જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય? જાણો ગુજરાતમાં જુગાર કાયદા વિશે જરૂરી માહિતી..

અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે જેમાં શકુની પકડાયા વગેરે જેવા મથાળા નીચે સમાચાર છાપેલા હોય છે. જુગાર રમવાના કેસમાં પોલીસની ફરજો અને સત્તાઓ શું હોય છે તેની સામાન્ય માણસોને જાણકારી ન હોવાના કારણે પોલીસ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે અથવા માર મારવામાં આવતો હોય છે. આજે આપણે બોલે ગુજરાતમાં જુગારના કાયદાની જાણકારી મેળવીશું.

શું છે કાયદો?

જુગારનો કાયદો વર્ષ – 1887 માં બનેલો છે. આ કાયદાનું નામ “બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ” છે. આ કાયદો મૂળ બોમ્બેનો છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા બાદ કાયદાને ગુજરાતમાં પણ યથાવત રીતે ચાલુ રાખવામા આવેલ છે અને હાલમાં સુધારા વધારા સાથે આ કાયદો “જુગાર પ્રતિબંધક અધિનિયમ” તરીકે ઓળખાય છે.

જુગાર એટલે શું?

આ કાયદાની કલમ – 3 માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોઈ હરીફાઈમાં હોડ કે શરત લગાવવી, કે આંકડાઓનો હારજીતનો, આંખ ફરકનો જુગાર રમવો વગેરે વ્યક્તિ આ કાયદા મુજબ ગુનો કરે છે.

જુગારા રમવામાં બે પ્રકારના કેસ થાય જેમાં કાયદા પ્રમાણે બે અલગ અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે.

કલમ 12(અ) મુજબ કોઈ ખુલ્લી જગ્યામાં, જાહેર રોડ ઉપર અથવા જાહેર જગ્યામાં કે ઝાડ નીચે, ખૂલી અગાસી પર કે અન્ય જાહેર જગ્યા પર જુગાર રમે તેને પોલીસ વગર વોરંટે પકડી શકે છે. ટૂંકમાં કહીયે તો ચાર દીવાલની બહાર ગમે ત્યાં જુગાર રમો તો જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ – 12(અ) મુજબ પોલીસ પકડી શકે છે.

કલમ 4 અને 5 મુજબ કોઈ વ્યક્તિ બંધ રૂમમાં કે ચાર દીવાલની વચ્ચે જુગાર રમે તો જુગાર રમવાવાળાને અને જેનું મકાન કે મિલકત હોય તે બંને ઉપર જુગારનો કેસ લાગુ પડી શકે છે.

કલમ – 6(એ) મુજબ જુગાર રમતા કે રમાડતા જે વ્યક્તિ પકડાય એ પોતાનું નામ જણાવવાની ના પાડે કે ખોટું નામ જણાવે કે અધૂરું નામ સરનામું જણાવે તો કોર્ટમાં સાબિત થયે 100 રૂપિયાનો દંડ થાય છે.

ખાસ અગત્યની એક જોગવાઈ એ જાણવા જેવી છે કે આ કાયદાની કલમ 9 મુજબ કોર્ટમાં જુગાર રમવાનો ગુનો સાબિત કરવા માટે પૈસા વડે જ જુગાર રમતા હતા એવું સાબિત કરવું જરૂરી નથી, મતલબ કે કલમ – 9 મુજબ પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે.

જુગાર રમવાની સજા

જુગારનો કેસ કોર્ટમાં સાબિત થાય અથવા આરોપી કોર્ટમાં ગુનો કબુલ કરી તો પ્રથમા વખતના ગુના માટે 500 રૂપિયા દંડ અને વધુમાં વધુ 3 મહિના કેદની સજાની જોગવાઈ છે. તેમજ જો બીજીવારનો ગુનો હોય તો છ મહિના કેદની સજા અને 200 રૂપિયા દંડ ની જોગવાઈ છે.

જુગારના કેસમાં જામીન

કલમ – 12(અ) મુજબ ખુલ્લામાં જુગાર રમવો કે કલમ 4 અને 5 મુજબ બંધ મકાનમાં જુગાર રમવા બંને ગુનાઓ જામીપાત્ર ગુનાઓ છે એટલે જુગાર રમવા કેસમાં વધુમાં વધુ 24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે અને પોલીસે પણ 24 કલાકમાં જામીન આપવાજ પડે છે. 24 કલાકથી વધુ સમય રાખી શકે નહી જુગારના કેસમાં પકડાયેલા આરોપીને પોલીસ માર મારવાની સત્તા નથી. જુગાર રમતા પકડાયેલા વ્યક્તિને માર મારવામાં આવે તો પોલીસ સામે કોર્ટમાં કે ઉપરી અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી શકાય છે.

ટૂંકમાં જુગારના કેસમાં પોલેસ સ્ટેશનથી જ જામીન મળે એ કાયદો છે તેમજ પોલીસ માર મારી શકે નહી.

જો તમને આ લેખ ગમ્યો હોય અને વધુ કાયદાકીય જાણકારી વાંચવા માંગતા હોય તો અમારૂ ફેસબુક પેજ બોલે ગુજરાત લાઈક કરો અને આ પોસ્ટ શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat