શુ છે SC-ST એટ્રોસીટી એક્ટ કાયદો? એટ્રોસીટીમાં જામીન કેમ ન મળે? જાણો એટ્રોસિટી કાયદાની માહિતી.

દલિતો અને આદીવાસીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વિશે કોઈ અજાણ નથી. રોજેરોજ છાપામાં દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈએ છીયે ત્યારે શું તમે જાણો છો એટ્રોસિટી એક્ટ શું છે? તેમા કેવી જોગવાઈ કરવામાં આવી છે? આ કાયદામાં કેટલી સજાની જોગવાઈ છે? ભોગ બનનારને શુ શુ અધિકારો આપવામાં આવ્યા છે વગેરે તમામ બાબતો આજના બોલે ગુજરાતના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

 

એટ્રોસિટી એક્ટ શા માટે?

અનુસૂચિત જાતિ અને જનજાતિના તમામ સામાજિક આર્થિક ફેરફારો છતાં એમની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. સામાજિક ક્રુરતાના અસંખ્ય કિસ્સાઓ બની રહેલ છે જેમા  જેમાં SC/ST સભ્યોએ પોતાની સંપત્તિની સાથે જીવ પણ ગુમાવવો પડ્યો છે, જ્યારે પણ આ લોકો પોતાના અધિકારોની વાત કરે છે અને કોઈ ખોટી વાતનો વિરોધ કરે છે તો તાકતવર લોકો તેમને હરાવવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય જ્યારે પણ SC-ST સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો પોતાની અને પોતાની મહિલાઓના આત્મ-સમ્માનની વાત કરે છે ત્યારે પ્રભાવશાળી લોકો તેમને અપમાનિત કરે છે.  આવી સ્થિતિમાં જે કાયદો ઓલરેડી અસ્તિત્વમાં હતો તે સિવિલ રાઈટ એક્ટ-1955 અને ભારતીય દંડ સંહિતામાં કરવામાં આવેલી જોગવાઇઓ SC/ST સભ્યોને ન્યાય અપાવવામાં નબળી પડી રહી હતી, આથી SC/ST પર અત્યાચાર કરતા લોકોને સજા આપવા માટે આકરો કાયદો બનાવવાની જરૂરીયાત ઉભી થઈ. આમ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સભ્યો વિરુદ્ધ અત્યાચારના ગુના અટકાવવા માટે તેમજ આવા અત્યાચારના ગુનાઓની ન્યાયિક કાર્યવાહી કરવા માટે ખાસ અદાલતો અને વિશિષ્ટ અદાલતોની સ્થાપના કરવા માટે, તેમજ અત્યાચારનો ભોગ બનેલા સભ્યો કે પરિવાર કે સમુહને રાહત આપી તેમના પુનર્વસન કરવા માટે અને આ પ્રકારની ઘટનાઓ સાથે જોડાયેલી બાબતો માટે યોગ્ય કાનૂની જોગવાઈ કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો ઘડવામાં આવેલ છે.

એટ્રોસિટી એક્ટ એટલે શુ?

ભારતની સંસદમાં “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989” નામનો કાયદો પસાર કરવામાં આવ્યો અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આ સિવાય વર્ષ 2016માં સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કરી અને વધુ કડક જોગવાઈઓ સાથેના નવા સંસોધનો 14 એપ્રિલ, 2016ના રોજ આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે લોકો અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી તે તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. જેઓ. જો કોઈ વ્યક્તિ SC-ST સમુદાયના સભ્યને હેરાન-પરેશાન કરે તો, તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંતર્ગત કાર્યવાહી કાયદાકિય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેણે IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે.

આ કાયદો ક્યારે લાગુ પડે

SC-STના લોકોને જાહેરમા અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવળાવવું, સામાજિક બહિષ્કાર કરવો, SC-STના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, ચુંટણીમાં મત આપતાં રોકવો કે મત દેવા માટે દબાણ કરવું, કોઇ સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહીતની કોઇપણ પ્રકારની હેરાનગતીના ગુનામાં આ કાયદો લાગુ પડે છે.

 • કલમ-૩(૧)(એ) મુજબ SC/STના કોઈ સભ્યને બળજબરીપુર્વક અખાદ્ય ખોરાક ખવડાવવો અથવા આવો ખોરાક ખાવાની ફરજ પાડવી
 • કલમ-૩(૧)(બી) મુજબ SC/STના કોઈ સભ્યના કબજાવાળી કોઈ જગ્યામાં વિષ્ટા. મળ, કચરો, પશુના મડદા કે અન્ય કોઈ ધૃણાસ્પદ પદાર્થ નાખવો.
 • કલમ-૩(૧)(ડી) મુજબ SC/STના કોઈ સભ્યને જુતાનો હાર પહેરાવવો અથવા અથવા નગ્ન કે અર્ધનગ્ન હાલતમા જાહેરમાં ફેરવે
 • કલમ-૩(૧)(ઈ) મુજબ SC/STના કોઈ સભ્ય ઉપર બળજબરી કરીને તેના કપડા ઉતારવા, બળજબરીપુર્વક માથાનુ મુંડન કરવુ, મુંછો કાપી નાખવી, શરીર અથવા મોઢુ રંગી નાખવુ વગેરે જેવા સન્માન હણાય તેવા અપમાનજક કૃત્ય કરે.
 • કલમ-૩(૧)(એફ) મુજબ SC/STના કોઈ સભ્યની માલિકીની હોય અથવા તેને ફાળવવામાં આવેલી હોય અથવા તેમને ફાળવવાની જાણ કરેલ હોય તેવી જમીનનો ગેરકાયદેસર કબજો મેળવે અથવા ખેતી કરે અથવા તેવી જમીન તબદિલ કરાવી લે.
 • કલમ-૩(૧)(આઈ) મુજબ SC/STના કોઈ સભ્યને માનવ અથવા જાનવરના મડદાનો નિકાલ કરવા અથવા લઈ જવા અથવા કબરો ખોદવાની ફરજ પાડવામાં આવે.
 • કલમ-૩(૧)(જે) મુજબ SC/STના કોઈ સભ્યને હાથે માનવ મળ સફાઈ કામ કરાવે અથવા તેવા હેતુ માટે નોકરીએ રાખે
 • કલમ-૩(૧)(કે) મુજબ SC/STની કોઈ સ્ત્રીને દેવતા, મંદિર અથવા ધાર્મિક સ્થાનોમાં દેવીદાસી તરીકે અથવા આવી અન્ય પ્રથાનુ કામ કરાવે
 • કલમ-૩(૧)(એલ) મુજબ SC/STના કોઈ સભ્યને મત આપવા, મત ન આપવા, ચુંટણીમા ઉભા ન રહેવા, અથવા ફોર્મ પાછુ ખેચી લેવા, ફરજ પાડે, ડરાવે કે ધમકાવે.
 • કલમ-૩(૧)(પી) મુજબ SC/STના કોઈ સભ્યની વિરુદ્ધમાં ખોટો, દ્વેષપુર્ણ, અથવા હેરાન કરવાના ઈરાદે પોલીસ ફરીયાદ કરે અથવા અન્ય કાર્યવાહી કરે વગેરે પ્રકારની તમામ બાબતો આ કાયદા મુજબ સજાપાત્ર ગુનો છે.

આ સિવાય એસસી/એસટી સભ્યોનો સામાજિક કે આર્થિક બહિષ્કાર કરે, કોઈ સરકારી સેવાનો લાભ લેતા અટકાવે, ચુંટાયેલા પ્રતિનિધિ હોય અને તેના કામમાં અડચણ ઉભી કરે, જાહેરમાં અપમાન કરે, જાતિવિષયક અપશબ્દો બોલે, SC/ST સભ્યો વિરુદ્ધ તિરસ્કાર ફેલાવે, ગામ છોડવા મજબુર કરે, મોટરસાયકલ કે કાર ચલાવતા અટકાવે, લગ્નનુ સરઘસ કાઢતા અટકાવે, કોઈપણ શાળા/દવાખાના/દુકાન/હોટલ વગેરેમાં પ્રવેશતા અટકાવવા વગેરે તમામ બાબતો ગુનો બને છે.

સજાની જોગવાઈ શું હોય

 • અત્યાચાર અધિનિયમની જોગવાઈ મુજબ અલગ અલગ પ્રકારના ગુનાઓ કરવા બદલ છ મહિનાની જેલથી લઈને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સિવાય અમુક ખાસ જોગવાઈઓ પણ છે જેવી કે
 • કલમ-૭ મુજબ SC/STનો સભ્ય ન હોય તેવો કોઈપણ વ્યક્તિ એટ્રોસિટી એક્ટ મુજબ કોર્ટમા ગુનેગાર સાબિત થાય ત્યારે ન્યાયાધીશ ઓર્ડર કરીને તે વ્યક્તિ દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવામાં આવી હોય તેવી આરોપીની સ્થાવર કે જંગમ મિલકત સરકાર હસ્તક લઈ શકે છે.
 • કલમ-૮ મુજબ કોર્ટમાં એવુ સાબિત થાય કે ગુનેગાર આરોપીને અન્ય કોઈ વ્યક્તિએ આર્થિક મદદ કરી છે તો તે વ્યક્તિને પણ આરોપી માની લેવામાં આવશે તેમજ જો કોર્ટમાં એવુ સાબિત થાય આરોપી પોતે ભોગ બનનાર અથવા તેના કુટુંબ અંગે જાણકારી હતી તો તેણે જાણીજોઈને આ કૃત્ય કર્યુ છે એમ માની લેવામાં આવશે.
 • કલમ-૧૬ મુજબ સરકાર SC/ST સભ્યો ઉપર અત્યાચાર કરતા ગામ, સમુહ કે સમાજ ઉપર સામુહિક દંડ નાખી શકે છે.
 • કલમ-૧૮ મુજબ એટ્રોસિટી એક્ટનો ગુનો કરનાર આરોપીને આગોતરા જામીન મળી શકતા નથી.

આમ, એટ્રોસિટી કાયદા મુજબ અત્યાચારના કેસમાં IPCની સજા ઉપરાંત SC-ST એક્ટમાં અલગથી 6 માસથી લઈને ઉંમરકેદ સુધીની સજા અને દંડની જોગવાઈ કરાઈ છે. જો કોઈ સરકારી અધિકારીએ ગુનો કર્યો હોય તો,  IPC ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત 6 માસથી 1 વર્ષની સજા થઈ શકે છે.

ભોગ બનનાર અને સાક્ષીના અધિકારો

એટ્રોસિટી એક્ટ મુજબ અત્યાચારાનો ભોગ બનનાર વ્યક્તિને આ કાયદાની કલમ-૧૫ મુજબ ભોગ બનનારને સુરક્ષા આપવાની જવાદારી રાજ્ય સરકારની છે. તેમજ કેસની તપાસ, પુછપરછ, અને કોર્ટ કાર્યવાહી દરમ્યાન ભરણપોષણ અને પરિવહનનો ખર્ચો મેળવવાપાત્ર છે. ભોગ બનનાર પરિવારનું પુન:સ્થાપન કરવાની તેમજ યોગ્ય વળતર આપવાની જવાબદારી પણ સરકારની છે.

વિશેષ અદાલતની વ્યવસ્થા

અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ-14 મુજબ એટ્રોસીટી એક્ટના દાખલ થયેલ કેસના ટ્રાયલ માટે વિશેષ અદાલતની વ્યવસ્થા કરાઈ છે. જે દરેક રાજ્યમાં ચાલું હોય છે.  જો કોઈ વ્યક્તિ સામે આ એક્ટ અંતર્ગત કેસ દાખલ થાય છે તો, પોલીસે એ શખ્સની તાત્કાલીક ધરપકડ કરવી પડે છે. આ કેસમાં સંડોવાયેલા શખ્સને કોઈપણ પ્રકારના આગોતરા જામીન મળતા નથી. ધરપકડ બાદ માત્ર હાઈકોર્ટ જ જામીન આપી શકે છે. ઉપરાંત શખ્સની ધરપકડના 60 દિવસની અંદર જ પોલીસે ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. આ ચાર્જશીટ દાખલ થયા બાદ વિશેષ અદાલતમાં સમગ્ર મામલાની સુનાવણી થાય છે.

ભારતના બંધારણની કલમ – 21 હેઠળ જીવન જીવવાના અધિકાર અંતર્ગત આરોપીના અધિકારોનું રક્ષણ કરવું એ મહત્વપૂર્ણ છે, તો બીજી તરફ SC/ST સમુદાયના લોકોને બંધારણના આર્ટિકલ 21 અને આભડછેટ પ્રથા વિરુદ્ધ આર્ટિકલ 17 હેઠળ રક્ષણ આપવું પણ જરૂરી છે.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

 1. સરસ ઉપયોગી માહિતી મળી…ગ્રામપંચાયત અને તેની સમિતિઓ તેમજ તેના બજેટ વિશે ની માહિતી હોય તો પોસ્ટ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat