ધારાસભ્ય અને સાંસદસભ્યની બંધારણીય ફરજો અને જવાબદારીઓ શું હોય? જાણો ચુંટણીપંચ દ્વારા કેવો જવાબ મળ્યો

આમ જુઓ તો લોકશાહી વ્યવસ્થામાં દરેક વ્યક્તિનું પોતપોતાનું કામ નક્કી છે જેમ કે ડ્રાઈવર, પટાવાળો, શિક્ષક, ડોક્ટર, ટપાલી, ટીકીટ-ચેકર, નર્સ, મામલતદાર વગેરે દરેક વ્યક્તિનું નામ પડે એટલે તરત જ આપણને તેના કામની ખબર પડી જાય. ઉ.દા તરીકે ટપાલી નામ પડે એટલે આપણે સમજી જઈએ ટપાલો વેચવી એ તેનું કામ છે એવી જ રીતે શિક્ષક નામ પડે એટલે ભણાવવાનું કામ કરે છે એવું આપણે સમજી જઈએ પરંતુ એક ધારાસભ્યની શું શું ફરજો હોય છે એ આપણે જાણતા નથી. આપણે બસ એટલું જ જાણીયે છીએ કે કોઈ વ્યક્તિ ધારાસભ્ય બની જાય એટલે તેને ભ્રષ્ટાચાર કરવાનો, પૈસા ખાવાનો, સરકારી ખર્ચે સારી સારી સુવિધાઓ અને મોટા-મોટા પગાર મેળવવાનો તેમજ ગાંધીનગરમાં મફત પ્લોટ અને મકાન મેળવી પાંચ વર્ષ સુધી જલસા કરવાનો અધિકાર મળે છે.

૨ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ દેવ આશિષ ભટ્ટાચાર્ય નામના એક RTI એક્ટિવિસ્ટે ભારતના ચુંટણી પંચને અરજી કરી સાંસદસભ્યો અને ધારાસભ્યોની જવાબદારી અને ફરજો વિશે માહિતી માંગતા ચૂંટણીપંચ દ્વારા “માંગવામાં આવેલી માહિતી અત્રે લાગુ પડતી નથી જેથી કોઈ માહિતી ઉપલબ્ધ નથી” વગેરે મુજબ લખીને જવાબ આપેલ. અરજદારે પ્રથમ અપીલ કરતા ચુંટણી પંચના એપેલેટ અધિકારીએ જણાવેલ કે આ અરજી ભારત સરકારના કાયદો અને ન્યાય વિભાગને તેમજ સંસદીય બાબતોના વિભાગને તબદિલ કરવામાં આવે.

લોકસભાના સચિવે ૩ જુન ૨૦૦૯ ના રોજ અરજદાર દેવ આશિષને જણાવેલ કે “ભારતના સંવિધાનમાં કે લોકસભાની કાર્યવાહીના નિયમોમાં કે અન્ય કોઈ કાયદામાં ચુંટાયેલા લોકપ્રતિનિધિઓની એવી કોઈ ફરજો કે જવાબદારીઓ ફિક્સ કરવામાં આવેલ નથી કે જેના દ્વારા ચુંટાયેલા સભ્યોની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા વિરુદ્ધમાં પગલા લઈ શકાય”

આ સિવાય અલગ અલગ રાજ્યવાર આરટીઆઈ કરીને માહિતિ માંગવામાં આવતા બિહાર વિધાનસભાએ જવાબ આપેલ કે “એવો કોઈ કાયદો કે જોગવાઈ નથી જેના દ્વારા ધારાસભ્યોની ફરજો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી હોય તેમજ અન્ય કોઈ કાયદો ન નથી જેના દ્વારા બિનકાર્યક્ષમ કે નિષ્ફળ ધારાસભ્યને સજા કરી શકાય. પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પણ ધારાસભ્યો બાબતે કોઈ કાયદો કે નિયમો હોવાનો ઈનકાર કર્યો હતો. હરિયાણા, આસામ, કેરાલા વગેરે વિધાનસભાએ પણ ધારાસભ્યોની ફરજો અને જવાબદારીઓ નક્કી કરતો કોઈ કાયદો કે નિયમ ન હોવાની માહિતી આપી હતી. સિક્કિમ વિધાનસભાએ માહિતી આપી હતી કે “પોતાના મતવિસ્તારમા જાહેર શાંતિ, જ્ઞાતિ અને ધર્મના લોકો વચ્ચે સામાજિક સુમેળભર્યુ વાતાવરણ બની રહે એ ચુંટાયેલા ધારાસભ્યોની મુખ્ય અને અગત્યની જવાબદારી છે” તેવો નિયમ અમલમાં છે. ગુજરાતમાં ચુટાયેલા જનપ્રતિનિધિની ફરજો અને જવાબદારી નક્કી કરતો કોઈ નિયમ કે કાયદો હાલમાં નથી.

આમ, સરકાર અને સરકાર ચલાવનારા નેતાઓ દરેક સરકારી કર્મચારીઓ અને દરેક નાગરિકો ની ફરજ અને જવાબદારી નક્કી કરે છે પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમની કેટલી જવાબદારી છે એ બાબતે કોઈ કાયદો નથી. નવી પેઢીના યુવાનો માટે એ માંગ કરવાનો સમય આવી ગયો છે કે જો કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ ન બજાવે તો સસ્પેડ થાય, કોઈ નાગરિક નિયમો ન પાળે દંડ થાય તેવી જ રીતે ચુંટાયેલો પ્રતિનિધિ પ્રજાનુ કામ ન કરે તો એને સજા થાય અને પાંચ વર્ષ પહેલા જ હોદ્દા ઉપરથી દુર થાય એવા કાયદાની જરૂરીયાત જણાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat