કોઈપણ પોલીસ સ્ટેશનમાં “૦” નંબર ફરીયાદ લખાવી શકાય છે, જાણો “0” નંબર FIR એટલે શુ?

આપણા દેશમા સરેરાશ નાગરિકોને કાયદાની જાણકારી હોતી નથી. ખાસ કરીને પોલીસ સ્ટેશન જેવી બાબતોમા નાગિરક જાગૃત ન હોવાના કારણે ફરીયાદ લખવામાં આવતી નથી. ઘણીવાર ગંભીર કિસ્સામાં પણ પોલીસ ફરીયાદ ન લખવાના કારણે ગુનેગારોને કાયદાનો ડર રહેતો નથી. ખાસ કરીને મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનાઓ હોય ત્યારે પોલીસે તાત્કાલિક ફરીયાદ નોંધીને બને એટલુ ઝડપી તપાસ કરવી જોઈયે.

આપણે અવારનવાર પોલીસ સ્ટેશન જઈયે છીયે જ્યાં આપણને ઘણીવાર કાયદાની અજ્ઞાનતાના કારણે તકલીફ પડતી હોય છે. કાયદાની જાણકારી ન હોવાના કારણે પોલીસ ધક્કા ખવડાવે છે, અથવા આપણી ફરીયાદ નોંધવાની ના પાડી દે છે. કાયદાની આંટીઘુંટી બતાવીને ઘણીવાર પોલીસ તમે મોડા આવ્યા છો એમ કહીને આપણી ફરીયાદ નોંધવાની ના પાડે છે. અને ઘણા કિસ્સામાં પોલીસ દ્વારા અમારી હદ લાગતી નથી એમ કહીને બીજા પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ માટે કાર્ય કરે છે ત્યારે આજના આર્ટિકલમાં આપણે જાણીશુ કે મોડામાં મોડુ કેટલા ટાઈમમાં ફરીયાદ લખાવી શકાય.

એફ.આઈ.આર (F.I.R) એટલે શું?

એફ.આઈ.આર ને અંગ્રેજીમાં “ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ” તેમજ ગુજરાતીમાં “પ્રથમ માહિતી અહેવાલ” કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ બનાવ કે ઘટનાની પોલીસ સમક્ષ જાહેરાત કરે કે માહિતી આપે અને પોલેસ તે માહિતી આધારે સી.આર.પી.સી કલમ – ૧૫૪ મુજબ પોતાના ચોપડે ગુન્હાની નોંધણી કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ખુન થાય જે વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ખુન અંગેની સૌ પ્રથમ માહિતિ પોલીસને આપે તેને ફરીયાદ કહેવાય અને ફરીયાદ આધારે પોલીસ એના ચોપડામાં ગુનાની નોંધ કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે.

સામાન્ય રીતે કોઈપણ ગુનાની ફરીયાદ જે જગ્યાએ ઘટના બની હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમા જ લખાવવાની હોય છે. દરેક પોલીસ સ્ટેશનમા એક ફરીયાદ રજીસ્ટર હોય છે જેમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી નોંધવામાં આવેલા ગુનાઓને ૧,૨,૩,૪,૫ એમ નંબર આપવામાં આવે છે. ભારતના દરેક પોલીસ સ્ટેશનમાં આવી રીતે ૧ નંબર આપવામાં આવે છે.

કોગ્નિઝેબલ ઓફેન્સ (પોલીસ અધિકારના ગુનાઓ) :

પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ કે, જેમા ગુનાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા મળેલી છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની કે આદેશની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસે પ્રથમ માહિતી આધારે સી.આર.પી.સી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ (પોલીસ અધિકારના ગુના) એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ, ગેરકાયદેસર મંડળી રચવી, સરકારી કર્મચારીના કામમાં અડચણ કરવી વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ટુંકમાં કોગ્નિઝેબલ ગુનાઓ એટલે જેમાં પોલીસ કોર્ટના વોરંટ વગર ધરપકડ કરી શકે તેવા ગુનાઓ.

નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારના ગુનાઓ) :

પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસને મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા લેખિત આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે. ટુંકમા નોન-કોગ્નિઝેબલ ગુના એટલે જેમાં પોલીસ મેજીસ્ટ્રેટની મંજુરી વગર ધરપકડ કરી શકે નહી તેવા ગુના.

ઝીરો (૦) નંબર ફરીયાદ એટલે શુ?

સી.આર.પી.સી કલમ – ૧૫૪માં જણાવ્યા મુજબ જો કોઈ કોગ્નિઝેબલ ગુનો બને છે તો તમે પોલીસ સ્ટેશન જઈને તરત જ પ્રથમ માહિતી આપી એફ.આઈ.આર લખાવી શકો છો. પરંતુ આ ફરીયાદ લખાવવા માટે તમારે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અથવા જ્યા ગુનો બન્યો હોય એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જ જવુ પડે જેથી કરીને યોગ્ય ફરીયાદ કરી શકાય. મોટાભાગના કેસમા પોલીસ પોતાનો વિસ્તાર લાગુ પડતો નથી એમ કહીને ફરીયાદીને કાઢી મુકે છે.

વર્ષ – ૨૦૧૨ માં દિલ્લીમા નિર્ભયા બળાત્કાર ઘટના બની ત્યારબાદ કાયદામાં સુધારો કરવા “જ્સ્ટીસ વર્મા કમિટીની” રચના કરવામાં આવી અને આ કમિટીની ભલામણ અનુસાર વર્ષ – ૨૦૧૩ માં “ફોજદારી કાર્યરિતિ (સંશોધન) અધિનિયમ – ૨૦૧૩” સંસદમાં પસાર કરીને ઝીરો નંબર ફરીયાદની જોગવાઈને વધારે સરળ અને કડક બનાવવામાં આવી. ઝીરો નંબરની ફરીયાદ કોઈપણ પોલીસ સ્ટેશનમાં કરી શકાય છે.

ઉપર જણાવ્યુ તેમ દરેક પોલીસ સ્ટેશનમાં ૧,૨,૩, એમ ફરીયાદ નંબર હોય છે પણ જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે ફરીયાદીને આમતેમ રખડાવ્યા વગર તાત્કાલિક ફરીયાદ નોંધતી વખતે ફરીયાદને સિરિઝ મુજબ નંબર આપવામાં આવતો નથી પરંતુ શુન્ય નંબરથી ફરીયાદ નોંધવામાં આવે છે. ત્યારબાદ ગુનો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હોય ત્યા આ ફરીયાદને ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજા લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આ ફરીયાદને સિરિઝ મુજબ નંબર આપવામાં આવે છે અને સમગ્ર મામલાની તપાસ બીજા પોલીસ સ્ટેશનમાં થાય છે.

ઝીરો (૦) નંબર ફરીયાદ શા માટે?

કોઈ ગંભીર પ્રકારની ઘટનામાં તાત્કાલિક પુરાવા એકઠા કરવા, પુરાવાનો નાશ થતો રોકવા, આરોપીઓને પકડવા માટે અથવા તાત્કાલિક તપાસ કરવા સારૂ. દા.ત કોઈ મહિલાનુ અમદાવાદથી અપહરણ કરીને રાજકોટમાં લઈ જઈ બળાત્કાર કરવામાં આવે તો બળાત્કારની ફરીયાદ અમદાવાદમાં કરવા જાય તો ઘણો સમય લાગી જાય આથી અપહરણ અને બલાત્કાર બંનેની ફરીયાદ રાજકોટમાં જ નોંધવામાં આવે તો તાત્કાલિક ભોગ બનનારની મેડિક્લ સારવાર, સ્થળ ઉપરથી પુરાવા વગેરે ભેગા કરી શકાય. આમ, રાજકોટ પોલીસ ઝીરો નંબર ફરીયાદ નોંધીને અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરે ત્યારબાદ સમગ્ર તપાસ અમદાવાદ પોલીસ કરે.

કેવા કિસ્સામાં ઝીરો ફરીયાદ કરી શકાય?

બલાત્કાર, ખુન, લુંટ, ધાડ, યૌનશોષણ, દહેજ, મહિલાને સાસરીમાં ત્રાસ જેવી અનેક બાબતોમાં ઝીરો નંબરથી ફરીયાદ કરી શકાય. ટુંકમાં ઝીરો ફરીયાદ નોંધતી વખતે પોલીસ સ્ટેશનની હદ કે ગુનો બન્યાનું સ્થળ ધ્યાને લેવામાં આવતુ નથી. ઝીરો ફરીયાદનો ઉદ્દેશ્ય ભોગ બનનારને વધુમાં વધુ ઝડપે ન્યાય આપવા, તપાસ કરવા, પુરાવા એક્ઠા કરવા, આરોપી એરેસ્ટ કરવાના શુભ આશયથી નોંધવામાં આવે છે.

ટુંકમાં આપણી આસપાસમાં કોઈપણ પ્રકારનો ગુનો બને એટલે ડર્યા કે શરમાયા વગર પોલીસે સ્ટેશને જઈને પ્રથમ માહિતી આપી ફરીયાદ લખાવવી જોઈયે, જો પોલીસ ફરીયાદ ન લખે તો લેખિતમાં અરજી આપવી જોઈયે અને અરજી આધારે ફરીયાદ દાખલ ન કરવામાં આવે તો કોર્ટમાં જવુ જરૂરી છે. કાયદો જાણો અને કાયદાના ઉપયોગથી જાગૃત નાગરિક બનો એવી બોલે ગુજરાતની અપીલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરો અને વિવિધ કાયદાકીય માહિતી માટે અમારૂ પેજ “Bole Gujarat” લાઈક કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat