નગરપાલિકા એટલે શું?  નગરપાલિકાના કાર્યો, સત્તા અને જવાબદારી વિશે માહિતી.

સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે બંધારણમાં ૭૩મો અને ૭૪મો સુધારો કરી ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. નાના-નાના કામ માઅટે પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવુ પડે એટલા માટે સત્તાનુ વિભાજન કરી સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે. નગરપાલિકાઓ અને પંચાયતો પ્રજાને મહત્તમ સેવાઓ પુરી પાડવા માટે હોય છે પરંતુ નાગરિક તરીકે આપણે કાયદાઓ જાણતા ન હોવાના કારણે આપણી સાથે અન્યાય થાય છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ ફેલાવવાનુ કામ કરે છે જેમા આજે આપણે નગરપાલિકા વિશે જાણવાનો પ્રયાસ કરીશુ.

નગરપાલિકા એટલે શું?

નગરપાલિકા એ શહેરી/ટાઈન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. વર્ષ ૧૯૯૨માં બંધારણમાં ૭૪મો સુધારો કરી બંધારણમાં નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જોગવાઈ કરવા ૧૨મો ભાગ ઉમેરવામાં આવ્યો. બંધારણની જોગવાઈ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ મુજબ નગરપાલિકાઓ રચવામાં આવી જેમા ૧૫ હજારથી પાંચ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે. નગરપાલિકાના સભ્યોની સંખ્યા નવથી લઈને પંદર જેટલી હોય છે. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો કલેક્ટર સમક્ષ સોગંદ લે છે. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો પૈકી એક પ્રમુખ બને છે જે ન.પાના અધ્યક્ષ ગણાય છે.

નગરપાલિકાની ફરજો

૧) નગરપાલિકાની ફરજીયાત ફરજો : નગરપાલિકાના ફરજીયા કાર્યોમાં જાહેર સ્વચ્છ્તા અને આરોગ્ય, રોડ-રસ્તાની જાળવણી અને મરામ્મતનુ કામ કરવુ, તેમજ રસ્તાઓ બનાવવા, લોકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી, જાહેર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, નાગરિક સલામતી અને સંરક્ષણના કાર્યો કરવા, ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ અટકાવવી, મરેલા પશુનો નિકાલ કરવો, જન્મ-મરણ અને લગ્નની નોંધણી કરવી, કુદરતી આફતો સામે રક્ષણ કરવુ તેમજ આરોગ્યની વ્યવસ્થા કરવી એ નગરપાલિકાની ફરજીયાત જવાબદારીમાં આવે છે જ્યારે

૨) નગરપાલિકાની મરજીયાત ફરજો : નગરપાલિકાના મરજીયાત કાર્યોમાં રમત-ગમતના મેદાનો બનાવવા, બાગ-બગીચા બનાવવા, જાહેર સ્નાનાગાર, સાર્વજનિક મુતરડીઓ, સાર્વજનિક જાજરૂ, સ્મશાનગૃહ ઉભા કરવા અને નિભાવવા, પુસ્તકાલયો તેમજ વાંચનાલયો બનાવવા, માધ્યમિક શાળાઓ સ્થાપવી, ટાઉનહોલ બનાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર પરિવહનની વ્યવસ્થા, શાકમાર્કેટ કે બજારો બનાવવા, મનોરંજનની વ્યવસ્થા સહિત પ્રજાના કલ્યાણકારી કાર્યો કરવા એ મરજીયાત ફરજ છે.

નગરપાલિકાના આવકના સ્રોત શું?

નગરપાલિકાએ પ્રજાની સુખાકારી માટે ફરજીયાત અને મરજીયાત કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના વેરાઓમાંથી આવક ઉભી કરે છે જેમાં ૧) પાણીવેરો, ૨) મકાનવેરો, ૩) વાહનવેરો, ૪) મકાન અને જમીન ઉપરના વેરાઓ, ૫) મનોરંજનકર 6) દુકાનવેરો ૭) હોટલવેરો ૮) સફાઈવેરો ૯) વિવિધ ધંધા કે વ્યવસાય માટે આપવામાં આવતા લાયસન્સની આવક ૧૦) સંસ્થા કે ટ્રસ્ટના મકાનો/દુકાનો/શાકમાર્કેટ વગેરેના ભાડાની આવક ૧૧) સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટ ૧૨) નગરપાલિકાની પોતાની બચત ઉપર મળતુ વ્યાજ ૧૩) વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી મળતી આર્થિક સહાય ૧૪) ટાઉનહોલ કે મેદાન વગેરેનુ ભાડુ ૧૫) લગ્ન કે જન્મ/મરણ નોંધણી ફિ ની આવક વગેરે તમામ પ્રકારની આવક હોય છે.

 

નગરપાલિકાની મુખ્ય સમિતિઓ

૧) કારોબારી સમિતિ : નગરપાલિકાને લગતી વહીવટીય તેમજ નાણાકીય આવક જાવકની બાબતો અંગેની તમામ સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે. ચુંટાયેલા સભ્યો આ સમિતિના સભ્યો હોય છે. જાહેર વિકાસ અને પ્રજાની સુખાકારીને લગતા કામો અંગે કારોબારી સમિતિ નિર્ણય કરે છે.

૨) પાણી સમિતિ : ચુંટાયેલા એક સભ્ય તેના ચેરમેન હોય છે અને આ સમિતિ એ તમામ રહેણાંક, ઔધોગિક, તેમજ વાણિજ્યિક હેતુ માટે જરૂરીયા પ્રમાણે પાણીની વ્યવસ્થા કરવાની હોય છે. નળ કનેક્શન આપવા, નળ કનેક્શન રદ્દ કરવા સહિત વિસ્તારમાં ધાર્મિક સમારંભો, મેળાવડાઓ, ઉત્સવો વગેરેમાં મફત પાણી પુરુ પાડે છે.

૩) ટાઉન પ્લાનિંગ સમિતિ : ટાઉન પ્લાનિંગ સ્કિમ અંગેની કાર્યવાહી કરવી તેમજ કાપત જમીનો, સરકારી જમીનોનો વિકાસ વગેરેને લગતી કામગીરી કરવી.

૪) આરોગ્ય અને સફાઈ સમિતિ : નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની તેમજ સાફસફાઈની સુવિધાઓ માટે આ સમિતિની નિમણુક કરવામાં આવે છે.

૫) આ સિવાય જાહેર બાંધકામ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ લાઈટીંગ સમિતિ, વસુલાત સમિતિ, આકારણી સમિતિ વગેરેની રચના કરવામાં આવે છે.

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો

જિલ્લાની નગરપાલિકાઓના વહીવટના સંદર્ભમા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની નિયંત્રણ અંગેની જોગવાઇઓ અનુસંધાને નગરપાલિકાઓ ઉપર વહિવટી નિયંત્રણ રાખવાની કાર્યવાહીઓ જેમાં કલમ ૨૫૭ તળે તપાસ અને ૨૫૮, ૨૫૯ તળે પગલાઓ લેવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નગરપાલિકાઓમાં સંબધિત કાયદાઓની અમલવારી સરકારશ્રીની નિતિઓ અને કાયદાકીય બાબતોમાં નગરપાલિકાઓને માર્ગદર્શન, નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસ અને ચીફ ઓફિસરના કાર્યો ઉપર દેખરેખ અને નિયત્રણનો પણ સમાવેશ થાય છે. આમ, ડી.એમ.ઓ ઓફિસ જીલ્લાની નગરપાલિકાઓ માટે વહીવટી નિયંત્રક તરીકેની ભુમિકા ભજવે છે.

  • નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસણી.
  • નગરપાલિકાઓના મુખ્ય અધિકારીશ્રીઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયત્રણ.
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૨૫૭ તળે તપાસણી અને દેખરેખ રાખવી.
  • ગુજરાતનગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮ તથા ટાઉન પ્લાનિંગ એકટની કલમ-૬-બી તળે રીવ્યુ પાત્ર ઠરાવો મૉકૂફ કરવા અંગેની કાર્યવાહી કરવી.
  • ચીફ ઓફિસરશ્રીઓની સર્વિસબુક નિભાવવી, રજાઓ મંજૂર કરવી, ચાર્જની સોંપણી કરવી, તાલિમ પુરી પાડવી, અનિયમિતતાઓ અંગે સ્પષ્ટ્તા માંગી નિયામકશ્રીને અહેવાલ પાઠવવો.
  • તકેદારી આયોગના અહેવાલો સરકારશ્રી/ નિયામકશ્રી મોકલવવા બાબત અંગેની કાર્યવાહી કરવી.
  • નિયામકશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગરના આદેશો અને સુચનાઓ મુજબની અન્ય કામગીરી કરવી.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો ફેસબુક પર શેર કરો અને વધુ લેખ વાંચવા માટે બોલે ગુજરાત લાઈક કરો

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat