પોલીસ કાયદો : રીમાન્ડ દરમ્યાન પોલીસ માર મારી શકે નહી, આ રહી પોલીસ રીમાન્ડ અંગેની સંપુર્ણ કાયદાકીય માહિતી.

આપણે અવારનવાર છાપાઓમાં અને ટીવીમાં જોઈયે છીયે કે પોલીસે આટલા દિવસના રીમાન્ડ માંગ્યા, કોર્ટે રીમાન્ડ અરજી ફગાવી, પોલીસે રીમાન્ડ ઉપર લીધો વગેરે સમાચારો સાંભળીને આપણા મનમાં રીમાન્ડ વિશે એક ડર અને માન્યતા છે. જો તમે એવું વિચારતા હોય કે પોલીસ રીમાન્ડમાં લે એટલે એને મારવાનો હક્ક મળે છે અને પોલીસ તહોમતદારને મારે છે તો તમારી માન્યતા ખોટી છે. રીમાન્ડ એટલે તહોમતદારને માર મારવાની સત્તા કે અધિકાર નથી પણ એક કાયદાકીય પ્રક્રિયા છે આવો આપણે જાણીયે.

પોલીસ રીમાન્ડ એ તપાસની એક કાયદાકીય પ્રક્રિયા છે જેમા આરોપીની ધરપકડ કર્યા પછી ગુના સંબધિત બાબતમાં આરોપીની પુછપરછ કરવા તેના રીમાન્ડ માંગવામાં આવે છે. રીમાન્ડની કાયદાકીય જાણકારી મેળવવા માટે આપણે ધરપકડ, પોલીસ ક્સ્ટડી અને જ્યુડીશિયલ કસ્ટડી આ ત્રણ શબ્દોને સમજવા પડશે.

ધરપકડ એટલે : પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોઈ ગુનામાં પોલીસ તહોમતદાર વ્યક્તિની સીઆરપીસી-૪૬ મુજબ અટકાયત કરે તેને કાયદાની ભાષામાં ધરપકડ કહેવાય છે. ધરપકડ એટલે પોલીસ તહોમતદાર વ્યક્તિનો શારીરિક કબજો મેળવી લે તે. ધરપકડના કિસ્સામાં પોલીસ કોઈ વ્યક્તિને ૨૪ કલાક કરતા વધુ સમય પોતાના કબજામાં રાખી શકતી નથી. ટુંકમા આરોપીની ધરપકડ કર્યા પછી પોલીસે ધરપકડ કર્યાના ટાઈમથી ૨૪ કલાક પુરા થાય એ પહેલા તહોમતદારને કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ ફરજીયાત રજુ કરવો પડે છે.

પોલીસ કસ્ટડી એટલે : સીઆરપીસી – ૪૬ મુજબ જ્યારે કાયદેસર રીતે કોઈ આરોપીની ધરપકડ થાય ત્યારે તેને પોલીસ કસ્ટડી કહેવાય છે. પોલીસ કસ્ટડી એટલે વ્યક્તિ ઉપર પોલીસનો કબજો હોવો તે. ટુંકમાં કાયદા મુજબ પોલીસ કોઈપણ ગંભીર ગુનાના આરોપીની ધરપકડ કરે તો પણ વધુમાં વધુ તેને ૨૪ કલાક સુધી પોલીસ કસ્ટડી (પોલીસના કબજા)માં રાખી શકાય છે. ૨૪ કલાક પછી પોલીસ તહોમતદારને પોતાની પાસે પોતાના કબજામાં રાખી શકતી નથી. પોલીસ કસ્ટડી એટલે પોલીસ લોકઅપમાં.

જ્યુડીશિયલ કસ્ટડી એટલે : તહોમતદાર વ્યક્તિ પોલીસના કબજામાં ૨૪ કલાક પુર્ણ કરે એટલે તેને ન્યાયાધીશ સમક્ષ રજુ કરવામાં આવે. ન્યાયાધીશ સમક્ષ ત્રણ કાર્યવાહી થઈ શકે જેમા ૧) તહોમતદારને જામીન આપવામાં આવે ૨) તહોમતદારના રીમાન્ડ મળે 3) તહોમતદારને જેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવે. આ સંજોગોમાં જો તહોમતદારને જામીન કે રીમાન્ડ પણ મન મળે અને જેલમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવે તેને કાયદાની ભાષામાં જ્યુડીશિયલ કસ્ટડી કહેવામાં આવે છે. જ્યુડીશિયલ કસ્ટડી એટલે વ્યક્તિનો કબજો કોર્ટ પાસે હોય તે. જ્યુડીશિયલ કસ્ટડી એટલે જેલમાં.

પોલીસ રીમાન્ડ એટલે શું? :

આપણે ઉપર જોયુ તેમ પોલીસ ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ આરોપીને ૨૪ કલાક કરતા વધુ સમય માટે પોતાના કબજામાં રાખી શકે નહી. પોલીસ ૨૪ કલાક દરમ્યાન આરોપીને જે પુછપરછ કરવાની હોય તે પુરી કરવી પડે છે પરંતુ ખુન, લુંટ, બળાત્કાર, અથવા એવા અનેક ગંભીર ગુનાઓ હોય છે જેમા ૨૪ કલાકમાં પુછપરછ પુરી થતી નથી. ઘણા કિસ્સામાં આરોપી વ્યક્તિને સાથે રાખીને ગુનાવાળી જગ્યાએ તપાસ કરવા પણ જવાનુ થાય છે. કેટલાક કેસમાં આરોપીની મેડિકલ તપાસ કરવાની હોય  છે અને અમુક કેસમાં આરોપી રીઢો હોય પોલીસને તપાસમાં સહકાર ન આપીને ૨૪ કલાકનો ટાઈમ વેડફી નાખતો હોય છે આવા તમામ કિસ્સામાં પોલીસને આગળની તપાસ કરવા આરોપીને સાથે રાખવાની જરૂર પડે છે પરંતુ ૨૪ કલાકથી વધુ પોલીસ પોતાની પાસે રાખી ન શકે માટે પોલીસ કોર્ટ પાસે વધુ દિવસો માટે પોલીસ ક્સ્ટડીની માંગણી કરે જેને આપણે સામાન્ય ભાષામાં રીમાન્ડ કહીયે છીયે. ટુંકમાં પોલીસ વધુ તપાસ માટે ૨૪ કલાક કરતા વધુ સમય પોતાની પાસે આરોપીને રાખવા માંગતી હોય તેને રીમાન્ડ કહેવાય.

રીમાન્ડના નિયમો શું હોય? :

ગુનાની તપાસ માટે ૨૪ કલાકનો સમય ઓછો પડે અને આગળની વધુ તપાસ માટે પોલીસ આરોપીને પોતાની પાસે રાખવા માંગતી હોય ત્યારે પોલીસ એક અરજી લખીને ન્યાયધીશ પાસે પોલીસ કસ્ટડીની માંગણી કરે છે.

  • કોઈપણ સંજોગોમાં ન્યાયાધીશ ૧૫ દિવસ કરતા વધુ સમયના રીમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડી (પોલીસનો કબજો) મંજુર કરી શકે નહી.
  • રીમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડી (પોલીસનો કબ્જો) દરમ્યાન પોલીસ આરોપી પાસે કબુક્લાત કરાવવા મારપીટ કરી શકે નહી.
  • રીમાન્ડ (પોલીસ કસ્ટડી) દરમ્યાન દર ૪૮ કલાકે આરોપીનું સરકારી દવાખાનામાં મેડિકલ કરાવવુ જરૂરી છે તેમજ રીમાન્ડ પુરા થયે કોર્ટમાં એ મેડિકલ સારવાર સર્ટી રજુ કરવું પડે છે.
  • કોઈપણ કેસમાં રીમાન્ડ માંગવા કે ન માંગવા તે બાબત કેસ અને પોલીસ અધિકારી ઉપર નિત્ભર કરે છે, કાયદામાં કોઈ નિર્દેશન નથી.
  • એવી જ રીતે પોલીસની અરજી ઉપર કોઈપણ કેસમાં રીમાન્ડ આપવા કે ન આપવા તે ન્યાયધીશની વિવિકબુદ્ધિ ઉપર નિર્ભર કરે છે, કાયદામાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી.

આમ, ટુંકમાં સમજીયે તો રીમાન્ડ એટલે પોલીસ તમાસમાં આરોપીની હાજરી માટે જરૂરી હોય તેવા સંજોગોમાં આરોપીને ૨૪ કલાક કરતા વધુ સમય માટે પોતાની પાસે રાખવાની ન્યાયિક પરવાનગી. જો કે ઉલ્લેખનીય છે કે ઘણાખરા કેસમાં પોલીસ દ્વારા બિનજરૂરી રીમાન્ડ માંગવામાં આવતા હોય છે અને ઘણા કેસમાં ખાલી ફોર્માલિટી કરવા માટે રીમાન્ડ માંગવામાં આવતા હોય છે પણ રીમાન્ડ માંગતી વખતે પોલીસે કોર્ટને વ્યાજબી કારણો જણાવવા જરૂરી છે. ટુંકમાં રીમાન્ડ એટલે પોલીસને મારવાનો અધિકાર નથી પણ વધુ તપાસ કરવાની સત્તા છે.

 

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat