પક્ષપલટા કાનૂન : આ રહી રાજકીય પક્ષ પલટા વિરોધી કાયદાની તમામ અગત્યની જોગવાઈઓ વિશે જાણકારી.

દેશમાં અને રાજ્યમાં છેલ્લા થોડાક વર્ષોથી સત્તા અને પૈસા માટે પક્ષ પલટો કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. પોતાના અંગત સ્વાર્થ માટે ચુંટાયેલા ધારાસભ્ય કે સાંસદ રાજીનામું આપે એવા સમાચાર હવે રોજબરોજ આવવા લાગ્યા છે. દરેક રાજ્યોમાં સત્તા માટે પ્રજાદ્રોહ કરતા નેતાઓની સંખ્યા વધી રહી છે. વારંવાર ચુંટણીના ખર્ચાઓ, રાજકિય અસ્થિરતા અને આચાર સંહિતા તેમજ ચુંટણી કામગિરીના કારણે સરકારી કચેરીઓમાં કામ ખોરંભે ચડી જાય વગેરે તમામ બાબતનો તમાશો પ્રજા લાચાર અને મજબુરીભરી નજરે જોઈ રહી છે ત્યારે પક્ષ પલટા વિરોધી કાયદા વિશે જાણવુ ખુબ જ જરૂરી બને છે.

શું છે પક્ષપલટા વિરોધી કાયદો? :

ભારતના મુળ બંધારણમાં રાજકીય પક્ષો વિશેની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી એટલે બંધારણમાં પક્ષપલટા વિરોધી કોઈ જોગવાઈ પણ ન હતી. વર્ષ ૧૯૬૭ થી ૧૯૭૧ વચ્ચેના સમયગાળા દરમ્યાન ૧૪૨ જેટલા સાંસદો અને ૧૯૦૦ ધારાસભ્યોએ ચુંટાઈ ગયા બાદ પોતાની પાર્ટી બદલી હતી. આ પ્રકારની રાજકીય અસ્થિરતાઓને ધ્યાનમાં લઈને વર્ષ – ૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ બંધારણમાં ૫૨’મો સુધારા દ્વારા બંધારણમા નવી ૧૦મી અનુસુચિ જોડવામાં આવી તેમજ કલમ – ૧૦૧, ૧૦૨, ૧૯૦ અને ૧૯૧માં સુધારો કરવામાં આવ્યો. બંધારણની દસમી અનુસુચિને પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે.

શું જોગવાઈ છે આ કાયદામાં? :

  • ભારતના બંધારણની કલમ – ૧૦૨(૨) અને ૧૯૧(૨)માં પક્ષપલટા વિરોધી બાબતે ચુંટાયેલા પ્રતિનિધિની ગેરલાયકાતો અંગે જોગવાઈ કરવામાં આવી છે.
  • જે પાર્ટીની ટિકીટ ઉપરથી ચુંટાયેલો હોય તે રાજકીય પક્ષમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપે તો ધારાસભ્ય / સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે.
  • ગૃહની અંદર પોતાની પાર્ટીના આદેશ (વ્હિપ) વિરુદ્ધ મતદાન કરે તો ધારાસભ્ય / સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે.
  • લોકસભા કે રાજ્યસભા ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા સભ્યો શરૂઆતના છ મહિના સુધી કોઈપણ પાર્ટી સાથે જોડાઈ શકે છે પરંતુ છ મહિના પછી જો રાજકીય પક્ષ સાથે જોડાય તો તેઓનું સભ્યપદ રદ્દ થાય છે.

રાજકીય પક્ષોના જોડાણ અને વિભાજન થાય તો?

ભુતકાળમાં આપણે કેટલીય રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે જોડાણ કરે અથવા મુખ્ય પાર્ટીમાંથી અલગ પડીને પોતાનો નવો પક્ષ બનાવે તેવી ઘટના બને છે. આવા સમયે જે – તે પાર્ટીમાંથી ચુંટાયેલા જનપ્રતિનિધિને એક પાર્ટીમાંથી અલગ પાર્ટી બનાવે તો ગેરલાયક ઠરે છે પરંતુ જો ૧/૩ બહુમતિ દ્વારા બે અલગ અલગ પાર્ટીઓ એક બને તો તેને આ કાયદો લાગુ પડતો નથી.

પક્ષ પલટા વિરોધી કાયદાની નબળી બાજુઓ

  • આ કાયદામાં પાર્ટીના આદેશ વિરુદ્ધ ન જઈ શકાવાના કારણે જનપ્રતિનિધિની સ્વતંત્રતતા છીનવાય છે. ભારતના બંધારણ મુજબ ચુંટાયેલા પ્રતિનિધિ ઉપર રાજકીય પાર્ટીઓનો કંટ્રોલની કોઈ જોગવાઈ નથી માટે ચુંટાયેલા સભ્યો રાજકીય પક્ષોના ગુલામ બની રહી જાય છે. આમ ચુંટાયેલા પ્રતિનિધિઓ કોઈપણ મુદ્દે પોતાનું વ્યક્તિગત સ્ટેન્ડ લઈ શકતા નથી.
  • આ કાયદા મુજબ નોમિનેટેડ સભ્યો અને ચુંટાયેલા સભ્યો વચ્ચે ભેદભાવ ભરી જોગવાઈ છે. નોમિનેટેડ સભ્ય સદસ્ય બન્યા પછી શરૂઆતના છ મહિનામાં કોઈપણ પાર્ટી જોડાઈ શકે છે જ્યારે ચુંટાયેલો સભ્ય ચુંટાયા પહેલા અથવા ટર્મ પુરી થયા પહેલા અન્ય પાર્ટીમાં જોડાઈ શકતો નથી.

પક્ષપલટા કાયદામા જરૂરી સુધારાઓ

સૌપ્રથમ તો રાજકીય પાર્ટીના આદેશો (વ્હિપ)ની સત્તા ઘટાડવી જોઈયે અને  ચુંટાયેલા સભ્યો પોતાનો સ્વતંત્ર અને અલગ અભિપ્રાય મુજબ મત આપવાની રાખવાની છુટ આપવી જોઈયે. આ સિવાય ચુંટાયેલ પ્રતિનિધિને પક્ષ છોડતા પહેલા તેમજ પોતાનો હોદ્દો છોડતા પહેલા નોટીસ પિરિયડ હોવો જરૂરી છે. ગેરવ્યાજબી કારણોસર અને સત્તા માટે પોતાનો હોદ્દો છોડતા નેતાઓના ચુંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધની જોગવાઈ પણ હોવી જોઈયે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

  1. પક્ષાતર કરવાથી શુ સજા થાય.. ??
    જે આપ ને દશાવું જોઈ એ..

  2. પક્ષોને ફાળવેલ પ્રત્તિકથી લોકશાહીનુ હનન થાય છે.મને દેશમાં લોકશાહી દેખાતી જ નથી.માત્ર પક્ષોશાહી દેશ દેખાય છે.
    વિષય :આના માટે મારી માંગણી છે. તે નીચે મુજબ બતાવુ તે કરવા બાબત.
    (1)પક્ષોને રજીસ્ટ્રેશન પ્રત્તિક ફાળવેલ તમામ રદ કરવા.
    (2)દર વર્ષે ચુંટણી કરવી.
    (3)મારો મત મારો અધિકાર હુ મારો મત ગમે ત્યારે બદલી શકુ.
    (4)મારો મત મારી પંચાયતમાં લેખીત આપી શકુ ને તે મત વેબસાઈટ પર મને બતાવો પડે કે મારો મત મારો અધિકાર
    (5)વર્ષે બજેટ પુરુ તો ચુંટણી કામ પણ પુરુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat