશ્કેરણી થાય, જાહેર વ્યવસ્થા બગડે વગેરે બાબતો ઉપર વ્યાજબી નિયંત્રણ મુકવાની રાજ્યની સત્તા છે.

કલમ – ૧૯(૧)(b) થી શાંતિપૂર્વક રીતે અને હથિયાર વગર એકઠા થવાનો અધિકાર મળેલ છે.
આ કલમથી દરેક નાગરિકને જાહેર સમારંભો યોજવાનો, સભાઓ કરવાનો, મેળાવડા કરવાનો, વિરોધ પ્રદર્શન કરવાનો વગેરે હક્ક મળેલ છે. જો કે લોકો એકઠા થઈને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાય તો મેજીસ્ટ્રેટ Crpc – 144 મુજબ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

કલમ – ૧૯(૧)(c) થી મંડળી કે સંગઠન કે યુનિયન કે રાજકીય પક્ષ કે સહકારી સોસાયટી રચવાનો અધિકાર મળેલ છે.
દેશના દરેક નાગરિકને રાજકીય પક્ષ રચવાનો કે કંપની ખોલવાનો કે ભાગીદારી પેઢી ખોલવાનો, ક્લબ, સંગઠન કે યુનિયન બનાવવાનો હક્ક મળેલ છે. જો કે આ અધિકાર ઉપર ત્રણ કારણોસર નિયંત્રણ મૂકી શકાય છે જેમાં ૧) ભારતના સાર્વભૌમ અને અખંડીતતા માટે ૨) જાહેર વ્યવસ્થાના હિતમાં ૩) નીતિમત્તાનાં હિતમાં આમ ત્રણ કારણસર મંડળ બનાવાવા કે સંઘ રચવા પર પ્રતિબંધ મૂકી શકાય છે.

કલમ – ૧૯(૧)(d) થી ભારત દેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાનો હક્ક મળેલ છે.
ભારત દેશના કોઈપણ ભૂ-ભાગ, કોઈપણ રાજ્યમાં કે આંતરરાજ્યમાં મુક્તપણે હરવા-ફરવાનો અધિકાર મળેલ છે. ભારતમાં નાગરિકત્વ કેન્દ્રીય છે એટલે કે દેશનો નાગરિક કોઈ રાજ્યનો નાગરિક નથી પણ સમગ્ર દેશનો નાગરિક છે જેથી ભારતીયતાની ભાવના જળવાઈ રહે માટે કોઇપણ રાજ્યનો વતની સમગ્ર દેશમાં ફરી શકે છે.

કલમ – ૧૯(૧)(e) થી ભારતમાં ક્યાય પણ રહેવાનો અને વસવાટ કરવાનો હક્ક મળેલ છે.
આ કલમમાં બે તત્વો જાણમાં લેવાના છે જેમાં ૧) ભારત દેશના કોઈપણ ભાગમાં રહેવાનો હક્ક મળેલ છે મતલબ કે ગમે તે જગ્યાએ ટેમ્પરરી રહી શકો છો તેમજ ૨) દેશમાં વસવાટ કરવાનો હક્ક મતલબ કે દેશના કોઈપણ સ્થળે તમે કાયમી વસવાટ કરવાનો હક્ક ધરાવો છો.

કલમ – ૧૯(૧)(f) થી મિલકત ધારણ કરવાનો હક્ક મળેલ હતો જે રદ્દ કરવામાં આવ્યો છે.
મિલકત ધારણ કરવી e નાગરીકોનો મૂળભૂત અધિકાર હતો પરંતુ બંધારણનાં ૪૪માં સુધારા અધિનિયમ દ્વારા કલમ – ૧૯(૧)(f) રદ્દ કરવામાં આવી એ સાથે જ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે રદ્દ કરી કલમ – ૩૦૧(a) ઉમેરી મિલકતના અધિકારને ફક્ત કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો એટલે કે કાયદા દ્વારા નિયત કરેલી વ્યવસ્થાનાં માધ્યમથી કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ મિલકતનો માલિક બની શકે છે.

કલમ – ૧૯(૧)(g) થી મુક્તપણે વેપાર, ધંધો, કામકાજ કરવાનો અધિકાર મળેલ છે.
બંધારણની આ કલમથી નાગરીકોને પોતાની મરજી મુજબનો ધંધો કે વ્યવસાય કે કામકાજ કે વેપાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. પરંતુ અમુક પ્રકારના વ્યાવસાયિક અને ટેકનીકલ વ્યવસાય માટે નિયત લાયકાતો નક્કી કરવાનો હક્ક સરકારને છે. તેમજ કેટલાક વ્યાપાર ધંધામાં રાજ્ય સરકાર પોતાનો ઈજારો રાખવાનો હક્ક ધરાવે છે.

આમ, ભારતીય બંધારણમાં આપણને ઘણા પ્રકારના અધિકારો મળેલ છે પરંતુ આપણે આપના અધિકારોથી માહિતગાર ન હોવાના કારણે ઘણું બધું સહન કરવું પડે છે.

#બંધારણ #સંવિધાન #વાણીસ્વાતંત્ર્ય #હક્ક #અધિકાર

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

5 COMMENTS

  1. આપની માહીતી કાબિલે તારીફ છે.લોકજાગૃતિ ફેલાવી સમાજ ને સુસંસ્કૃત બનાવવા માટે તમને અઢળક શક્તિ પ્રદાન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat