ગુજરાતના ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી કાયદેસર રીતે શું-શું કામો કરવાના હોય છે? જાણો સરકારી નિયમો અને જોગવાઈઓ.

વર્ષોથી આપણે મત આપીને આપણા જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યની પસંદગી કરીયે છીયે અને ચુંટાયા પછી ધારાસભ્યો ખાલી ધાર્મિક કાર્યક્રમો અને જ્ઞાતિના કાર્યક્રમો સિવાય ક્યાંય જોવા મળતા નથી. ધારાસભ્યોના નામ ખાલી બાંકડા ઉપર જ જોવા મળે છે. ચુંટાયેલા ધારાસભ્યો/સાંસદો અને જિલ્લા પંચાયત સભ્યો ખાલી બાંકડા મુકવા માટે જ બન્યા હોય એવું આપણે વર્ષોથી જોતા આવ્યા છીયે. આજે આપણે ચુંટાયેલા પ્રતિનિધિનીઓની ગ્રાન્ટ બાબતે સંપુર્ણ જાણકારી મેળવવાની છે.

ધારાસભ્યની ગ્રાન્ટ વિશે જાણકારી

ગુજરાતમાં હાલમાં પ્રત્યેક ધારાસભ્યને દર વર્ષે દોઢ કરોડ રૂપિયા તેમજ સાંસદ સભ્યને વર્ષે પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતવિસ્તારના જાહેર વિકાસ અને સુવિધાના કામોમાં કરવાનો હોય છે. ધારાસભ્યને મળતા દોઢ કરોડ રૂપિયા ક્યાં ફાળવવા તે નક્કી કરવા માટે ધારાસભ્ય સ્વતંત્ર હોય છે. યાદ રહે કે આ પૈસા રોકડા મળતા નથી પરંતુ ધારાસભ્ય દોઢ કરોડ સુધીની રકમના કામો માટે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખીને ભલામણ કરી શકે છે.

ધારાસભ્યની ગ્રાન્ટ કઈ રીતે મળે?

 • ધારાસભ્યની ગ્રાન્ટ મેળવવા માટે વિધાનસભા મતવિસ્તારના કોઈપણ ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, કોઈ સમાજિક સંસ્થા, જ્ઞાતિમંડળ. કે અન્ય વ્યક્તિ પોતાના ધારાસભ્ય પાસે જાહેર સુવિધા અને વિકાસને લગતા કામો કરવા માટે પત્ર લખીને ગ્રાન્ટ માંગી શકે છે. યાદ રાખો ધારાસભ્ય પાસે સામુહિક વિકાસના કામો માટે કોઈપણ વ્યક્તિ ગ્રાન્ટ માંગી શકે છે પણ ગ્રાન્ટ આપવી કે ન આપવી તે નક્કી કરવા માટે ધારાસભ્ય સ્વતંત્ર હોય છે.
 • ધારાસભ્યને પોતાને એમ લાગે કે પોતાના મતવિસ્તારમાં જાહેર સુખાકારી, વિકાસ કે સુવિધા માટે કોઈ કામ કરવું જરૂરી છે તો પોતે પણ ગ્રાન્ટ ફાળવી શકે.

ગ્રાન્ટની ફાળવણી કેવી રીતે થાય?

જો ધારાસભ્યને એમ લાગે કે કોઈ કામ માટે ગ્રાન્ટ આપવી જરૂરી છે તો ધારાસભ્ય પોતાના લેટરપેડ ઉપર પત્ર લખી મતવિસ્તારમાં કઈ જગ્યાએ, કયા કામ માટે અને કેટલા રૂપિયા ફાળવવા તેની જિલ્લા આયોજન અધિકારીને ભલામણ કરે છે. ધારાસભ્યની ભલામણ મળ્યા બાદ જિલ્લા આયોજન અધિકારી પોતે જિલ્લા આયોજન મંડળના સંકલનમાં રહી આગળની વહીવટીય અને તાંત્રિક પ્રક્રિયાઓ હાથ ધરે છે અને કામ ચાલુ થાય છે.

જિલ્લા આયોજન અધિકારી શું છે?

ગુજરાતના દરેક જિલ્લામાં એક જિલ્લા આયોજન અધિકારીની કચેરી હોય છે જેનું ધારાસભ્યોએ ફાળવેલી ગ્રાન્ટના હિસાબો કરવાનું અને ગ્રાન્ટને લગતી વહીવટીય કામગીરી સંભાળવાનું હોય છે. દરેક જિલ્લાની કલેક્ટર કચેરીના બિલ્ડીંગમાં જ જિલ્લા આયોજન અધિકારીની ઓફિસ આવેલી હોય છે. ધારાસભ્યની ગ્રાન્ટ બાબતે જાણકારી મેળવવી હોય તો જિલ્લા આયોજન અધિકારીને આરટીઆઈ કરીને મેળવી શકાય છે.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ક્યા – ક્યા કામો થઈ શકે?

ધારાસભ્યને વર્ષે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે એટલે કે દોઢ કરોડ રૂપિયા વાપરવાની સત્તા મળે છે પરંતુ આ રૂપિયાની ફાળવણી કરવા માટે સરકારે અમુક નીતિ-નિયમો બનાવેલ છે જે મુજબ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ મુજબના કામો કરી શકાય છે.

 • જે ગ્રામ પંચાયતની વસ્તી પાંચહજાર કે તેથી વધુ હોય તેવી ગ્રામપંચાયતને હાથલારી, પાવડા, તગારા, પેડલ રિક્ષા, ઉપરાંત મીની ટ્રેક્ટર કે ટ્રોલી આ યાંત્રિક સાધનો લેવા માટે પાંચ લાખ સુધીની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.
 • કોઈપણ સિવિલ હોસ્પિટલની એમ્યુલન્સ વસાવવા માટે દસ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકાય.
 • ધારાસભ્યને મળતી કુલ ગ્રાન્ટ માંથી ફક્ત ૧૦% રકમ જ બાંકડા મુકવા માટે ફાળવી શકાય.
 • શહેરી વિસ્તારોમાં કો.ઓ.હાઉસિંગ સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હુડકો, સ્લમ ક્લિયરન્સ બોર્ડ વગેરે પ્રકારની રહેણાંકની સોસાયટીમાં જો ૧૨૫ ચો.મી સુધીનું બાંધકામ હોય તો રસ્તા માતે ગ્રાન્ટ ફાળવી શકાય.
 • શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનનું બાંધકામ તેમજ તબીબી સાધનો વસાવવા માટે ૧૦ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.
 • રહેણાંકની સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે ગ્રાન્ટ વાપરી શકાય.
 • વિજળીકરણ એટલે કે વિજળીની સુવિધા માટે ગ્રાન્ટ પુરી પાડી શકાય.
 • કોઈપણ સ્થળે લાઈબ્રેરી-કમ-રીડીંગરૂમના બાંધકામા માટે ૭ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.
 • પ્રાથમિક શાળામાં પીવાના પાણીની ટાંકી માટે ગ્રાન્ટ આપી શકાય.
 • સરકારી આદર્શ નિવાસી શાળાઓમાં તેમજ આશ્રમ શાળાઓમાં ફર્નિચર, સાઉન્ડ સિસ્ટમ વગેરે માટે એક લાખની મર્યાદા.
 • ગ્રામ પંચાયત માટે પીવાના પાણીનું વહન કરવા માટે મીની ટેંકર વસાવવા માટે ગ્રાન્ટ આપી શકાય.
 • સામુહિક વિકાસના કામો તરીકે જિલ્લા કે તાલુકા સ્થળે પેવર બ્લોક અને કંપાઉન્ડ વોલ બનાવવા માટે તેમજ કોમ્યુનિટી હોલ બનાવવા માટે પાંચ લાખની મર્યાદા.
 • બાળક્રિડાંગણ, આંગણવાડી, મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમત અને અંગ-કસરતના સાધનો ખરીદવા એક લાખની મર્યાદા.
 • સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે લાકડા આધારિત સગડી ખરીદવા માટે.
 • ગ્રામ્ય કક્ષાએ મરણ પ્રસંગે ઉપયોગમાં લેવાતી ધાતુની નનામી ખરીદવા માટે દસ હજારની મર્યાદા.
 • ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્થળે બેસવા માટે વૃક્ષ ફરતે ઓટલો બનાવવા માટે ૫૦ હજારની મર્યાદા.
 • શાકમાર્કેટ બનાવવા માટે ૩ લાખની મર્યાદામાં પૈસા ફાળવી શકે.
 • સરકારી હોસ્પીટલોમાં દિવ્યાંગ બાળકોને સુવિધા અને ફિજીયોથેરાપી પુરી પાડવા માટે દસ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકે.
 • સરકારી બિલ્ડીંગો અને મકાનો ઉપર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગ્રાન્ટ ફાળવી શકે.
 • રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોની સલામતી અને સુરક્ષા માટે જાહેર સ્થળો, પ્રાઈવેટ સોસાયટીઓ, ફ્લેટ, રો-હાઉસ, પોળ વગેરે જગ્યાએ CCTV મુકવા માટે ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય છે.
 • ધાર્મિક કામોમાં ધારાસભ્યની ગ્રાન્ટ વાપરી શકાય નહી.

ધારાસભ્યને ઉપર જણાવેલી બાબતો સિવાય પોતાના મતવિસ્તારમાં જાહેર સુવિધા ઉભી કરવા, સલામતી વ્યવસ્થા કરવા, વૃદ્ધો-બાળકો કે મહિલાઓ માટે કોઈ કાર્ય કરવા કે વિસ્તરની પ્રજાના રોડ, રસ્તા, વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, જાહેર પરિવહન જેવી બાબતોમાં પોતાની ગ્રાન્ટની રકમ ફાળવી શકે છે પરંતુ અફસોસ કે ધારાસભ્યો બાંકડા મુકવાથી આગળ વધતા નથી.

આ સિવાય એક ખાસ અગત્યની બાબત કે દોઢ કરોડ ગ્રાન્ટ સિવાય ધારાસભ્ય પોતાના મતવિસ્તારના ફક્ત રોડના કામો માટે સરકાર પાસે અલગથી દસ કરોડની મર્યાદામાં ભલામણ કરી શકે છે. એટલે કે ધારાસભ્યના મતવિસ્તારમાં એક તાલુકાથી બીજા તાલુકાને જોડતો રોડ હોય તો તેવા રોડ બનાવવા માટે દર વર્ષે દસ કરોડની મર્યાદામાં સરકારને ભલામણ કરી શકે છે જે ગ્રાન્ટમાં ગણવામાં આવે નહી પરંતુ સીધા જ સરકારના વિભાગ અંતર્ગત ગણાય. આમ હાલમાં ધારાસભ્યો ફક્ત બાંકડાસભ્યો બની રહ્યા છે ત્યારે આરટીઆઈ કરીને જિલ્લા આયોજન અધિકારી પાસે તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોની ગ્રાન્ટની અને કરેલા કામોની વિગત મેળવી શકાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

5 COMMENTS

 1. મેનેજમેન્ટ વિભાગ બોલે ગુજરાત
  હું પણ એક Social Activits છું અને સામાજિક Awareness માટે કામ કરું છું તો આપની આ wall site પરથી ઘણી જ મહત્વની માહિતી મળે છે તો વધુ અને Regular માહિતી મળે તે માટે મને Notification આપવા વિનંતી.
  વંદેમાતરમ્ જય હિન્દ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat