વીર ભગતસિંહ પોતાની આત્મકથા “હું નાસ્તિક શા માટે છું?”માં ઈશ્વર વિશે શું લખ્યું છે? જાણો ભગતસિંહના વિચારો

હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર (કે ધર્મ) કોઈ વ્યક્તિ પાપ કે ગુનો કરતો હોય તે પહેલા તેને રોકી શકતો નથી? ઈશ્વર માટે તો તે બાળરમત હશે ને! શા માટે તેણે યુદ્ધખોરોને મારી ન નાખ્યા? શા માટે તેણે તેમના (યુદ્ધખોરોનાં) મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢ્યો? આ રીતે તેણે માનવજાતને મોટી આફતો અને ત્રાસદીથી બચાવી હોત. શા માટે તે બ્રિટીશરોમાં માનવતાવાદી લાગણીઓ રેડતો નથી કે જેથી રાજી-ખુશીથી તેઓ ભારત છોડીને ચાલ્યા જાય? હું પૂછું છે કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હ્રદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે. જો તમે સમાજવાદી સિદ્ધાંતની વ્યવહારદક્ષતાના અંગે દલીલ કરશો તો હું તો તમારા સર્વશક્તિશાળી ઈશ્વર પર તેનું અમલીકરણ છોડી દઉં છું. સામાન્ય લોકો સમાજવાદી સિદ્ધાંતના ફાયદા સમાજ કલ્યાણની યોજનાઓ સુધી જ સમજે છે અને પછી તેનું અમલીકરણ ન થઇ શકે તેવા બહાનાં હેઠળ તેનો વિરોધ કરે છે. ભલે તો પછી ઈશ્વરને આગળ વધવા દો અને બધું વ્યવસ્થિત કરી દેવા દો! હવે તર્કને તરકટ કરવાનું બંધ કરીએ. બ્રિટીશ રાજ એ ઈશ્વરીય ઇચ્છાના લીધે નથી પણ આપણે મક્કમતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે કે જેમાં એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. ઈશ્વર ક્યાં છે? તે શું કરે છે? તેને આ બધું કરીને કોઈ વિકૃત મજા આવી રહી છે? એક નીરો! એક ચંગીઝ ખાન! મુર્દાબાદ!
વીર ભગતસિંહ (તેમની આત્મકથા “હું નાસ્તિક શા માટે છું?”)

શરીર ઉપર અવનવા ટીલા-ટપકા-દોરા-ધાગા-માળા-માદળીયા કરીને, કરોડોની કથાઓમાં તાબોટા પાડતા, ભગવું લુગડુ ભાળીને ગમે તેના પગમાં પડી જતા અને ગામને ત્યાગનાં ઉપદેશ આપી ભોગ-વિલાસમાં રાચતા કથાકારો પાછળ દીવાના બનીને ફરતા અને પછી ફેસબુક પર “હેપ્પી બર્થ ડે ભગતસિંહ” લખતા યુવાનોએ ભગતસિંઘની આત્મકથા “હું નાસ્તિક શા માટે છું?” વાંચવી જોઈએ.

એન્જીનીયરીંગ કર્યા પછી ગળામાં શક્તિવર્ધક માદળીયા પહેરીને સરકારો બદલવા નીકળેલા કે કથાઓમાં જઈને ભોગ-વિલાસી ધુતારા કથાકારો પાસે સંસ્કારનાં ઉપદેશો સાંભળી ક્રાંતિ કરવા નીકળેલા કે કહેવાતી ધાર્મિક લાગણીનાં નામે મારવા/મારવા તૈયાર થઈ જતા કે પછી ધાર્મિક તહેવારો ઉપર ટોળે વળીને દેશ બદલવાની કે સીસ્ટમ બદલવાની વાતો કરતા કે મંદિરોનાં ઘંટ વગાડી વગાડીને ઘંટ જેવા થઈ ગયેલા વિચારો સાથે ભ્રષ્ટાચાર બંધ કરવાની વાતો કરતા યુવાનોએ ભગતસિંઘનાં ફોટા મુકીને એમનું અપમાન ન કરવું જોઈએ અથવા તો ભગતને વાંચવા જોઈએ.

ફક્ત ૨૩ વર્ષની નાની ઉંમરે ફાંસીનાં માચડે હસતા હસતા લટકી જનાર વીર ભગતસિંઘે ૨૩ વર્ષમાં કેટલું તર્કબદ્ધ અને આધુનિક અભીગમથી વિચારી લીધું હતું એ આજે આપણે સમજી શકીયે છીએ. ઉપરના પેરેગ્રાફમાં અંગ્રેજો વિશે ભગતસિંઘે કહ્યું છે કે “બ્રિટીશ રાજ એ ઈશ્વરીય ઇચ્છાના લીધે નથી પણ આપણે મક્કમતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે”

અંગ્રેજોનાં વારસદાર સમાન આજની તાનાશાહ સરકાર સામે લડવા નીકળેલા કે કઈક બદલવા નીકળેલા યુવાનો કોર્ટ, કચેરી, કર્મચારી અને બંદુકનાં નાળચાથી ચાલતી સરકારને ચેલેન્જ આપવા ગણપતી કે નવરાત્રીનાં આયોજનો કરે એનાથી સરકારને શું ફર્ક પડે? સરકાર બોમ્બ, બંદુક, રાયફલ, પિસ્તોલ, તોપ, પોલીસ, અદાલત, સેના, સચિવ, ન્યાયધીશ, કાયદાથી ચાલે અને તમે સરકાર બદલવા કે સીસ્ટમ બદલવા ગણપતી ઉત્સવ કરશો તો બદલાવ આવી જશે??

ધર્મનાં ઠેકેદારો યુવાનોને વૈચારિક રીતે નપુંસક બનાવી રહ્યા છે અને તમે એની જ ભક્તિ કરતા કરતા કે વિવિધ સંપ્રદાય ઠેકેદારોની ચરણસેવા કરતા કરતા કે નીકળી પડેલા કથાકારોની કથાઓ સાંભળી – સાંભળીને ક્રાંતિ કરવા નીકળેલા ભ્રાંતિકારીઓ યુવાનોએ ભગતસિંઘનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.

કાશ ફેસબુક ડી.પીમાં કે વ્હોટસએપમાં ભગતસિંઘનો ફોટો લગાવવાથી ભગતસિંઘ બની જવાતું હોત તો કેટલું સારૂ હતું??

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat