લાંચીયા કર્મચારી ઉપર એન્ટી કરપ્શન બ્યુરોમાં ભ્રષ્ટાચારની ફરીયાદ કઈ રીતે લખાવવી?  જાણો લાંચના કાયદા વિશે.

ભ્રષ્ટાચાર આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે અને સૌ દેશવાસી ઈચ્છે છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય. આપણે અવારનવાર સરકારી કચેરીઓમાં જતા હોય છીયે અને મજબુરીવશ લાંચ આપવી પડે છે. કાયદાની જાણકારીના અભાવે ફરીયાદ કરવાની ઈચ્છા હોવા છતાય આપણે ફરીયાદ કરી શકતા નથી. બોલે ગુજરાતના માધ્યમથી પ્રજામાં વિવિધ કાયદાકીય જાગૃતિ ફેલાય એવા પ્રયત્નોના ભાગરૂપે આજે ભ્રષ્ટાચાર કે લાંચની ફરીયાદ કેવી રીતે કરવી તેની જાણકારી મેળવીશુ.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ શું છે?

સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ભારતની સંસદ દ્વારા “ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – ૧૯૮૮” બનાવવામાં આવ્યો જે કાયદા મુજબ લાંચ લેવી, લાંચ આપવી, આવક કરતા વધુ સંપત્તિ હોવી, સરકારી નાણાનો વ્યય કરવો, સરકારની તિજોરીને નુકશાન ફોંચાડવુ જેવા અનેક ગુનાઓની અલગ અલગ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરીયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાની રચના કરેલ છે જેની મુખ્ય કચરી અમદાવાદ શાહીબાગમાં છે તેમજ દરેક જિલ્લા કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્ટેશન આવેલા છે જેમા પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે.

લાંચ એટલે શુ?

  • સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું સરાકારી કામ કરાવવા માટે આપવા પડતા રૂપિયા તેટલું જ સમજે છે, પરંતુ લાંચ શબ્દનો વિશાળ અર્થ થાય છે. લાંચ એટલે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં, પરંતુ સરકારી કર્મચારીને પોતાની કામગીરી કરવા માટે કે ન કરવા માટે આપવામાં આવતી ભેટ, સોગાદ કે બક્ષિસ વગેરે વસ્તુનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ અધિકારીને કપડા કે મિઠાઈની ભેટ આપવી અથવા કોઈના ઘરે ટીવીની વ્યવસ્થા કરી આપવી વગેરે.
  • ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ-૨(ગ)માં જણાવ્યા મુજબ જાહેર સેવક એટલે જાહેર સેવા હોય અથવા સરકારના પગારદાર હોય અથવા કોઈપણ કાર્ય, જેમાં પ્રજાનુ બહોળું હિત હોય તેવી જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશનરૂપે સરકાર તરફથી મહેનતાણું કે આથિર્ક સહાય મળતી હોય તેવી કોઈ સંસ્થાના કર્મચારી, અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી અનુદાન મેળવતી કોઈપણ સરકારી કંપની, સંસ્થા, યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, કોર્પોરેશન કે સત્તામંડળોના હોદ્દેદારો અને કર્મચારી, અધિકારીઓ સમાવેશ થાય છે.

લાંચ લેવાની સજાની જોગવાઈ?

  • જો કોઈ જાહેર સેવક કાયદેસરના મહેનતાણાં સિવાય કોઈપણ જાહેર હિતનું કામ કરવા કે ન કરવા માટે રોકડ નાણું, ભેટ કે કીમતી વસ્તુની માંગણી કરે તો આ અધિનિયમની કલમ ૭ મુજબ ગુનો કરે છે અને ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.
  • આ અધિનિયમની કલમ- ૧૨ નીચે જાહેર સેવકને જાહેર હિતના કામ માટેની કાયદેસરની ફી હોય તે સિવાયની રકમ આપવી તે પણ ગુનો બને છે.
  • ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધી (કેદ તથા દંડ)ની શિક્ષા થઈ શકે છે. જાહેર સેવક દ્વારા અથવા તેના આશ્રિત વ્‍યક્તિ દ્વારા વસાવેલી સ્થાવર જંગમ મિલકતો બાબતોનો તેણે આપેલો હિસાબ જો અનિયમિત જણાય તો તેની વિરુદ્વમાં કલમ – ૧૩ (૧)(ઇ) નીચે ગુનો દાખલ થઈ શકે અને ગુનો સાબિત થયે સાત વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.

જાગૃત નાગરિક શું કરી શકે ?

  • કોઈ જાહેર સેવક દ્વારા અપ્રમાણસર મિલકતો વસાવેલ હોવા અંગેની આપને જાણ હોય તો તે વિગતો સાથે નજીકની લાંચ રૂશ્વત વિરોધી કચેરીનો સંપર્ક કરો, અથવા લેખિતમાં વિગતવાર માહિતી બ્યૂરોના નિયામકશ્રીને પણ મોકલી શકો છો.
  • સંવેદનશીલ જગ્યાઓએ ભ્રષ્‍ટાચાર ચાલતો હોય અને તેમાં મેળાપીપણામાં લાંચની રકમની આપલે થતી હોય અને ફરિયાદ થવાની શક્યતા ન હોય તો જાગૃત નાગરિક તરીકે ગુપ્ત માહિતી બ્યૂરોને આપી શકાય છે. બ્યૂરો દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
  • કોઈ ખાનગી વ્યકિત જાહેર સેવક વતી લાંચ સ્વીકારે અથવા લાગવગ ચલાવવા માટે ગેરકાયદેસરના સાધનો દ્વારા લાંચ લે તેવા ખાનગી વ્યકિત પર પણ ગુનો દાખલ થઈ શકે છે.
  • સરકારી સંપત્તિનો દુરઉપયોગ કરીને વ્યય કરવામાં આવતો હોય તે અંગે પણ બ્યૂરોને ગુપ્ત માહિતી આપી શકાય છે.
  • રાજય સેવક દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રીને નાણાકીય નુકશાન થાય અને તેનાથી  અન્ય વ્યકિતને લાભ કરાવે તે રીતે કરવામાં આવેલ ગુન્હાહિત ગેરવર્તન અંગેની લેખિતમાં માહિતી પણ આપી શકાય છે.

ભ્રષ્ટાચાર નિવારણ ખાતુ કઈ રીતે કામ કરે?

ભ્રષ્ટ્રાચારના કેસની કે લાંચ માગવાના કેસની માહિતી મળે તેવા સંજોગોમાં એ.સી.બી દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવે જેમા,

  • ૧) ટ્રેપ કેસ: આ કેસમાં ફરીયાદીની ફરિયાદ ઉપરથી લાંચનું છટકું ગોઠવવામાં આવે છે અને લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે એસીબી દ્વારા આયોજન કરવામાં આવે છે. આ કેસમાં લાંચ આપનાર ફરિયાદી વિરુદ્વ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ જે સરકારી કર્મચારી સામે લાંચ માગવાનો આક્ષેપ છે તેની સામે ફરીયાદથી લઈને રંગેહાથ પકડી અને ધરપકડ કરવા સુધીની સંપુર્ણ કામગીરીની અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. ત્યારબાદ દસ્તાવેજી પુરાવા, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
  • ૨) ડિકોય કેસઃ આ પ્રકારની કાર્યવાહીમાં ભ્રષ્‍ટાચાર સંભવિત સંવેદનશીલ ક્ષેત્રો પર એસીબી દ્વારા નજર રાખવામા આવે છે અને સંભવિત સંવેદનશીલ ક્ષેત્રમાં બ્યૂરો દ્વારા ડિકોય માટે છટકાનું આયોજન કરવામાં આવે છે. દા.ત કોઈ રોડ ઉપર પોલીસ દ્વારા નિયમિત હપ્તા લેવામાં આવતા હોય તો તે જગ્યા ઉપર એસીબી સતત વોચ રાખે અને યોગ્ય સમયે જાતે જ ફરીયાદી બની છટકાનુ આયોજન કરી રંગે હાથ પકડી લે.
  • (૩) અપ્રમાણસર મિલકત વિરુદ્વના કેસઃ કોઈ જાહેર સેવક અથવા તેની આશ્રિત વ્‍યક્તિ દ્વારા એકઠી કરેલી અપ્રમાણસર મિલકતની ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવે છે. આવા સરકારી કર્મચારીની મિલકતોનું સરકારમાન્ય મૂલ્‍યાંકનકાર દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવે છે અને તે પ્રકારે મિલકતની કિંમતના પુરાવા મેળવવામાં આવે છે. આક્ષેપિતની મિલકત અપ્રમાણસર જણાય તો આ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં  આવે છે. દા.ત ૩૦ હજાર પગારવાળા કોઈ કર્મચારી કે તેના સગા પાસે એક કરોડની મિલકત છે તો એસીબી દ્વારા સરકારમાન્ય કિંમત નક્કી કરવામાં આવે અને એ કિંમત મુજબ આવકના પુરાવા રજુ કરવા પડે.
  • (૪) જાહેર સેવક દ્વારા સત્તાનો દુરુપયોગ (ગુનાહિત ગેરવર્તન) : જો કોઈ જાહેર સેવક પોતાના કાયદેસરનાં મહેનતાણા સિવાયનાં લાભ મેળવે અથવા કોઈ જાહેર સેવક પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાને માટે અથવા બીજી કોઈ વ્યકિત માટે કોઈ કિંમતી વસ્તુ અથવા આર્થિક(નાણાકીય) ફાયદો મેળવે/અપાવે તેમજ કોઈ જાહેર સેવક તરીકે હોદ્દો ધરાવતી કોઈપણ વ્યકિત કોઈ કિંમતી વસ્તુ અથવા આર્થિક ફાયદો કોઈપણ પ્રકારના જાહેર હિત સિવાય મેળવે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે.  
  • (૫) અરજીની તપાસો : કોઈ જાગૃત નાગરિક દ્વારા લાંચ રૂશ્વત બ્યુરોને નામજોગ અરજી કરવામાં આવે તો અરજીઓની ગુપ્ત તથા જરૂર જણાયે ખુલ્‍લી તપાસ હાથ ધરવામાં આવે છે. અરજીની તપાસમાં ભ્રષ્ટ અધિકારીની લાંચની પ્રવૃત્તિ અંગે ડિકોયનું આયોજન તથા અપ્રમાણસર મિલકતો જણાઈ આવતાં તેની વિરુદ્વ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

કોઈપણ કર્મચારી લાંચ માગે તો ફરીયાદ કયા કરવી?

  1. કોઈ જાહેર સેવક દ્વારા તમારી પાસે કાયદેસરની રકમ સિવાય લાંચની માગંણી કરવામાં આવે તો તાત્કાલિક નજીકની લાંચ રૂશ્વત વિરોધી કચેરી / પોલીસ સ્ટેશનો નો સંપર્ક કરો. અરજી કરવા માટે કોઈ નક્કી કરેલા નિયમો નથી તેમજ કોઈ સમયમર્યાદા નથી.
  2. જો કોઇ સરકારી કર્મચારી/અધિકારી આપની પાસે લાંચની માંગણી કરતો હોય તો તેની જાણ એ.સી.બી. કન્‍ટ્રોલ રૂમ અમદાવાદ ખાતે ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ૨૨૮૬૦૩૪૧, ૨૨૮૬૦૩૪૨, ૨૨૮૬૦૩૪૩ ટેલીફોનીક જાણ કરી લખાવી શકાય છે
  3. એસ.એમ.એસ.થી માહિતી આપવી હોય તો એ.સી.બી.ના કન્‍ટ્રોલ રૂમમાં ઉપલબ્ધ મોબાઇલ નં. ૦૯૦૯૯૯૧૧૦૫૫ થી આપી શકશો
  4. એ.સી.બી. ખાતે ટોલ ફી નંબર ૧૮૦૦ ૨૩૩ ૪૪૪૪૪ ઉપર કરી શકાય છે. એ.સી.બી. કન્ટ્રોલ રૂમ અમદાવાદ ૨૪ કલાક કાર્યરત છે.
  5. કોઈ વ્યક્તિ લાંચ માગે તો એસીબીનો ટોલ ફ્રિ નંબર – ૧૦૬૪ પર ફોન કરો.
  6. લાંચ માગે તો લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો – અમદાવાદના મુખ્ય અધિકારીના નં. ૨૨૮૬૯૨૨૩ પર અથવા ૨૨૮૬૯૨૨૪ પર ફોન કરી શકો.
  7. એ.સી.બી.ની વેબસાઈટ www.acb.gujarat.gov.in   છે જેના પર બ્યૂરો વિષેની અધતન માહિતી ઉપલબ્ધ છે.

ખાસ યાદ રાખવુ નામ વગરની અરજી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ ખોટા નામે અરજી કરનાર કે ખોટી માહિતી આપનાર વિરૂધ્ધ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત એસીબી ખુબ જ પ્રમાણિકપણે અને નિષ્ઠાથી કામ કરે છે માટે કોઈપણ લાંચ માંગતા હોય તેવા કિસ્સામાં એક વખત એસીબીનો સંપર્ક કરીને આપણે ભ્રષ્ટાચાર અટકાવવાનુ કામ કરી શકીયે છીયે. આ લેખ પસંદ આવ્યો હોય તો ફેસબુક પર શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

3 COMMENTS

  1. ખુબ જ જરૂરી માહિતી , પૂરેપૂરી માહિતી સાથે આપો છો , તેથી પુષ્કળ પ્રમાણમાં મહિતી મતે છે. . . આભાર

  2. લેખિત પુરાવા સહિત કર્મચારિ વિરુદ્દ અપ્રમાણસર મિલ્કત અંગે નામજોગ્ ફરિયાદ કર્યા ને ત્રણ વરસ સુધિ કોઇ કાર્યવાહિ નહિ કરનાર એ.સિ.બિ. સામે ફરિયાદ કરિ શકાય ? ફરજ્મા નિષ્કાર્જિ દાખવવા બદલ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat