ચૂંટણી વિશેષ : રાજકીય પક્ષોને “રાષ્ટ્રીય” કે “પ્રાદેશિક” પક્ષનો દરજ્જો ક્યારે મળે?

Source : Google

ભારત એક ચૂંટણીપ્રધાન દેશ છે એમ કહીયે તો અતિશયોક્તિ નથી કેમ કે આપણે ત્યાં ક્યાં નાની-મોટી ચૂંટણીઓ ચાલુ જ હોય છે. દેશમાં એટલી બધી ચૂંટણીઓ આવે છે કે દેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને બંધારણીય હોદ્દા ધરાવતા રાજનેતાઓ પણ ૨૪ કલાક પાંચ વર્ષ ચૂંટણી પ્રચારના નશામાં જ હોય છે. ચૂંટણીઓમાં અસંખ્ય પાર્ટીઓ પોતાના તરફથી ઉમેદવારો ઉભા રાખે છે જ્યારે અમુક કિસ્સામાં ઉમેદવારો અપક્ષ ઉમેદવારી પણ કરતા હોય છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના, સપા, બસપા, આરજેડી, જેડીયુ, એડીએમકે જેવી અનેક પાર્ટીઓ વિશે આપણે જાણીયે છીએ પણ આ તમામ પાર્ટીઓ રાષ્ટ્રીય છે કે પ્રાદેશિક છે તેની કાયદાકીય કહીકત આપણે જાણતા નથી.

રાજકીય પાર્ટી એટલે શું?

રાજકીય પાર્ટીઓનાં અસ્તિત્વનો ખ્યાલ ૧૯મી સદીમાં યુરોપ અને અમેરીકામાં ઉદભવ્યો હતો અને ત્યારથી જ રાજકારણમાં પાર્ટીઓની શરૂઆત થઈ. રાજકીય પક્ષની વ્યાખ્યા મુજબ “સમાન રાજકીય વિચારો ધરાવતા તેમજ ચૂંટણીઓ લડી રાજકીય શક્તિઓ મેળવવા અને સરકાર ચલાવવા ઈચ્છતા લોકોનો કોઈ સમૂહ સંગઠિત થાય તેને પાર્ટી કહેવામાં આવે છે”. ભારતમાં ચૂંટણી અંગેનાં કાયદા “લોકપ્રતિનિધિત્વ ધારો – ૧૯૫૧”ની જોગવાઈ મુજબ ચૂંટણી પંચ દ્વારા રાજકીય પાર્ટીઓની નોંધણી કરવામાં આવે છે. નોંધાયેલી રાજકીય પાર્ટીઓ મુખ્યત્વે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવતી તેમજ પ્રાદેશિક પાર્ટીનો દરજ્જો ધરાવતી અને સામાન્ય નોંધાયેલી પાર્ટીઓ વગેરે પ્રકાર ગણી શકાય.

કોઈપણ રાજકીય પાર્ટીની નોધણી કરાવવાથી શું ફાયદો થાય?

  • નોધાયેલી રાજકીય પાર્ટીઓ કોઈપણ કંપની, વ્યક્તિ કે સંગઠન પાસેથી ફંડ મેળવી શકે છે. જ્યારે અપક્ષ ઉમેદવારો ફંડ મેળવી શકતા નથી.
  • ચુંટણી વખતે ફ્રિ ઉપલબ્ધ નિશાન (સિમ્બોલ) ફાળવણી વખતે નોધાયેલી કોઈપણ રાજકીય પાર્ટીનાં ઉમેદવારને ચિહ્ન પસંદ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
  • નોંધાયેલ પાર્ટીઓ નિયત ધારાધોરણો પૂર્ણ કર્યે પોતાને રાષ્ટ્રીય કે પ્રાદેશિક કક્ષાની પાર્ટી તરીકેનો દરજ્જો મેળવી શકે છે.

“રાષ્ટ્રીય પાર્ટી” એટલે શું?

  • જે પાર્ટી અલગ અલગ ત્રણ રાજ્યોની મળીને લોકસભામાં ૨% બેઠક (૨૦૧૪ લોકસભામાં મુજબ કુલ ૧૧ બેઠક) ઉપર જીત મેળવે
  • જે પાર્ટી લોકસભા ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યોની ચાર લોકસભા બેઠક ઉપર ઓછામાં ઓછા ૬% મત મેળવે
  • જે પાર્ટી ચાર અથવા ચાર કરતા વધુ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો ધરાવતી હોય. આમ ઉપરોક્ત ધારાધોરણ ધરાવતા રાજકીય પક્ષને નેશનલ પાર્ટી (રાષ્ટ્રીય પક્ષ)નો દરજ્જો મળે છે. ભારતમાં હાલમાં BJP, Congress, CPI(M), CPI, BSP, NCP, TMC આ સાત પાર્ટીઓ નેશનલ પાર્ટીનો દરજ્જો ધરાવે છે.

“પ્રાદેશિક પાર્ટી” એટલે શું?

  • કોઈપણ રાજકીય પક્ષ રાજ્યની કુલ વિધાનસભા બેઠકમાંથી ઓછામાં ઓછી ૩% બેઠક મેળવે અથવા આખા રાજ્યમાં કુલ – ૩ બેઠક મેળવે,
  • રાજકીય પાર્ટીએ જે – તે રાજ્યની કુલ લોકસભા બેઠકોમાં દર ૨૫ લોકસભા બેઠકમાં એક લોકસભા બેઠક ઉપર જીત મેળવવી પડે
  • જે રાજકીય પાર્ટી વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં ૧ લોકસભા સીટ અથવા બે વિધાનસભા સીટ સાથે જે – તે ચૂંટણીમાં કુલ મતદાનનાં ૬% મત મેળવે
  • રાજકીય પાર્ટીઓ પ્રત્યે ઉદારાતા દાખવા એક જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પાર્ટી વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં એકપણ બેઠક જીતે નહિ તેમ છતાં તેને પ્રાદેશિક દરજ્જો આપી શકાય. આ માટે પાર્ટીએ જે – તે ચૂંટણીમાં રાજ્યના કુલ મતદાનના ૮% મત મેળવવા પડે.

ભારતમાં હાલમાં AAP, AIADMK, TDP, AIMIM, TRS, RJD, MNS, JD(U), BJD, JDS, DMK જેવી નામચીન પ્રાદેશિક પાર્ટીઓ મળીને કુલ – ૪૮ પાર્ટીઓ પ્રાદેશિક પાર્ટીનો દરજ્જો ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૧૩ એપ્રિલ ૨૦૧૮ની સ્થિતિએ ભારતમાં ૭ રાષ્ટ્રીય પાર્ટીઓ, ૪૮ પ્રાદેશિક પાર્ટીઓ અને ૨૦૪૪ જેટલી બિનઉલ્લેખિત પાર્ટીઓ અસ્તિત્વમાં છે.

“રાષ્ટ્રીય” કે “પ્રાદેશિક” દરજ્જો મળવાથી શું ફાયદો થાય?

  1. રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત પાર્ટીને લોકસભા ચૂંટણીમાં તેમજ પ્રાદેશિક દરજ્જો પ્રાપ્ત પાર્ટીને વિધાનસભા ચૂંટણી દરમ્યાન તેમના માટે અનામત ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવે છે. જયારે અન્ય પાર્ટીઓને પોતાના નિયત કરેલ ચૂંટણી ચિહ્નો મળતા નથી. દા.ત કોંગ્રેસને હાથ અને ભાજપને કમળનું નિશાન બધા ઉમેદવારોને એકસમાન મળે પરંતુ પણ અન્ય પાર્ટીનાં બધા જ ઉમેદવારોને એકસરખું નિશાન ન મળે.
  2. દરજ્જા પ્રાપ્ત પાર્ટીને પાર્ટી કાર્યાલય બનાવવા માટે સબસીડી ઉપર જમીન મળવાપાત્ર છે.
  3. દરજ્જાપ્રાપ્ત પાર્ટીને લોકસભા ચૂંટણી દરમ્યાન સરકારી બ્રોડકાસ્ટ કંપની જેવી કે દુરદર્શન/આકાશવાણી તેમજ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર મફત પ્રચાર કરવા મળે છે.
  4. દરજ્જાપ્રાપ્ત પાર્ટીને લોકસભા ચૂંટણી દરમ્યાન મફતમાં એક નકલ મતદારયાદી મળવાપાત્ર રહે છે.
  5. દરજ્જાપ્રાપ્ત પાર્ટીઓ લોકસભા ચૂંટણી દરમ્યાન પોતાના પક્ષનાં પ્રચાર માટે “સ્ટાર કેમ્પેનર”ની યાદી બહાર પાડી શકે છે જેમાં “રાષ્ટ્રીય કે પ્રાદેશિક” દરજ્જો ધરાવતી પાર્ટી 40 દરજ્જો વગરની સામાન્ય પાર્ટી 20 સ્ટાર કેમ્પેનરની યાદી બહાર પાડી શકે છે.
  6. સ્ટાર કેમ્પેનરની ચૂંટણી સભાઓ દરમ્યાન હેલીકોપ્ટર કે અન્ય મુસાફરી ખર્ચો ચૂંટણી ખર્ચ ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં ગણતરીમાં કે ધ્યાને લેવામાં આવતો નથી.

આમ ભારતમાં રાજકીય પાર્ટીઓ માટે ખુબ જ જોગવાઈઓ અને સુવિધાઓ કરવામાં આવી છે. આગળનાં આર્ટીકલમાં આપણે રાજકીય પાર્ટીઓને “ચૂંટણી ફંડ”ની તમામ કાયદાકીય જાણકારી મેળવીશું.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat