ચેક રીટર્ન અથવા ચેક બાઉન્સ એટલે શુ? જાણો ચેક બાઉન્સ અંગે કાયદાકીય જાણકારી.

આપણે વારંવાર ચેક રિટર્ન થયા અંગે સમાચારમાં વાંચતા હોઈયે છીયે. આપણી સૌથી સામાન્ય સમજણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ બેન્કમાં ચેક ભરે અને ખાતામાં પૈસા ન હોય તો ચેક બાઉન્સ થયો અથવા ચેક રીટર્ન થયો કહેવાય એટલુ આપણે જાણીયે છીયે પરંતુ કાયદાકીય રીતે બીજી ઘણી જ બાબતો લાગુ પડે છે. બોલે ગુજરાત લોકોમાં કાયદાકીય માહિતી વધે તેવા લેખ લખે છે ત્યારે આજે આપણે ચેક રિટર્ન એટલે કે બાઉન્સ વિશે જાણીશુ.

ચેક બાઉન્સ/રીટર્ન અંગે સમાન્ય જાણકારી

સામન્ય રીતે કોઈપણ ચેક ત્રણ મહિનાની મુદ્દતનો હોય છે એટલે કે ચેક લખ્યા તારીખથી ત્રણ મહિનાની અંદર તેને બેન્કમાં રજુ કરી દેવો જોઈયે તેમજ ત્રણ મહિના પછી ચેક આપમેળે અમાન્ય બની જાય છે. કોઈપણ ચેક જ્યારે ચુકવણા માટે બેન્કમાં રજુ થાય ત્યારે ચેક ધારણકર્તાને પૈસા ન મળે તો તેને “ચેક બાઉન્સ” અથવા “ચેક રીટર્ન” કહેવાય છે. ચેક રીટર્ન થવો એ દિવાની અને ફોજદારી બંને પ્રકારનો ગુનો છે પરંતુ ચેક રીટર્ન થવાના ઘણા બધા કારણો હોય છે જેમા બધા જ કારણોમાં ગુનો લાગુ પડતો નથી.

ચેક અંગેનો કાયદો

ચેક અંગેનો કાયદો “ધ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ – ૧૮૮૧” અંગ્રેજોએ બનાવેલો કાયદો છે જે આજે પણ દેશમાં મોટા પાયે અમલમાં છે.

તમારી પાસે રહેલો ચેક રીટર્ન ક્યારે થાય?

જો તમે એવુ માનતા હોય કે ફક્ત ખાતામાં પૈસા ન હોવાના કારણે જ ચેક રીટર્ન થાય તો તમારી જાણકારી અધુરી છે.

જો ચેકમાં લખેલ રકમ કરતા ખાતામાં ઓછી રકમ હોય તો ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર ને ગુનો લાગુ પડે છે.

જો ચેક લખ્યા પછી ચેક લખનાર દ્વારા તેનુ એકાઉન્ટ ફ્ર્રિજ (સ્ટોપ) કરી દેવામાં આવે તો ખાતા ગમે તેટલા રૂપિયા હોવા છતાય પણ ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર માટે આ બાબત ગુનો ગણાય છે.

જો તમારી પાસે રહેલો ચેક આગળના દિવસોની તારીખનો આપ્યો છે તો પણ તમારો ચેક રીટર્ન થઈ શકે છે.

ચેકમાં આંકડામાં અને શબ્દોમાં લખેલી રકમ અલગ અલગ હોય તો ચેક રીટર્ન થાય છે.

જો તમારા ચેક ઉપર કરેલી સહી અને બેન્કની સહીમાં કોઈ ફેરફાર જણાય તો ચેક રીટર્ન થાય છે.

જો તમારા ચેકમાં નામ, રકમ કે તારીખ લખવામાં છેકછાક કરી હોય તો તમારો ચેક રીટર્ન થશે.

ચેક રીટર્ન/બાઉન્સ થાય તો શું કરી શકાય?

મોટાભાગે ચેક ત્યારે જ રીટર્ન થાય જ્યારે ચેક લખનારના ખાતામાં પુરતી રકમ ન હોય. જ્યારે તમે ચેક વટાવવા જાઓ અને ચેક રીટર્ન થાય ત્યારે બેન્ક તમને એક ચેક રીટર્ન મેમો(રસીદ) આપે છે જેમા ચેક શા માટે રીટર્ન થયો તેના કારણો લખેલા હોય છે.

ચેક રીટર્ન થયા પછી તમારે “૩૦ દિવસ”ની અંદર મેમો(રસીદ) સાથે તમારે જે રકમ લેવાની હોય તેની માંગણી કરતી કાયદેસરની નોટીસ ચેક લખનારને મોકલવાની હોય જેને કાયદાની ભાષામાં ડિમાન્ડ નોટીસ કહે છે.

ચેક લખનારને ડિમાન્ડ નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર પૈસા ચુકવવા જોઈયે, જો ચેક લખનાર તમારી નોટીસનો જવાબ આપે અને પૈસા પણ આપે તો કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.

જો ચેક લખનાર તમારી નોટીસનો ફક્ત જવાબ આપે પણ પૈસા ન આપે તો તેને સજા કરાવવા ૧૫ દિવસની મર્યાદા પુરી થતા જ નજીકની લાગુ પડતી અદાલતમાં ૩૦ દિવસની અંદર ફોજદારી (ક્રિમિનલ) કેસ કરી શકાય છે.

જો ચેક લખનાર નોટીસ પછી પણ પૈસા ન આપે તો તેની પાસેથી પૈસા વસુલવા તેના વિરૂદ્ધમાં દિવાની (સિવિલ) ફરીયાદ દાવો કરવા માટે ૩ વર્ષનો સમય મળે છે.

ચેક રીટર્ન/બાઉન્સ કેસમાં ધરપકડ

ચેક બાઉન્સ થવો એ એક અપરાધ છે માટે પોલીસ તમારી ધરપકડ પણ કરી શકે છે પરંતુ ધરપકડ કરતા પહેલા મેજીસ્ટ્રેટની પુર્વમંજુરી કે આદેશ જરૂરી છે. મેજીસ્ટ્રેટના વોરંટ વગર ધરપકડ કરી શકાતી નથી. જો તમે અદાલતના આદેશ ઉપર અદાલતમાં હાજર ન રહો તો જ તમારૂ વોરંટ નિકળે છે, આ સિવાય ચેક બાઉન્સનો ગુનો જામીનપાત્ર ગુનો છે. જો તમારી ઉપર ચેક બાઉન્સના અનેક કેસ હોય તો પછી તમારી ઉપર છેતરપિંડીની ફરીયાદ પણ દાખલ થઈ શકે છે.

ચેક રીટર્ન/બાઉન્સ કેસમાં સજા

ચેક બાઉન્સ/રીટર્ન એ દિવાની અને ફોજદારી બંને પ્રકારનો અપરાધ છે. જો તમારો ચેક રીટર્ન થયો હોય તો ચેક લખનાર પાસેથી પૈસા વસુલ કરવા માટે તેના વિરૂદ્ધ દિવાની(સિવિલ) ફરીયાદ કરી શકો છો અને ચેક લખનારને સજા કરાવવા માટે તેના ઉપર ફોજદારી(ક્રિમિનલ) કરી શકો છો. બંન્ને કાર્યવાહી અલગ અલગ કરવાની રહે છે અને જો તમારી ઈચ્છા હોય તો તમે એક સાથે બંન્ને પ્રકારના કેસ કરી શકો છો.

દિવાની(સિવિલ) મેટરમાં અદાલત વ્યાજ સહિત ચેકની રકમ ચુકવવાનો આદેશ કરી શકે છે જ્યારે ફોજદારી(ક્રિમિનલ) મેટરમાં અદાલત ચેક લખનાર વ્યક્તિને મહત્તમ બે વર્ષની સજાનો હુકમ કરી શકે છે અને/અથવા ચેક બાઉન્સની રકમની ડબલ રકમનો દંડ પણ કરી શકે છે.

બેન્કની ભુલથી ચેક રીટર્ન થાય તો?

ઘણીવાર એવુ બને કે ચેક લખનારની બધી વિગત બરાબર હોય પરંતુ બેન્કવાળાની બેદરકારીના કારણે કે ભુલના કારણે કે ટેકનિકલ કારણોના લીધે ચેક બાઉન્સ થાય તો બેન્ક ઉપર “ગ્રાહક સુરક્ષા કાનૂન” અંતર્ગત બેન્ક ઉપર ફરીયાદ કરી શકાય છે.

કોર્ટ બહાર સમાધાન કરી શકાય?

જ્યારે કોઈ ચેક રીટર્ન થાય અને તેના ઉપર કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરવામાં આવે ત્યારે અદાલત દ્વારા “કંપાઉન્ડીગ ઓફ ઓફેન્સ” નામની કાયદાકીય જોગવાઈ આધારે કોર્ટ બહાર સમાધાન કરવાની મંજુરી આપી શકે છે. કોર્ટમાં કેસ દાખલ કર્યા પછી કોઈપણ તબક્કે સમાધાન કરી શકાય છે.

વિવિધ કાયદાકીય જાણકારી માટે બોલે ગુજરાત પેજ લાઈક કરો અને જો આ લેખ ગમ્યો હોય તો શેર કરો.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat