શું ભારતના બંધારણમાં અનામત ફક્ત ૧૦ વર્ષ પુરતું હતું? જાણો બંધારણમાં અનામત અંગેની કાયદાકીય હકીકત શું છે

વિશ્વના લગભગ તમામ દેશોમાં અલગ અલગ નામથી અને અલગ અલગ પદ્ધતિથી નોકરીમાં, શિક્ષણમાં અને રાજનીતિમાં અનામતની વ્યવસ્થા અસ્તિત્વમાં અને અમલમાં છે પરંતુ આપણા દેશમાં અનામતની નીતિ અત્યંત વિવાદિત, જટિલ અને લોહીયાળ રહી છે. અનામત અંગે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી અનેક જગ્યાએ કેટલીય અફવાઓ, ગેરમાન્યતાઓ અને ખોટી ભ્રામક માહિતીઓ અવારનવાર ફેલાય રહી છે. અનામત અંગે બંધારણીય જાણકારીઓનાં અજ્ઞાનનો સમાજ જીવન ઉપર ખુબ જ પ્રભાવ જણાઈ રહ્યો છે. બંધારણીય જાણકારી ન હોવાના કારણે રાજકીય પક્ષો અનામતની નીતિનો ઉપયોગ અને દુરઉપયોગ કરતા હોય છે.

અનામત અંગે આજદિન સુધીની સૌથી ભ્રામક અને ખોટી અફવા મુજબ “અનામત ફક્ત દસ વર્ષ માટે જ હતી” આવું માનવા આવે છે. અનામત દસ વર્ષ પુરતી હતી એ બાબતને વિવિધ રાજનેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, ટીવી ડીબેટીયાઓ થી લઈને લારી-ગલ્લા અને ટ્રેન-બસ સુધી ચર્ચવામાં આવે છે. સમાજનો મોટો ભાગ એવું માને છે કે બંધારણમાં અનામત ફક્ત દસ વર્ષ પુરતી જ હતી પરતું દોસ્તો આ સદંતર જૂઠ છે, ખોટું છે, અફવા છે, ભ્રમ છે, અજ્ઞાન છે.

ખોટી માહિતી અને અફવાઓનાં કારણે અનામતની નીતિ હંમેશા વિવાદમાં રહી છે ત્યારે સૌથી પહેલા આપણે એટલું સમજી અને જાણી લઈએ કે બંધારણ મુજબ ક્યારેય શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત ૧૦ વર્ષ માટે હતી જ નહિ. બંધારણમાં ક્યાય નોકરીઓ અને શિક્ષણ માટેની અનામતમાં ૧૦ વર્ષનાં લખાણનો ઉલ્લેખ નથી. તો પછી આ દસ વર્ષ વાળી વાત છે શું? આવો સમજીએ.

બંધારણમાં અનામત શું છે?

  1. શિક્ષણમાં અનામત – આર્ટીકલ ૧૫(૪)
  2. સરકારી નોકરીઓમાં અનામત – આર્ટીકલ ૧૬(૪)
  3. રાજકીય પ્રતિનિધિત્વમાં અનામત – આર્ટીકલ ૩૩૦, ૩૩૨, ૩૩૪
  4. એન્ગલો ઇન્ડિયન માટે અનામત – આર્ટીકલ ૩૬૬(૨), ૩૩૧, ૩૩૩, ૩૩૬, ૩૩૭
  5. બઢતીમાં અનામત – આર્ટીકલ ૧૬(૪)(a)

શિક્ષણમાં અનામત

ભારતનાં બંધારણની કલમ ૧૫(૪) મુજબ દેશના SC/ST/OBC વર્ગને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં તેમજ ખાનગી સંસ્થાનોમાં અનામતની વ્યવસ્થા અમલમાં છે જેમાં SC, ST તેમજ OBC માટે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ ઉલ્લેખનીય છે કે શિક્ષણમાં અનામત આપવા અંગે કોઈ જ સમયમર્યાદા નથી.

સરકારી નોકરીઓમાં અનામત

બંધારણની કલમ – ૧૬(૪) મુજબ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગ માટે જાહેર ક્ષેત્રની નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં અનામત અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

રાજકીય પ્રતિનિધત્વમાં અનામત

  • SC / ST માટે રાજકીય અનામત : ભારતના બંધારણની કલમ – ૩૩૦ થી લોકસભા ચૂંટણીમાં તેમજ કલમ – ૩૩૨ થી વિધાનસભા ચુંટણીમાં અનુસુચિત જાતિ(SC) અને અનુસુચિત જનજાતિ(ST) માટે બેઠકો(સીટ) અનામત રાખવાની જોગવાઈ છે. ઉલ્લેનીય છે કે ઓબીસી વર્ગ માટે લોકસભા કે વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી.
  • એન્ગલો ઇન્ડિયન માટે રાજકીય અનામત : ભારતના બંધારણની કલમ – ૩૬૬(૨) માં જણાવ્યા મુજબ “એવો વ્યક્તિ કે જેના પિતા અથવા પૈતૃકવંશમાં કોઈ પુરુષ યુરોપીયન મૂળનો હોય અને માતા ભારતીય મૂળની હોય એવા સંતાનો એન્ગલો ઇન્ડિયન ગણાવામાં આવશે.” આવા એન્ગલો ઇન્ડિયન સમુદાયનાં લોકોને સત્તામાં ભાગીદારી આપવા બંધારણની કલમ – ૩૩૧ થી લોકસભામાં બે બેઠકો એન્ગલો ઇન્ડિયન જાતિનાં લોકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. કલમ – ૩૩૩ થી રાજ્યની વિધાનસભામાં એન્ગલો ઇન્ડિયન માટે બેઠક અનામત રાખવાની જોગવાઈ છે. અત્રે ખાસ નોંધાવા જેવી બાબત એ છે કે, એન્ગલો ઇન્ડિયન સમુદાય માટે અનામત બેઠકની ચુંટણી કરવામાં આવતી નથી, તેને ભારતનાં રાષ્ટ્રપતિ સીધા જ લોકસભા સાંસદ તરીકે નિમણુક કરે છે.

બઢતીમાં અનામત

બંધારણની કલમ – ૧૬(૪)(એ) થી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનાં સભ્યોને નોકરીમાં બઢતીમાં અનામત મળવાની જોગવાઈ છે. બઢતીમાં અનામત આપવાની જોગવાઈ માટે સરકાર દ્વારા જે ગાણિતિક પદ્ધતિ અપનાવવામાં આવી છે તેને રોસ્ટર પદ્ધતિ કહેવામાં આવે છે. અત્રે નોંધ લેવી જરૂરી છે કે ઓબીસી વર્ગને બઢતીમાં અનામતની કોઈ જોગવાઈ નથી.

શું અનામત ૧૦ વર્ષ માટે હતી?

આપણે ઉપર જોયું તેમજ શિક્ષણમાં કે સરકારી નોકરીમાં અનામત અંગે કોઈ સમયમર્યાદાનો ઉલ્લેખ ભારતના બંધારણમાં નથી પરંતુ બંધારણની કલમ – ૩૩૪ માં રાજકીય અનામત ૧૦ વર્ષ પછી બંધ કરવાની જોગવાઈ મૂળ બંધારણમાં કરવામાં આવી હતી. ઉપરોક્ત જણાવેલ SC, SC તેમજ એન્ગલો ઇન્ડિયન માટે લોકસભા તેમજ વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈની સમયમર્યાદા ૧૦ વર્ષ જેટલી રાખવામાં આવી હતી.

બંધારણ અમલમાં આવ્યાથી લઈને ૧૦ વર્ષ સુધી રાજકીય બેઠકો અનામતની જોગવાઈને બંધારણમાં ૮માં, ૨૩માં, ૪૫માં, ૬૨માં, ૭૯માં અને છેલ્લે વર્ષ ૨૦૦૯માં બંધારણનાં ૯૫માં સુધારા બીલ દ્વારા ૧૦ – ૧૦ વર્ષની સમયમર્યાદા વધારતા હાલમાં ૭૦ વર્ષ સુધી અનામત લાગુ કરવાની જોગવાઈ કરવામાં છે. રાજકીય અનામતની બંધારણીય સમયમર્યાદા ૨૦૧૯માં પૂર્ણ થાય છે. વર્ષ ૨૦૧૯ બાદ જો સરકાર બંધારણમાં નવું સંશોધન બીલ લાવશે તો ફરીથી દસ વર્ષ માટે જોગવાઈ વધારો થશે.

આમ અનામત અંગે કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજણ કે ખોટી માહિતી ફેલાવતા પહેલા બંધારણીય જોગવાઈનો અભ્યાસ કરવો જરૂરી છે. ફરીવાર ખાસ ઉલ્લેખ કરવાનો કે શિક્ષણ અને સરકારી નોકરીમા અનામત અંગે કોઈ સમયમર્યાદા નથી તેમજ રાજકીય બેઠકો માટે ૧૦ વર્ષની સમય મર્યાદા હતી તે ૨૦૧૯માં પૂર્ણ થાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat