લોકશાહી એટલે શુ? : ભારતના નાગરિક તરીકે તમે “લોકશાહી” વિશે આ તમામ બાબતો જાણો છો?

ભારતના બંધારણના આમુખમાં “અમે ભારતના લોકો, ભારતે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય” વગેરે ઉલ્લેખ કરેલ છે. ભારત એક લોકશાહી ગણરાજ્ય છે અને આપણે સામાન્ય બોલચાલ દરમ્યાન અવારનવાર લોકશાહી શબ્દનો ઉપયોગ કરતા હોઈયે છીયે પરંતુ આ શબ્દનો બંધારણીય અર્થ આપણે જાણતા નથી એવી જ રીતે 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ ગણાય છે પણ ગણતંત્ર વિશે આપણે કાંઈ જ જાણતા નથી.

લોકશાહીની શરૂઆત :

લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રસી કહેવામાં આવે છે. ડેમોક્રસી શબ્દ પ્રાચીન ગ્રીક શબ્દ “ડેમોસ” જેનો અર્થ લોકો થાય અને “ક્રશિયા” જેનો અર્થ સત્તા અથવા શક્તિ થાય. આમ ડેમોક્રસી એટલે કે લોકશાહીનો અર્થ લોકોના હાથમાં સત્તા હોય એવી શાસન વ્યવસ્થા. લોકશાહીના ઈતિહાસ મુજબ ઈ.સ.પુર્વે પાંચમી સદીમાં ગ્રીસના એથેન્સમાં લોકશાહીનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે.

લોકશાહીના પ્રકાર :

ઈ.સ.પુર્વે પાંચમી સદીથી લઈને આજ સુધી બદલાતા સમય, સંજોગો, લોકોની જરૂરીયાતો અને સમાજવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા લોકશાહી શાસમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા. “એક વ્યક્તિ – એક મત”નો સિદ્ધાંત તમામ જગ્યાએ યોગ્ય રીતે પ્રસ્થાપિત થઈ શક્યો નથી માટે લોકશાહીમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં ત્રણ પ્રકારની લોકશાહી છે.

(A) પ્રત્યક્ષ (સીધી) લોકશાહી : આ લોકશાહીનું શુદ્ધ અને મૂળ સ્વરૂપ છે. પાંચમી સદીમાં એથેન્સની લોકશાહી આ પ્રકારની હતી જેમા ખુદ લોકો પોતે જ દરેક રાજકીય નિર્ણયની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. રાજ્યની એક એક જનતા પોતાના માટે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં મતદાન કરી શકે એવી વ્યવસ્થા. ટુંકમા પ્રજા માટેના તમામ નિર્ણયો ખુદ પ્રજા મતદાન કરીને જ લે એવી લોકશાહી. ઉદાહરણ સાથે સમજીયે તો હાલમાં લોકો ફક્ત મત આપીને નેતાઓ ચુંટી શકે છે પણ કાયદા બનાવી શકતા નથી તેમજ વિધાનસભામાં કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી, જ્યારે સીધી લોક્શાહીમાં રાજ્ય માટેના દરેક નિર્ણયમાં લોકો મતદાન કરીને બહુમતિ દ્વારા નિર્ણય કરી શકે છે. અથેન્સમાં સીધી લોકશાહી હતી પરંતુ જ્યારે લોકોની સંખ્યા વિશાળ હોય ત્યારે આ વ્યવસ્થા કામ આપતી નથી એ પણ નોંધ લેવી જોઈયે. દુનિયામાં સ્વિત્ઝરલેન્ડમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાજ્ય કક્ષાની સરકારી વ્યવસ્થા ચલાવવા માટે સીધી લોકશાહી વ્યવસ્થા અમલમાં છે. સ્વિત્ઝરલેન્ડમાં ૧૮ વર્ષથી ઉપરનો દરેક વ્યક્તિ નક્કી કરી શકે છે કે સરકાર કઈ રીતે ચાલશે. આ સિવાય અમેરિકાની સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા પણ આ લોકશાહી પદ્ધતિથી ચાલે છે.

(B) પ્રતિનિધિત્વ (પરોક્ષ) લોકશાહી : આ લોકશાહી વ્યવસ્થામાં જનતાની સામુહિક શક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ વ્યક્તિને ચુંટવામાં આવે છે. પરોક્ષ લોકશાહી વ્યવસ્થામાં પ્રજાના વિવિધ જુથ, પ્રદેશ, વિસ્તાર, નગર, શહેર કે વર્ગને નિશ્ચિત કરીને તેમના વતી એક વ્યક્તિને ચુંટવામાં આવે છે. લોકોના નિશ્ચિત સમુહ વતી એક વ્યક્તિને ચુંટવા પાછળનુ કારણ રાજકિય નિર્ણયો લેવામાં સરળતા અને ઝડપ આવે એવો છે. જ્યારે લોકોની સંખ્યા ખુબ જ વિશાળ પ્રમાણમાં હોય ત્યારે આ પરોક્ષ લોકશાહી વ્યવસ્થા ખુબ જ અગત્યની બની રહે છે. જો કે પરોક્ષ લોકશાહીની નબળી બાજુ એ છે કે, ચુંટાયેલા પ્રતિનિધિઓ લોકોની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરતા નથી પરંતુ પોતાની મરજી મુજબ વર્તે છે. તેઓ પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર હોય છે, અને આ નિર્ણયોમાં લોકોની કોઈ ભુમિકા ન હોવાના કારણે ભ્રષ્ટાચાર વધે છે.

(C) બંધારણીય લોકશાહી : દુનિયામાં મોટાપાયે સ્વિકૃત એવી ત્રીજા પ્રકારની લોકશાહી છે. બંધારણીય લોકશાહીમાં એક સુઆયોજિત વ્યવસ્થાતંત્ર (સિસ્ટમ) દ્વારા બહુમતિની સત્તા/શક્તિને મર્યાદિત કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં લોક્તાંત્રિક સિદ્ધાંતો વડે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનું હોય છે. બંધારણીય લોકશાહીમાં સરકાર અને જનપ્રતિનિધિઓએ બંધારણના સિધાંતોનું પાલન કરવાની સાથે લોકોની અપેક્ષાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. આ પ્રકારની લોકશાહીમાં રાજકીય નિર્ણયો લેવા માટે તેમજ સરકાર ચલાવવા માટે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોની બંધારણીય માર્ગદર્શિકા હોય છે. જો કે આ પ્રકારની લોકશાહીમાં લોકો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થઈ શકતા નથી.

લોકશાહીની લાક્ષણિકતાઓ

  • (#A) મુક્ત અને ન્યાયી ચુંટણી : એટલે મત આપવાની લાયકાત ધરાવતા દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારના ભય, લાલચ, દબાણ, કે પક્ષપાત વગર મત આપવાની તક અને સુવિધા મળે તે સુનિશ્ચિત કરવું. મુક્ત અને ન્યાયી ચુંટણી એ લોકશાહીનું સૌથી મોટુ અંગ છે.
  • (#B) લોકભાગીદારી : લોકશાહીનું બીજું મહત્વનું અંગ છે સરકારની દરેક પ્રક્રિયામાં લોકોની ભાગીદારી હોય. લોકો માટે નિર્ણયો લેવાની અને પોલીસીઓ બનાવવાની પ્રક્રિયામાં તમામ લોકોની એકસરખી ભાગીદારી સુનિશ્ચિત કરવી.
  • (#C) નાગરિકના માનવ અધિકારનું રક્ષણ : લોકશાહીનું ત્રીજું સૌથી મોટુ અંગ છે સ્વતંત્રતા, દુનિયાની દરેક લોક્શાહી તેમના નાગરિકોને ઘણીબધી સ્વતંત્રતા આપે છે. સ્વતંત્રતા એટલે બીજા અથમાં અધિકાર. માણસને શાંતિપુર્વક, ભયમુક્ત, ગૌરવપુર્ણ અને સલામત રહેવાનો મુળભુત અધિકાર આપવો તે લોકશાહીનો ઉદ્દેશ્ય છે.
  • (#D) કાયદાનું સમાન શાસન : તમામ નાગરિકો કાયદાના શાસન નીચે છે. લોકશાહીમાં કાયદો તમામને સમાન રક્ષણ અને સમાન ન્યાય આપે છે. કાયદાથી ઉપર કોઈ નથી અને કાયદો તમામ માટે છે તે લોકશાહી વ્યવસ્થાનો એક ભાગ છે.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat