જો તમે ગ્રાહક છો? તો ગ્રાહક સુરક્ષા કાયદા વિશે આટલી અગત્યની બાબતો જાણો

સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. દુનિયાનું સૌથી મોટુ ગ્રાહક માર્કેટ ભારતમાં છે પરંતુ ગ્રાહકોની સંખ્યા વધુ હોવાના સાથે સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી, ગ્રાહકોનું શોષણ, ગુણવત્તાહિન માલ ગ્રાહકોને પધારાવી દેવાનુ કૃત્ય પણ વધ્યુ છે. ગ્રાહકોને ભ્રષ્ટાચાર અને છેતરપિંડીથી બચાવવા માટે જ ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે જેના વિશે આજે આપણે સંપુર્ણ જાણકારી મેળવીશુ.

શું છે ગ્રાહક સુરક્ષા કાયદો

ગ્રાહક બજાર વર્તમાન વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે ત્યારે ગ્રાહકોને ચીજ કે સેવા પોતાના અધિકારો મેળવી શકે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને “ગ્રાહક સુરક્ષા અધિનિયમ – ૧૯૮૬” બનાવવામાં આવ્યો છે. આ કાયદો ગ્રાહકોનું હિત અને હક્કનું રક્ષણ કરે છે. આ કાયદા મુજબ ગ્રાહકોની ફરીયાદનું ઝડપી અને તાત્કાલિક બિનખર્ચાળ નિવારણ પુરૂં પાડવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાને અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યાં છે.

ગ્રાહક એટલે શુ અને તેના અધિકારો કેટલા?

ગ્રાહક સુરક્ષા અધિનિયમ – ૧૯૮૬માં જણાવ્યા મુજબ ગ્રાહક એટલે જે વ્યકિત પોતાના અંગત ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય ખરીદો અથવા મોબાઈલ રીચાર્જ, વિમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. આ કાયદા મુજબ ગ્રાકહોને નીચે મુજબના અધીકારો મળેલા છે જેમા,

 • સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety) : વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ માટે નુકશાનકારક ઉત્પાદનો અથવા ઉત્પાદન પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર સલામતીના અધિકારનું તાત્કાલિક અથવા નજીકનાકાળ માટે જ નહી પરંતુ ઉપભોગ બાદના લાબાં સમય સુધી વિસ્તરણ કરાયેલું છે. અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તેનો વપરાશ કર્યા પછી લાંબાગાળે પણ તમારા સ્વાસ્થ કે જીવનને કોઈ નુકશાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરીયાદ કરી શકો છો.
 • જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information) : ચીજવસ્તુ કે સેવા ખરીદવાનો યોગ્ય નિર્ણય લેવા તથા માહિતીયુકત પસંદગી કરવા માટે જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. છેતરામણી કે ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતા લેબલોથી આગળ વધી આ અધિકારથી ઉપભોકતાને બુધ્ધિપુર્વક માલ અને સેવાઓનો ઉપભોગ કરવા માટે શક્તિમાન બનાવે છે
 • પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose) : વિવિધ ગ્રાહકો દ્વારા ઈચ્છીત ચીજકવસ્તુ અને સેવાઓ યોગ્ય કિંમતે પ્રાપ્ત કરવાનો અને ઈજારાયુકત માલ અને સેવા વ્યાજબી કિંમતે પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
  રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard) : ગ્રાહક અધિકારની રક્ષા માટે સહાનૂભુતિપુર્વક અને વહિવટી નિર્ણયો અને અમલ પ્રક્રિયામાં રજુઆત કરવાનો અધિકાર છે. આ અધિકારનું માલ અને સેવાના વિકાસ, વૈવિધ્યકરણ અને ફેરફાર માટે લેવાના નિર્ણયો પ્રસંગે અસરકારક રજૂઆત તથા ઉપભોકતા પ્રતિનિધિત્વ સુધી વિસ્તાર કરવામાં આવે છે. જેમાં સરકારી તથા આર્થિક કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે.
 • નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal) : ગ્રાહકને થયેલ નુકશાનના ન્યાયયુકત દાવાને ભરપાઈ મેળવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. ખામીયુકત માલ, ક્ષતિયુકત સેવા કે છેતરામણી રજુઆતથી ઉપભોકતાને થયેલ નુકશાન ભરપાઈ મેળવવાનો અધિકાર છે. આ અધિકાર તેના ઉપયોગ માટે વિનામુલ્યે કાનુની સેવા અર્થે નાના દાવાનુ તુરંત નિરાકરણ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
 • ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education) : ગ્રાહક તરીકેના અધિકારોના જીવનભર ઉપયોગ માટેનું જ્ઞાન તથા શક્તિ મેળવવાનો અધિકાર મળેલ છે. ગ્રાહકના મામલાઓના નિર્ણયોમાં અસરકારક પરિબળ બનવા માટેના પૂર્ણજ્ઞાન અને શક્તિ પ્રાપ્તિનો સમાવેશ થાય છે

ફરિયાદ એટલે શું ?

ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ફરિયાદ એટલે કોઈ રાહત મેળવવાના હેતથી ફરિયાદીએ લેખિતમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનો કોઈ આક્ષેપ કર્યો હોય તેને ફરિયાદ કહેવાય. ગ્રાહક સાથે છેતરપિંડી થાય તો ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ ગ્રાહકને લાગે કે પોતે નીચે મુજબની બાબતોમાં છેતરાયેલ છે તો તેણે તે બાબતે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ.
કોઈ વેપારી અથવા સેવા પૂરી પાડનાર વ્યક્તિએ કોઇપણ ગેરવાજબી વેપાર રીતિ અથવા નિયંત્રિત વેપાર રીતિ અપનાવી છે.

 • પોતે ખરીદેલ અથવા પોતે ખરીદવા કબૂલ થયેલ માલ એક કે વધુ ખામીવાળો છે.
 • પોતે ભાડે રાખેલી અથવા તેને પ્રાપ્ત થયેલી અથવા ભાડે રાખવા કે પ્રાપ્ત કરવા કબૂલ થયેલ સેવા, કોઇપણ બાબતની ખામી (ઉણપ) વાળી છે.
 • વસ્તુની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ક્ષમતા, નિયત ધોરણ મુજબની ન હોય તો તેવો ખામીયુકત સામાન અથવા સેવા હોય.
 • વેપારી અથવા યથા પ્રસંગ સર્વિસ પૂરી પાડનાર વ્યક્તિએ ફરિયાદમાં જણાવેલ માલ માટે અથવા સર્વિસ માટે પક્ષકારો વચ્ચેનની કબૂલાત કરેલ કિંમત કરતાં વધુ કિંમત લીધી છે.
 • ચીજવસ્તુ લોકોને વેચવા માટે મુકી હોય ત્યારે ગ્રાહકની જીંદગી અને સલામતિ માટે જોખમકારક હોય તેવો માલ વેચ્યો હોય
 • લોકોની જીંદગી અને સલામતિને જોખમકારક હોય અથવા જોખમકારક થવાનો સંભવ હોય તેવી સર્વીસ પૂરી પાડનાર વ્યક્તિએ આપી હોય જે આવી વ્યક્તિ, જીંદગી અને સલામતિને હાનિકારક હોવાનું યોગ્ય કાળજીપૂર્વક જાણી શકે.

ફરીયાદ ક્યાં અને કેમ કરવી?

ગ્રાહક સુરક્ષા બાબતે ફરીયાદ કરવાની રીત ખુબ જ આસાન અને સરળ છે. ગ્રાહકોની ફરીયાદ સાંભલવા માટે ત્રણ સ્તરિય વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૨૦ લાખ સુધીના વળતરનો દાવો કરવા માટે જિલ્લા ફોરમ, ૨૦ લાખ ક્રતા વધુના દાવા માટે રાજ્ય ફોરમ અને ૧ કરોડ અથવા તેનાથી ઉપર ગમે તેટલી રકમના દાવા માટે કેન્દ્રિય ફોરમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અંગેની ફરીયાદ ચીજવસ્તુ કે સેવા ખરીદ્યા દિવસથી બે વર્ષની અંદર કરવી ફરજીયાત છે.

ફરીયાદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

 • ફરીયાદીનું નામ, ઉંમર અને પુરૂ સરનામું.
 • પ્રતિવાદી પાર્ટ અથવા પાર્ટીઓના પુરા નામ અને સરનામાં.
 • ખરીદારી / સેવા મેળવ્યાની તારીખ.
 • ખરીદારી / સેવા મેળવવા ચુકવાયેલી રકમ.
 • ખરીદેલ વસ્તુઓ અને તેમની સંખ્યા / મેળવેલ સેવાનું સ્વરૂપ.
 • શું ફરિયાદ વેપારના અનુચિત / પ્રતિબંધિત નીતિ / નુકશાની ગ્રસ્ત વસ્તુઓ/ અપુર્તી સેવા / નક્કી કરેલ કિંમતથી
 • વધુ કિંમતની માંગ સાથે સુબંધિત છે.
 • બીલ / વાઉચર / રસીદની નકલો અને જો કોઇ પત્ર વ્યનવહાર કર્યો હોય તો તેની નકલો.
 • માંગવામાં આવેલી રાહત.

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એટલે શું

રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ મંચની રચના કરવામાં આવે છે જેના પ્રમુખ તરીકે જિલ્લા ન્યાયાધીશ રહી ચૂકેલ હોય તેવી વ્યક્તિ અથવા તેની સમકક્ષ વ્યકિત હોય છે. અન્ય બે સભ્યોમાં એક મહિલા હોય છે. દરેક જિલ્લામાં એક અને જરૂર પડે તો એક કરતાં વધુ ફોરમ રાજય સરકાર રચે છે. હાલમાં ગુજરાતમાં ૩૮ જિલ્લા ફોરમ કાર્યરત છે જેની માહિતી https://cdrc.gujarat.gov.in/district-forum-guj.htm પરથી મેળવી શકાશે.

અન્ય નોંધ લેવા જેવી બાબત

ગ્રાહક સુરક્ષાના કેસમાં વકીલ રાખવાની જરૂર પડતી નથી વ્યક્તિ પોતે જ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પોતાનો કેસ લડી શકે છે. ગ્રાહક સુરક્ષા અંગે રાષ્ટ્રીય હેલ્પ લાઈન ૧૮૦૦-૧૧-૪૦૦૦ તેમજ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમની વેબસાઈટ https://cdrc.gujarat.gov.in/index-guj.htm પર મુલાકાત લઈ શકાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat