NOTA : મતદાર તરીકે તમારે આટલી બાબતો જાણવી જરૂરી છે.

ભારતના બંધારણથી આપણને પુખ્તમતાધિકાર મળેલ છે. 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. જો મતદારને કુલ ઉમેદવારોમાંથી કોઈ એક ઉમેદવારને પોતાનો મત આપવાનો અધિકાર હતો પણ જો કોઈ ઉમેદવાર પસંદ ન હોય તેવા સંજોગમાં કોઈ વિકલ્પ હતો નહી. રાજકારણમાં વધેલ ભ્રષ્ટાચાર, અપરાધિકરણ, કોમવાદ અને ગુંડાગિરદીના કારણે ચૂંટણીમાં ઉમેદવારો ઉપરથી વિશ્વાસ ઉઠી જવાના સંજોગો વધ્યા છે.

લોકશાહીમાં લોકતંત્રમાં જળવાઈ રહે એ માટે સારો વ્યક્તિ ચૂંટાય અને સરકારમાં જાય તે ખૂબ જ જરૂરી છે. હાલની ચૂંટણીઓમાં લોકોની અપેક્ષા મુજબના ઉમેદવારો મળવાનું મુશ્કેલ બનતું જાય છે ત્યારે ભારતમાં “NOTA – ઉપરમાંથી કોઈ નહિ”ના વિકલ્પની જરૂરિયાત ઉભી થયેલ. જાણો શુ છે આ નોટા મત?

 

NOTA શુ છે?

NOTA મતદારોનો “નાપસંદ કરવાનો અધિકાર છે” જેવી રીતે ચૂંટણીમાં ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર છે એવી જ રીતે નાપસંદ કરવાનો પણ અધિકાર હોવો જોઈએ જેથી કરીને ચૂંટણી પ્રક્રિયા વધુ સારી બને એવા ઉદ્દેશ્ય સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા 2013માં ભારતના ચૂંટણી પંચને NoTA વિકલ્પ પૂરો પાડવા દિશાનિર્દેશ કરેલ. NOTAને ગુજરાતીમાં નકારાત્મક મત કહી શકાય છે અને 2013ના સુપ્રિમ કોર્ટના ઓર્ડરથી સમગ્ર દેશની ચૂંટણીમાં નોટા વિકલ્પ આપવામાં આવે છે.

ભારતમાં પ્રથમવાર NOTAનો ઉપયોગ ક્યારે થયેલ?

વર્ષ 2013માં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં દેશમાં સૌપ્રથમવાર NOTA નો ઉપયોગ કરવામાં આવેલ જેમાં પાંચેય રાજ્યોના મળીને 15 લાખ જેટલા મતદારોએ NOTAમાં મતદાન કર્યું હતું. આ મતદાન કુલ મતદાનના 1.5 જેટલું ગણી શકાય.

 

શુ 2013 પહેલા NOTA “નાપસંદ કરવાની” જેવી કોઈ વ્યવસ્થા હતી?

હા, NOTA અમલમાં આવ્યા પહેલા પણ ઉમેદવારને નાપસંદ કરવાની વ્યવસ્થા અમલમાં હતી. એ વ્યવસ્થા મુજબ જો તમે કોઈને વોટ આપવામાં માંગતા ન હોય તો તમારે એક રજીસ્ટરમાં તમારું નામ, મતદારયાદી ક્રમાંક વગેરે વિગત લખીને એક અલગ બેલેટ પેપર ઉપર તમારો NOTA મત આપી શકતા હતા.

ચૂંટણી નિયમો – 1961ની કલમ 49(O) મુજબ કોઈને મત આપવા ન માંગતા મતદાતાએ ચૂંટણી ફોર્મ નં-17(A) ભરીને પોતાનો નકારાત્મક મત આપી શકતા હતા પરંતુ આમાં મતદારની ઓળખ ગુપ્ત ન રહેતી હોવાના કારણે સુપ્રિમ કોર્ટે આ જોગવાઈ ગેરબંધારણીય ઠરાવી હતી.

NOTAથી શુ ફરક પડે?

ચૂંટણી પંચના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ નકારાત્મક મતથી ચૂંટણીના પરિણામો ઉપર કોઈ ફરક પડતો નથી. મતગણતરી દરમ્યાન નોટા મત ગણવામાં આવે છે પરંતુ તેને અમાન્ય મત કહેવામાં આવે છે. કુલ મતદાનના સૌથી વધુ મત નોટાને મળે એટલે કે અમાન્ય મત હોય તો પણ પરિણામ ઉપર કોઈ અસર થતી નથી, NOTA સિવાયના મતને માન્ય મત કહેવાય છે અને માન્ય પૈકી જેને વધુ મત મળ્યા હોય એ વિજેતા ગણાય છે.

 

જો કોઈ ફરક પડતો નથી તો NOTA શા માટે?

સુપ્રિમ કોર્ટે જાણવ્યું હતું કે, જે લોકોને કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય એવા મતદાતાઓને NOTA દ્વારા તેમનો મત કોઈને ન આપવાનો કે નાપસંદ કરવાની પ્રેરણા મળશે. ચૂંટણીઓમાં નોટા તરફી મતદાન વધશે તો રાજકીય પાર્ટીઓ દ્વારા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ઉભા રાખવાનું દબાણ ઉભું થશે. સુપ્રિમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના બીજા દેશોમાં પણ નકારાત્મક મત આપવાંક વ્યવસ્થા અમલમાં છે. ભારતમાં વાણી અને સ્વતંત્રતાના બંધારણીય અધિકાર મુજબ કોઈને પસંદ ન કરવાનો પણ મૂળભૂત અધિકાર છે એમ સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું.

કલમ 49(O) અને NOTA વચ્ચે શુ તફાવત છે?

સુપ્રિમ કોર્ટના 2013ના આદેશ પછી કલમ 49(O) રદ્દ થઈ ગઈ છે પરંતુ તફાવત જોઈએ તો કલમ 49(O)માં ફોર્મ નં-17(A) ભરીને નકારાત્મક મત આપી શકાતો હતો જેમા મત નહિ આપવાનું કારણ પણ ફોર્મમાં લખવું પડતું હતું આમ ચૂંટણી અધિકારીને કારણ ખબર પડી જતું હતું જ્યારે NOTAમાં કોઈ કારણ આપવાની જરૂર નથી. આ સિવાય કલમ 49(O)માં મતદારની ઓળખ ગુપ્ત રહેતી ન હતી જ્યારે NOTAમાં મતદારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રહે છે.

દુનિયાના ક્યાં દેશોમાં NOTA છે?

કોલંબિયા, યુક્રેન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ફિનલેન્ડ, સ્પેન, સ્વિડન, ચીલી, ફ્રાન્સ, બેલ્જીયમ અને ગ્રીસ આટલા દેશો પોતાના નાગરિકોને નકારાત્મક મત આપવાનો અધિકાર આપે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat