ગ્રામ પંચાયતમાં તલાટીમંત્રી, સરપંચ અને ગ્રામસેવકની કામગીરી શુ હોય છે એના વિશે જાણો છો?

ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે અને જ્યા ગામડુ છે ત્યા તલાટી, સરપંચ અને ગ્રામસેવક હોય જ છે પરંતુ કાયદાકીય બાબતોની અજ્ઞાનતાના કારણે આપણે વધુ જાણતા નથી. ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા તેમજ સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે. ત્યારે બોલે ગુજરાત દ્વારા આજના લેખમાં આપણે પંચાયતના તલાટીની ફરજો અને સત્તાઓ, સરપંચની કામગીરી અને ગ્રામસેવકે શુ શુ કાર્યો કરવાના હોય છે તેના વિશે પ્રાથમિક જાણકારી મેળવીશુ.

 

પંચાયતી રાજ વ્યવસ્થા શું છે?

1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ વર્ષ 1957માં બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયતીરાજ સંબંધી વિકેન્દ્રીકરણ અભ્યાસ જૂથ રચાયું. બળવંતરાય મહેતા સમિતિએ સરકારને ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણો કરી જે ભલામણને ભારત સરકારે સ્વીકારી. બળવંતરાય મહેતા સમિતિની ભલામણો અંતર્ગત “73મો સુધારો અધિનિયમ-1992” સંસદમાં પસાર કરી ભારતના બંધારણમાં સુધારો કરી બંધારણમાં નવમો ભાગ અને અગિયારમી અનુસુચિ ઉમેરવામાં આવી. બંધારણમાં કલમ ૨૪૩ના ઉલ્લેખ સાથે ત્રિસ્તરિય પંચાયતી રાજની બંધારણીય વ્યવસ્થા કરવામાં આવી.

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા કરતો ગુજરાત પંચાયત અધિનિયમ તા.૧૭/૦૮/૧૯૯૩ ના રોજ ગુજરાત વિધાનસભામાં દાખલ કરવામાં આવ્યો, તા.૧૯/૦૮/૧૯૯૩ના રોજ મંજૂર કરવામાં આવ્યો અને તા.૧૫/૦૪/૧૯૯૩ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. આમ, બંધારણના ૭૩ માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયત એકટ અમલમાં આવેલ છે. જેને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ કહેવામાં આવે છે. જેના મારફતે રાજયમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે.  

ગ્રામ પંચાયત એટલે શુ?

ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ૧)જિલ્લા પંચાયત 2)તાલુકા પંચાયત 3)ગ્રામ પંચાયત. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત એ વહિવટનું સૌથી નાનુ એકમ છે. સરકારની તમામ પ્રવૃત્તિઓ છેવટે આ એકમથી અમલમાં આવે છે. ગ્રામપંચાયતમાંના ચુંટાયેલા વડા સરપંચ, સરકારી વહિવટકર્તા તલાતી હોય છે.

સરપંચ અને તેની ફરજો

પંચાયતી રાજ વ્યવસ્થા પ્રમાણે ગામના સરપંચની ચુંટણી સીધી જ કરવામાં આવે છે. દર મહિને એકવાર પંચાયતની બેઠકો કરવાની સરપંચની જવાબદારી હોય છે અને જો કોઈ ખાસ બેઠકનું આયોજન કરવાનું હોય તો તેવા સમયે ગ્રામ પંચાયતે ૩ દિવસ અગાઉ તમામ સભ્યોને જાણ કરવી ફરજીયાત છે.

 • ગ્રામ પંચાયતના વહીવટ, નાણાકીય બાબતો, હીસાબી બાબતો અને ગામના વિકાસને લગતા આયોજનની સત્તાઓ સરપંચને આપવામાં આવી છે.
 • વિવિધ સરકારી યોજનાઓને મંજુર કરવી અને નમુના નં.૬ માં સહી કરાવવી.
 • સરપંચ/તલાટી પંચાયતાના નાણા ઉપાડ અને જમાં કરાવવાનું કાર્ય પણ કરે છે.
 • કોઈપણ સભ્ય રાજીનામુ આપવા ઈચ્છે તો સરપંચ ગ્રામ પંચાયતનાં સભ્યોનું રાજીનામું મંજુર કરવાની સત્તા ધરાવે છે.
 • ૧૫ ડીસેમ્બર પહેલાં તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત નું અંદાજ પત્રક આપવાનું હોય છે.
 • પંચાયતની દરેક બેઠકનું અધ્યક્ષ-સ્થાન ગ્રહણ કરવું અને તેનું નિયમન અને સંચાલન કરવું.
 • પંચાયતના પૈસાના ચુકવણાના ચેક પર સહી કરવી.
 • ગ્રામપંચાયતની વિવિધ સમિતિની દેખરેખ રાખવી.
 • પંચાયતની સૌથી અગત્યની સમિતિ એટલે ગ્રામસભાનું યોગ્ય સમયે આયોજન કરવું અને તેની કાર્યવાહી પર નોંધ રાખવી.
 • સરપંચ ગ્રામપંચાયતના મંત્રીની રજાઓ મંજુર કરે છે.

ઉપસરપંચના કાર્યો અને ફરજો

પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ જ્યારે સરપંચ ગેરહાજર હોય ત્યારે સરપંચની જવાબદારી ઉપસરપંચ નિભાવે છે અને જો સભામાં સરપંચ ગેરહાજર હોય તો અધ્યક્ષસ્થાન નિભાવે છે. ઉપસરપંચની ચુંટણી પરોક્ષ રીતે થાય છે એટલે કે ગ્રામપંચાયતના ચુંટાયેલા સભ્યો દ્વારા થાય છે. ઉપસરપંચનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો હોય છે. પંચાયતના સભ્યો ની લાયકાત નક્કી કરવાનું કાર્ય જે તે રાજ્ય વિધાનસભા કરે છે.

તલાટી- કમ-મંત્રીના કાર્યો ફરજો

પંચાયત એક્ટની જોગવાઈ મુજબ ગ્રામપંચાયતનાં વહીવટીય કામકાજ માટે તલાટીમંત્રીની નિમણુક કરવામાં આવે છે. તલાટી ગ્રામપંચાયત અને સરપંચના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. તલાટી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને જોડતી મુખ્ય કડી નું કાર્ય કરે છે. દરેક ગામમાં સંખ્યાને આધારે એક અથવા બે તલાટી કમ મંત્રી હોય છે જેઓને દરેક ગ્રામસભામાં હાજર રહેવાનું હોય છે પરંતુ તેઓ કોઈપણ મુદ્દે મતદાનમાં મત આપી શકતા નથી.

 • તલાટીએ ગામના જન્મ-મરણની  નોધણી કરવી અને રજીસ્ટર નિભાવવાનુ હોય છે.
 • ગામની તમામ પ્રકારની જમીનની માલીકી અંગે ના ૭/૧૨ અને ૮-અ તૈયાર કરે છે.
 • પંચાયતને લગતા વિવિધ પ્રકરાના વેરાઓની વસુલાત કરે છે અને અને જમીન મેહસુલ ઉઘરાવે છે.
 • તલાટી ગ્રામ પંચાયતનો વાર્ષિક આવક-જાવકનો હીસાબ કરે છે.
 • તલાટી ગ્રામસભામાં હાજર રહીને પંચાયતનો અહેવાલ સોપવાનું કાર્ય કરે છે.
 • કોઈ કિસ્સામાં સરપંચ કે ઉપસરપંચનું  પદ ખાલી પડ્યુ હોય ત્યારે તેની જાણ તાલુકા પંચાયતને કરે છે.
 • જન્મની નોધ ૧૪ દિવસ મોડી કરવામાં આવે તો તેની લેટ ફી ઉઘરાવવાનુ કાર્ય કરે છે. મરણની નોધ ૭ દિવસ પછી કરવામાં આવે તો પણ તેઓ લેટ ફી ઉઘરાવે છે.

ગ્રામસેવક : ગ્રામસેવકની નિમણુક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે જેઓ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના કૃષિ વિકાસ અને આર્થિક વિકાસ માટેની વિવિધ પ્રકારની યોજનાઓનુ પાલન કરાવે છે. આ ઉપરાંત તે ગ્રામવિકાસ સહિત સરકારના અન્ય વિભાગની વખતોવખતની યોજનાઓલક્ષી કામગીરી કરે છે. ગ્રામસેવકની મુખ્યત્વે ખેતીવિષયક અને વિકાસલક્ષી એમ બે જવાબદારીઓ છે અને આ ગ્રામસેવકનું પદ ઈ.સ. ૧૯૫૨-૫૩ થી કાર્યરત કરવામાં આવેલ છે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો ફેસબુકમાં શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat